ઘટમાં ઘોડા થનગને, આતમ વિંઝે પાંખ, આજનો શિક્ષિત યુવાન દિશા શુન્ય શા માટે ?

આજે રાષ્ટ્રીય યુવા દિવસ

 

દરેક દેશની પ્રગતિને આધાર એના યુવાનો પર રહેલો છે: દેશના યુવાનો કઇ દિશામાં ગતીમાન છે એના પર દેશના ભવિષ્યનો આધાર છે: આપણાં દેશમાં યુવા વર્ગની સંખ્યા વિશ્ર્વમાં સૌથી વધુ છે

યુવાશક્તિ વરદાન છે કે પડકારએ મહત્વની બાબત છે કારણ કે યુવાશક્તિને જો સાચા માર્ગે વાળવામાં ન આવે તો સમાજ અને રાષ્ટ્રનું ભાવિ અંધકારમય બની જાય છે: આજનો યુવાન પોતાનું અસલ વ્યક્તિત્વ ખોઇ બેઠો છે

વિશ્ર્વના લગભગ તમામ દેશોમાં કોઇને કોઇ દિવસે યુવા દિવસ ઉજવાય છે. આપણા દેશમાં આજે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિતે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 1985ના વર્ષને ઇન્ટરનેશન યુથ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું ત્યારથી આપણાં દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ દર વર્ષે આજે ઉજવાય છે. દર વર્ષે તેની ઉજવણી માટેની થીમ પણ અપાય છે જેની છત્રછાયામાં સેલિબ્રેશન થાય છે. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાની અસરતળે ફિક્કી લાગે છે. શાળા-કોલેજમાં વિવિધ આયોજનો થકી યુવાનોને જાગૃત કરવામાં આવે છે.

વિશ્ર્વમાં સૌથી યુવા વર્ગ આપણાં દેશ ભારતમાં છે પણ તેના વ્યવસ્થિત આયોજન-રોજગારી જેવી ઘણી સમસ્યાને કારણે તેનો વિકાસ રૂંધાયો છે. આજનો યુવાન દિશા ભટકી ગયો છે. આ વાત આજે સૌ કોઇ કરી રહ્યા છે પણ તેના માટે કોઇ નક્કર આયોજન કરવા કે તેને માર્ગદર્શન આપવા કેટલા આગળ આવે છે તે યક્ષ પ્રશ્ર્ન છે. યુવાન આપણું ધન છે તેથી આપણે તેને યુવાધન સંબોધન કરીએ છીએ. આજનો શિક્ષિત યુવાન પણ દિશા શૂન્ય થઇ ગયો છે. દરેક દેશની પ્રગતિનો આધાર તેના યુવા વિકાસ પર નિર્ભર હોય છે. યુવાશક્તિ વરદાન છે તો સાથે પડકાર પણ છે, કારણ કે તેને સાચી દિશા તરફ વાળવાનું મહત્વનું કાર્ય સૌ કોઇએ સાથે મળીને કરવાની જરૂર છે. માર્ગદર્શન વગર આજનો યુવાન તેનું વ્યક્તિત્વ ખોઇ બેઠો છે.

રાષ્ટ્રીય યુવા દિવસનું મહત્વ, ઉજવણી, પ્રવૃતિ સાથે સમાજનો દરેક વર્ગ જોડાય તે જરૂરી છે. આ વર્ષે થીમમાં માનવ અને ગ્રહોના સ્વાસ્થ્ય માટે યુવાવર્ગનું નવિનીકરણ અને ફૂડ સિસ્ટમમાં પરિવર્તનની વાત કરે છે. યુવાન નબળો ન હોઇ શકે તે તાકતવાર અને પહાડોમાં પણ રસ્તો કરી શકે તેવો હિંમતવાન હોવો જરૂરી છે. વિવેકાનંદજીના જીવન ઉપરથી પ્રેરણા લઇને યુવા પેઢી તેના વિચારો અપનાવે અને જીવનમાં સફળતા મેળવે તે મુખ્યહેતું છે. યુથનો આઇકોન વિવેકાનંદજી સિવાય કોઇ બીજો હોય શકે નહીં. ભારતની યુવા પેઢીના તે જ્ઞાન-પ્રેરણા અને પ્રકાશના સ્ત્રોત છે. આજનો દિવસ પુરા ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવીને યુવાનોનો સાચી દિશામાં વિકાસ કરીએ એજ યુવા દિવસની ઉજવણી હોય શકે. પહેલો યુવા દિવસ વર્ષ-2000માં ઉજવાયો હતો. યુનાઇટેડ નેશન્સે-1991માં વિયેનામાં વિશ્ર્વયુવા મંચનું આયોજન કર્યું હતું. આજનું યુવાધન દેખાડાની વિચારધારાને અનુસરીને પોતાનું જીવન બરબાદ કરી રહ્યું છે.

આજના યુગમાં તંદુરસ્ત યુવાધન જ દેશની સાચી સંપતિ છે. તે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ છે. મજબૂત યુવા વર્ગ જ દેશની સાચી પ્રગતિ છે. આજના યુવા વર્ગે દેશના રાજકારણથી લઇને તમામ ક્ષેત્રે આગેવાની લઇને દેશનો વિકાસ કરવો જોઇએ. દેશની સમસ્યાઓ બાબતે પણ તેમની આગેવાની જ લક્ષ્યાંકો સિધ્ધી કરાવી શકે છે. યુવાશક્તિની ભાગીદારી જ સફળતા અપાવે છે. આજે યુવાધનને પોતાના પ્રચાર-માધ્યમ તરીકે વાપરીને અને વૈશ્ર્વિકસ્તરે યુવાધન સાથે ટકી રહેવા માટે એક મુસિબત ઉભી થઇ શકે તેમ છે. યુવા શક્તિની વિચારધારાને દરેકે સમજવાની જરૂરીયાત છે.

આપણે વેદકાલિન સંસ્કૃતિ-શાસ્ત્રોએ જીવનની ચાર અવસ્થા દર્શાવી છે. તેમાં યુવાવસ્થા સૌથી શ્રેષ્ઠ છે. આ ગાળામાં જ ખૂબ જ પ્રગતિની તકો અને સફળતા રહેલી છે. લક્ષ્ય આધારિત કાર્યો કરવા યુવાવસ્થા સૌથી ઉત્તમ છે. વિશ્ર્વભરમાં વસ્તીનો સૌથી મોટો હિસ્સો આ યુવા વર્ગનો છે. ધ્યેય પ્રાપ્તી સુધી મંડ્યા રહેવાની વાત જ જીવનને સાર્થક બનાવે છે. વિશ્ર્વમાં તેની જેવી તાકાત કોઇનામાં હોતી નથી. યુથ એટલે બોલેલુંને ધારેલું કરવાની શક્તિ પણ આજે એમાં સફળ થાય છે તે આપણને ખબર છે. યુવા વર્ગ માટેની વિવિધ યોજના, પ્રોત્સાહન જ તેને સફળતા અપાવી શકે છે. આજના યુવાનને જોઇએ તો લાગે કે ખલાસ થઇ ગયો છે ને તેનું કોઇ લક્ષ્ય જ નથી. આજનો યુવાન લારી-ગલ્લાઓ ઉપર વ્યસન કરતો જોવા મળે છે ત્યારે પ્રશ્ર્ન થાય કે આ યુવાનને ખબર જ નથી કે યુવાની કે યુવાન શું છે. પરિવારની સૌથી મોટી આશા તેમના યુવાનો ઉપર ટકી રહેતી હોય છે. આજનો યુવાન પોતાનું વ્યક્તિત્વ ખોઇ બેસીને બીજાના હાથે વેચાઇ ગયો છે. આજના યુવાનોને તેના આદર્શ કોણ છે તેમ પૂછો ત્યારે તે ફિલ્મસ્ટારો, ક્રિકેટરો અને રાજકારણીઓના નામ આપે છે અને ઘણા યુવાનોને તો આદર્શ કે આઇડોલ શું કહેવાય તેજ ખબર નથી. દરરોજ તેમના આદર્શ ફરતાં રહે છે. યુવાનીમાં જ યુવાને પોતાનું ઘડતર કરવાનું હોય છે પણ આજે ઘણા એવું માને છે કે યુવાની એટલે જલ્સા !! આજનો યુવાન તેના ફેમીલી-દેશ કે સમાજ માટે એવા કાર્યો કરવા જોઇએ જેથી તેમના વિકાસ સાથે સૌનો વિકાસ થાય. આજના સમયમાં યુવા વ્યક્તિની દેશને ખૂબ જ જરૂર છે.

આજના ટેકનોલોજી યુગમાં યુવાનોએ સાવચેતી પૂર્વક ચાલે તો ઘણા દૂષણોથી બચી શકે તેમ છે. આજે અલગતાવાદી, ત્રાસવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ જેવા વિવિધ પરિબળો તેનો વિકાસ રૂંધી રહ્યા છે તેવા સમયે તેનો રસ્તો વધારે ચોખ્ખો કરીને તેના વિકાસ કાર્યમાં સમાજે જોડાવાની જરૂર છે. આજની યુવાશક્તિએ સકારાત્મક વલણ સાથે રચનાત્મક પ્રવૃતિ કરીને તેનો સંર્વાંગી વિકાસ કરવો જરૂરી છે. શિક્ષણની સાથે યુવાનો માટેના જીવન કૌશલ્યો હસ્તાગત કરીને તેનો વિકાસ કરવો જરૂરી છે. આજના યુવાવર્ગની નિરર્થક અને નિરાશાવાદી વાતોમાં તેને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી સમાજમાં સિસ્ટમ હોવી જરૂરી છે.

ઇન્ટરનેટના દુરઉપયોગ યુવાનોની શક્તિ અને મનોબળને નબળા પાડ્યા !!

આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં ઇન્ટરનેટ સૌથી મોટું ભયંકર દૂષણ છે. જેમાં આજનો યુવાવર્ગ સપડાયો છે. આને કારણે તેની શક્તિ અને મનોબળ નબળા પડી ગયા છે. ઇન્ટરનેટ પરથી યોગ્ય માહિતી અને જ્ઞાન મેળવવાને બદલે તેનો દુરપયોગ વધારે થવા લાગતા માઠા પરિણામો આજનો યુવા વર્ગ ભોગવી રહ્યો છે. સોશિયલ મીડીયાને કારણે યુવા વર્ગ પર નકારાત્મક અસર પડી છે. આવનારા દિવસોમાં જો આમને આમ આ ચાલુ રહેશે તો શારીરીક અને માનસિક રીતે યુવા વર્ગ ખલાસ થઇ જશે. યોગ્ય શિક્ષણ ન મળવાને કારણે જે તેને મળ્યું છે તેના ઉપયોગ થકી તેને નિષ્ફળતા મળતા તે વ્યસનો તરફ ઢળી ગયો છે. આજના યુવાનને ધ્યેય નક્કી કર્યા બાદ સફળતા ન મળતા તે નિરાશામાં ગરકાવ થાય છે અને ક્યારેક આપઘાત પણ કરી લે છે જે સમાજ માટે રેડલાઇટ છે. દેશના વિકાસમાં સૌથી અગત્યની કામગીરી યુવાવર્ગને શીરે છે જો તેજ નબળો પડશે તો દેશનો વિકાસ કેવી રીતે થઇ શકે. સોશિયલ મીડીયાની લતને કારણે તે સમાજથી પરિવારથી અલિપ્ત થતો જોવા મળી રહ્યો છે. આજના યુવાધનના ઘણા દૂષણોને કારણે તેના જીવન અંધકારમય બની ગયા છે.

યુ-યુયુત્સ વૃત્તિ,

વા-વાત્સલ્ય, ન-નમ્રતા

જે વ્યક્તિ સત્ય અને યોગ્ય વાત માટે અવાજ ઉઠાવી શકે, બાળકો સાથે વાત્સલ્યભાવે વર્તી શકે અને વડિલો સાથે નમ્રતાથી વર્તી શકે તે વ્યક્તિ એટલે યુવાન.