Abtak Media Google News

વોડાફોન-આઈડીયા અને એરટેલે એક જ મહિનામાં ૪૯ લાખ ઉપભોકતા ગુમાવ્યા: રિલાયન્સ જીઓ અને બીએસએનએલના ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

વોડાફોન-આઈડીયા અને એરટેલ સહિતની કંપનીઓની નુકશાની દિન-પ્રતિદિન વધી રહી છે. જ્યારે બીજી તરફ જીઓના ગ્રાહકોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ટૂંકા સમયગાળામાં જીઓ ટેલીકોમ સેકટર પોતાનું આધિપત્ય જમાવવા સફળ રહ્યું છે. જેની પાછળ અનેક કારણો જવાબદાર છે. એરટેલ, આઈડીયા-વોડાફોન સહિતની કંપનીઓના મોંઘા ટેરીફથી ગ્રાહકો વર્ષોથી પરેશાન હતા. આ પરેશાની જીઓના આગમન બાદ દૂર થતી જોવા મળી છે. જીઓએ સસ્તા ટેરીફ આપી બહોળો ગ્રાહક વર્ગ પોતાની કંપનીમાં જોડયો છે. પ્રારંભીક તબક્કે સસ્તા દરે લોકોને સર્વિસ આપવાની જીઓની નીતિ સફળ બની છે. ટ્રાય દ્વારા જાહેર થયેલી વિગતો અનુસાર વોડાફોન-આઈડીયા અને એરટેલને ૪૯ લાખ ગ્રાહકોએ જાકારો આપ્યો છે અને જીઓના ગ્રાહકો સતત વધી રહ્યાં છે.

રિલાયન્સ જીઓને સમયાંતરે લોસ મેકિંગ બિઝનેશમાં ફાવટ આવી છે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં શહેરી વિસ્તારોમાં વાયરલેસ સબ્સ્ક્રાઈપ્શન હટાવ્યું હોય તેવા ૬૫ કરોડ ગ્રાહકો હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૫૧.૪૫ કરોડ ગ્રાહકો હતા. સપ્ટેમ્બર મહિનામાં એરટેલે ૨૩.૮ લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા. હવે એરટેલના ગ્રાહકોની સંખ્યા ૩૨.૫૫ કરોડ હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ વોડાફોન-આઈડીયાએ પણ એક જ મહિનામાં ૨૫.૭ લાખ ગ્રાહકો ગુમાવ્યા હોવાનું અને કુલ ગ્રાહકોની સંખ્યા ૩૪.૨૪ કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ રિલાયન્સ જીઓએ એક જ મહિનામાં ૬૯.૮૩ લાખ ગ્રાહકો વધાર્યા છે. તેના ગ્રાહકોની સંખ્યા ૩૫.૫૨ કરોડે પહોંચી ચૂકી છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 5

તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ટેલીકોમ માર્કેટમાં વોડાફોન-આઈડીયા ૩૧.૭૩ ટકા ઉપભોગતા ધરાવતું હતું. જ્યારે રિલાયન્સ જીઓનો માર્કેટ શેર ૩૦.૨૬ ટકા હતો. એરટેલનો માર્કેટ શેર ૨૭.૭૪ ટકા જોવા મળ્યો હતો.

સરકાર સંચાલીત એમટીએલના ૮૭૧૭ ગ્રાહકોએ કંપની છોડી હતી. જ્યારે બીએસએનએલમાં ગ્રાહકોની સંખ્યામાં ૭.૩૭ લાખનો વધારો થયો હતો. ઓગષ્ટના અંત ભાગની સરખામણીએ સપ્ટમ્બરના અંત ભાગમાં ઉપભોકતાની સંખ્યામાં તોતીંગ વધારો જોવા મળ્યો છે.  ટેલીકોમ સેકટરમાં વોડાફોન-આઈડીયા, એરટેલ અને બીએસએનએલ સહિતની કંપનીઓ ધીમે ધીમે નુકશાન કરે છે. જ્યારે રિલાયન્સ જીઓ ફાયદો કરવા લાગ્યું છે. તેની પાછળ રિલાયન્સ જીઓ દ્વારા ઘડવામાં આવેલી લાંબાગાળાની નીતિ જવાબદાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.