જામનગરવાસીઓને ગુજરાત ગેસ કંપનીના જોડાણ ન મળતા હોવાની વ્યાપક ફરિયાદ

ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને ઢીલી નિતી જવાબદાર: મોંઘવારીના સમયમાં શહેરીજનો જોડાણ મેળવવા આતુર: ગેસની પાઇપલાઇન બિછાવ્યા પછી પણ કનેકશન ન મળતા રોષ વ્યાપ્યો

અબતક-જામનગર

મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા લોકોની વર્તમાન સમયની ગેસના બાટલાના ભાવ વધારામાંથી મુકતી મળશે તેવા હેતુસર ગુજરાત ગેસનો પીએનજી ગેસ વ્યાજબી ભાવે મળશે અને કનેકશન પણ મળી જશે તેવી આશાઓ ઉપર પાણી ફરી વળ્યુ છે. શહેરના અનેક પરીવારો દ્વારા પીએનજી ગેસ માટે માંગણી કરી હોવા છતાં અકળ કારણોસર ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના કનેકશન ઘર વપરાશ માટે આપવામાં આવતા નથી તેવી ફરિયાદનો સુર વ્યાપક પ્રમાણમાં ઉઠી રહ્યો છે. એટલુ જ નહીં ઘર વપરાશના જોડાણ માટે ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવા છતાં ગુજરાત ગેસ કંપનીના બાબુઓ કનેકશન ન આપતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ગુજરાત ગેસ દ્વારા મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં પીએનજી ગેસ કનેકશન આપવાનું અંદાજે પાંચેક વર્ષ પહેલા શરૂ કર્યુ હતું. ગોકુલનગર વિસ્તારમાં રાજ્યના મંત્રી દ્વારા રહેણાંક વિસ્તારમાં ગેસ કનેકશનનું લોકાર્પણ કરાયું હતું ત્યારે મોટી અપેક્ષા અને આશા લોકો રાખી રહ્યા હતાં. પરંતુ ચાર-ચાર વર્ષ પછી પણ ગુજરાત ગેસ કંપની દ્વારા શહેરીજનોની અપેક્ષા સંતોષાય નથી.એટલુ જ નહીં આડેધડ રીતે ગુજરાત ગેસ કંપનીના કોન્ટ્રાકટરો રોડમાં ભારે નુકશાન કરી અને ગેસની પાઇપ લાઇન બિછાવી જાય છે. ત્યારબાદ આ બિસ્માર બનેલા રોડની મરામતનું કામ પણ કરવામાં આવતું નથી. જેને કારણે શહેરીજનો પરેશાન થઇ ગયા છે. વધુમાં ગુજરાત ગેસ કંપની દ્વારા જુદા જુદા વિસ્તારમાં ગેસની પાઇપ લાઇન બિછાવ્યા પછી ઘર વપરાશના જોડાણો લાંબા સમય સુધી મળતા નથી.અવાર નવાર શહેરીજનો દ્વારા ગુજરાત ગેસ કંપનીનો પીએનજી ગેસ જોડાણ મેળવવા માટે માંગણી કરવામાં આવે છે પરંતુ કોઇ અકળ કારણોસર ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ જોડાણો આપતા નથી તેવી વ્યાપક ફરિયાદ શહેરીજનો કરી રહ્યાં છે. એક તરફ ઘર વપરાશ માટેના ગુજરાત ગેસ કંપની દ્વારા જોડાણ આપવા માટે ઢીલી નિતી અપનાવાઇ રહી છે. ત્યારે બીજી તરફ ઉદ્યોગનગર વિસ્તારમાં ગેસની પાઇપ લાઇન બિછાવીને ઝડપભેર કનેકશન આપવા ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ આતુર બન્યા હોવાનું ચર્ચાય છે. જે વિસ્તારમાં ગેસની પાઇપલાઇનની ડીમાન્ડ અંગે પણ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા શહેરીજનોને એવો જવાબ આપવામાં આવે છે કે, જે વિસ્તારમાંથી ગેસ કનેકશન મેળવવા માટેની ડીમાન્ડ વધુ આવી હોય તેને ધ્યાનમાં રાખી ગેસ પાઇપલાઇન બિછાવવામાં આવે છે અને ત્યારબાદ કનેકશન આપવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જોકે જે મંદ ગતિએ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ઘર વપરાશના ગેસના જોડાણો આપવાની કાર્યવાહી કરે છે તે રીતે જોતા શહેરમાં આવતા પાંચ વર્ષ સુધીમાં પણ કનેશનનું કામ પુર્ણ થાય તો નવાઇ નહીં. અત્રે એ યાદ આપવુ જરૂરી છે કે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતાં તે સમયે જામનગર શહેરીજનોને ગુજરાત ગેસ કંપનીનો પીએનજી ગેસનું જોડાણ આપવાનું મિશન હાથ ધરાયું હતું. જે આજે પણ હજુ અધુરૂ રહ્યુ હોવાની વાત જામનગરવાસીઓ કરી રહ્યા છે.