શાપર પાસે ત્રીપલ સવારી બાઇકને ટ્રકે હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત

ગીતજલી સોસાયટીમાં રહેતા પટેલ દંપતિ અને પુત્ર શાપરમાં ભત્રીજાના ઘરેથી પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત: પિતા-પુત્ર ઘાયલ

શાપરમાં ભત્રીજાના ઘરેથી રાજકોટ ત્રિપલ સવારી બાઇકમાં  પરત ફરતા દંપતીને પાછળથી ટ્રક ચાલકે ઠોકર મારતા પતિની નજર સમક્ષ પત્નીનું મોત નીપજ્યું હતું.જયારે પિતા પુત્રને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. શાપર પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોકુલધામ પાસે ગીતાંજલી સોસાયટીમાં રહેતા ગોપાલભાઇ લક્ષ્મીદાસ અઘેરા (ઉ.વ.પર) (પટેલ), તેમના પત્ની મધુબેન (ઉ.વ.પ0) અને પુત્ર યોગેશ (ઉ.વ.ર1) એમ ત્રણેય ત્રીપલ સવારી બાઇકમાં બેસી રાત્રીનાં સમયે શાપરથી રાજકોટ આવતા હતા ત્યારે શાપરની ખોડીયાર હોટેલ નજીક પુરઝડપે આવી રહેલા ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઇકમાંથી દંપતિ અને પુત્ર દૂર સુધી ફંગોળાયા હતા ત્યાં 108 મારફતે તેમને તુરંત જ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જેમાં મધુબેનને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ગોપાલભાઇને સંતાનમાં બે દીકરા એક દિકરી છે. તેમને લક્ષ્મીનગર મેઇન રોડ પર ઓટો ગેરેજ છે.શાપર મધુબેનના બહેનને ત્યાં બેસીને ઘરે પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. આ અંગે શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.