ઓલ્ડ ટ્રેફોડમાં મોટો જુમલો ખડકી ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝને માનસિક રીતે પછાડશે?

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણીના અંતિમ મેચમાં માઈન્ડ ગેમ શરૂ

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઓલ્ડ ટ્રેફોડ ગ્રાઉન્ડ ખાતે ૩ ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે. જેમાં હવે ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ સામે માનસીક દબાણ લાવવાનો પ્રયત્ન કરશે. ઈંગ્લેન્ડના પ્લેયર હવે મસમોટો જુમલો ઉભો કરવા જઈ રહ્યાં છે. પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડની ટીમે ૪ વિકેટે ૨૫૮ રન કર્યા હતા. ઓલીપોપ ૯૧ રને અને જોસ બટલર ૫૬ રને અણનમ રહ્યાં હતા. બન્નેએ અનુક્રમે પોતાના કેરીયરની ચોથી અને ૧૬મી ફીફટી મારી હતી. વિન્ડઝ માટે રોચે ૨ અને રોસ્ટન ચેજે ૧ વિકેટ લીધી હતી.

નોંધનીય છે કે, દિવસની શરૂઆતમાં વિન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોચે પ્રથમ ઓવરમાં જ ગઈ મેચના સેન્ચુરિયન ડોમિનિક સિ બલેને પેવેલિયન ભેગો કર્યો હતો. સિબલે એક્રોસ ધ લાઈન રમતા એલબીડબલ્યુ થયો હતો.

સિબલેના આઉટ થયા પછી કેપ્ટન જો રૂટે રોરી બર્ન્સ સાથે બાજી સંભાળી હતી. જોકે રૂટ રનઆઉટ થતા ૪૫ રન ઉમેર્યા બાદ બંનેની જોડી તૂટી ગઈ હતી. રોસ્ટન ચેઝે બેકવર્ડ પોઇન્ટ પરથી થ્રો કરીને રૂટને ૧૭ રને આઉટ કર્યો હતો હતો. રૂટ સતત બીજી ઇનિંગ્સમાં રનઆઉટ થયો છે. રૂટના આઉટ થયા પછી મેન ઇન ફોર્મ બેન સ્ટોક્સે રોરી બર્ન્સ સાથે હાથ મિલાવ્યા હતા. જોકે આ જોડી પણ સારી શરૂઆતને મોટી પાર્ટનરશિપમાં ક્ધવર્ટ કરી શકી નહોતી. સ્ટોક્સ ૨૦ રને રોચની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પછી બર્ન્સ પણ જલ્દી આઉટ થયો હતો. બર્ન્સ રોસ્ટન ચેઝની બોલિંગમાં સ્લીપમાં કોર્નવેલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે પોતાના કરિયરની સાતમી ફિફટી ફટકારતાં ૧૪૭ બોલમાં ૪ ફોરની મદદથી ૫૭ રન કર્યા હતા. ૧૨૨ રનમાં ૪ વિકેટ ગુમાવ્યા બાદ પોપ અને બટલરે ઇનિંગ્સ સંભાળી લીધી હતી અને મહેમાન ટીમને હાવી થવા નહોતું દીધું.

૩૨ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતવાની ઈંગ્લેન્ડને તક

સીરિઝ ૧-૧ની બરાબરી પર છે. વેસ્ટ ઇન્ડીઝ પાસે આ મેચ જીતીને ૩૨ વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતવાની તક છે. આ પહેલા ૧૯૮૮માં વિન્ડિઝ ટીમે ઇંગ્લિશ ટીમને તેના ઘરે ૫ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૪-૦થી હરાવી હતી. વિન્ડિઝે પહેલી ટેસ્ટ ૪ વિકેટે જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડે વાપસી કરતા બીજી ટેસ્ટ ૧૧૩ રને જીતી હતી.