શું અફઘાનિસ્તાન વિશ્વના નકશામાંથી ભૂંસાઇ જશે ?

અફઘાનીસ્તાનમાં બંદૂકના નાળચે તાલીબાનોએ કાબૂલ પર કબ્જો કરી 2.0 તાલીબાની યુગનો પ્રારંભ તો કરી દીધો છે પરંતુ અફઘાન પર સરીયતના નામે કબ્જો કરનાર તાલીબાનોને બંધારણીય માન્યતા મેળવવા માટે ભૂતકાળની છાપ સુધારી વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરવું પડશે જે અત્યારના સંજોગમાં મુશ્કેલ લાગે છે.

અમાન્ય તંત્ર, વિશ્વ દેશો ન સ્વીકારે તો આર્થિક, રાજદ્વારી અને વેપારી ધોરણે અફઘાનીસ્તાન એકલું થઇ જાય અને આર્થિક પાયમાલ બની જાય તેવી પરિસ્થિતિમાં વિશ્વ બેંકની સહાય અને માન્યતા વગરની વ્યવસ્થાને કોઇ દેશ મદદરૂપ ન થવાથી આરોગ્ય, શિક્ષણ, પ્રાથમિક સુવિધાઓ જળવાશે નહીં અને જંગલરાજ જેવી પરિસ્થિતિ ઉભી થાય તે પહેલાં તાલીબાનોએ સ્થાનિક અને વૈશ્વિકસ્તરે પોતાની છાપ સુધારવી પડશે.

વૈશ્વિક આતંકવાદના લેબલ સાથે સંકળાયેલા અલકાયદા જેવા સંગઠનને દુનિયામાં ક્યાંય ઇરાદા પાર પાડવામાં સફળતા મળી નથી. તાલીબાનોએ પણ ભૂતકાળના અનુભવોને ધ્યાને લઇ પ્રથમ તો અફઘાનીસ્તાનમાં લોકતાંત્રીક ઢબે અને કાયદાના અનુશાસનથી વ્યવસ્થા તંત્ર ઉભું કરીને પોતાનું અભિગમ દેશનું સચાંલન સારી રીતે ચલાવવાની સાબિતી આપવી પડશે. તાલીબાનો માટે વિશ્વાસ ઉભો કરવો એક મોટું ચેલેન્જ બની રહેશે. વિશ્વની ચિંતા વધારી અશરફ ગની ક્યાંય ચાલ્યા જતાં અત્યારે અફઘાનીસ્તાન ધણીધોરી વિનાનું થઇ ગયું છે.

તાલીબાનોએ આંતર વિગ્રહ અને લશ્કર સામે બળવા અને હિંસાનો રસ્તો લઇ કાબૂલ સર કરી લીધું છે. જો કે તાલીબાનોની બીજી ઇંનીગ્સમાં બદલાયેલી રણનીતી એવી દેખાઇ રહી છે કે તાલીબાનો હવે બંધારણીય રીતે દેશનું સંચાલન ચલાવશે. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના નિયમોનું ઉલ્લંઘન નહીં થાય તેવી ખાતરી સાથે પોતાની વ્યવસ્થાનું નામ પણ ઇસ્લામીક અમિરાત ઓફ અફઘાનીસ્તાન જાહેર કરીને નવા સુકાની તરીકે અબ્દુલ ગની બરાદરને જાહેર કરી પોતાની વ્યવસ્થાની માન્યતા માટે તબક્કાવાર આગળ વધી રહ્યાં છે.

તેમ છતાં અફઘાનીસ્તાનમાં વિશ્વાસનું વાતાવરણ અને વૈશ્વિક સમાજમાં સમર્થન ઉભુ કરવું તાલીબાનો માટે પડકારરૂપ છે. જો સરીયતન કાયદા અને માત્ર હિંસાની રાહે આગળ વધીને અફઘાન પર કબ્જો જમાવવાનું વલણ તાલીબાનોથી નહીં છૂટે તો અફઘાનીસ્તાનનો નકશો વિશ્વમાંથી ભૂંસાઇ જશે. તાલીબાનોને સમર્થન ન મળે તો આર્થિક રાજદ્વારી વેપારી સંબંધો પર પૂર્ણવિરામ લાગી જાય અને અવેધ કેફી દ્રવ્યોનો કારોબાર અને આંતરરાષ્ટ્રીય દ્રગ્સ સીડીકેટ્સની સાથેસાથે પરોક્ષરીતે મુલ્લાઓ સત્તા ભોગવશે તેનાથી સામાજીક સંતુલન, ન્યાયી વ્યવસ્થા તૂટી જશે.

શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓના અભાવે જંગલરાજ અને કબીલાવાદ અને આંતરીક ગ્રહ યુધ્ધ જેવી પરિસ્થિતિમાં ભારત જેવા દેશોની મદદ પણ મળતી બંધ થઇ જાય તેવી પરિસ્થિતિમાં તાલીબાનો માટે વૈશ્વિક સમર્થન અને વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવું અનિવાર્ય બન્યું છે જો તાલીબાનો આ વિશ્વાસ નહીં કેળવે તો અફઘાનીસ્તાન વિશ્વના નકશામાંથી ભૂંસાઇ જાય તેવી પરિસ્થિતિ દેખાઇ રહી છે.