Abtak Media Google News

પ્રજાના જાન-માલનું રક્ષણ અને સુલેહ શાંતિ જાળવવાની પોલીસ મુળભૂત ફરજ ભુલતા પ્રજા સાથે ઘર્ષણના બનાવ વધ્યા

સામાન્ય પ્રજા સાથે પોલીસના મનફાવે તેવા વર્તન સામે સરકારનું ભેદી મૌન

લુવારાની મહિલા સામે હત્યાની કોશિસનો પોલીસ કરેલા ખોટા કેસના આક્ષેપ અને કચ્છના મુન્દ્રા પોલીસ કસ્ટોડીયનની લાલબત્તી સમાન ઘટનાથી પોલીસ પર લગામ જરૂરી

સામાન્ય વ્યક્તિને માસ્કના મુદે રંજાડતી પોલીસ રાજકીય મેળવવા સામે કાર્યવાહી ન કરી બેધારી નીતિ સામે રોષ

અમરેલીના લુવારા અને કચ્છ મુન્દ્રા સહિતની કેટલીક શરમજનક ઘટનાથી પોલીસની સાથે સાથે સરકારની છબી ખરડાઇ રહી છે. પોલીસના આડકતરા સરમુખત્યારશાહી જેવા વર્તનના કારણે સરકાર અને પ્રજા વચ્ચે દિવાલ ખડી થઇ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. પ્રજાના જાન-માલના રક્ષણની અને જાહેર સુલેહ શાંતિ જાળવવાની પોલીસ મુળભૂત ફરજ ભુલી પોલીસની બેધારી નિતિ સામે લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય વ્યક્તિ માટે કડક રીતે કાયદાના અમલ સામે રાજકીય નેતા અને પોલીસના કમાઉ દિકરા સમાન ગુંડા માટે કુણા વલણના પક્ષપાતિ વલણ સામેનો પ્રચંડ આક્રોટ ફાટી નીકળે તે પહેલાં તંત્રએ પોલીસ પર લગામ કસવી જરૂરી બન્યું છે.

ચોરીની ઘટનાની પૂછપરછ માટે લઇ જવાયેલા ત્રણ યુવાન પર મુન્દ્રા પોલીસે આચરેલા અત્યાચારથી બે યુવાનના મોત નીપજવાની ઘટનાથી ગઢવી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તે રીતે અમરેલીના સાવરકુંડરલા નજીક આવેલા લુવારા પોલીસે કાઠી મહિલા સામે ખોટી રીતે હત્યાની કોશિષનો ગુનો નોંધાતા કાઠી-ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને પોલીસના વર્તન સામે સર્વત્ર ફીટકાર વરસાવી રહ્યા છે.

કોરોના મહામારીમાં સરકારની ગાઇડ લાઇનના અમલ કરવાવવામાં સામાન્ય પ્રજા સાથે અતિરેક અને રાજકીય નેતા અને કાર્યકરો સામે ઘુમ્મટો તાણવાની બેધારી નિતિ સામે આવી છે. પોલીસના પક્ષપાતિ વલણની સામાન્ય પ્રજા આકરી આલોચના કરી રહી છે અને સરકારને પણ ભાંડી રહી હોવાથી પોલીસના સરમુખ્યારશાહી વલણ દ્વારા જ પ્રજા અને સરકાર વચ્ચે દિવાલ ખડી કરી રહી છે જે લાંબા સમયે સરકાર માટે જોખમી બની રહેશે તેમાં બે મત નથી

માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાના ઓઠા તળે પોલીસ દ્વારા થતા આડેધડ અને આકરો દંડ વસુલ કરવામાં પણ પોલીસની બેધારી નિતિ સામે આવી છે. એકલ દોકલને અટકાવી માસ્કના નામે આકરો દંડ ફટકારી દેતી પોલીસની નજર સામે જ રાજકીય પક્ષ દ્વારા સભા, સરઘસ અને રેલીના આયોજન કરતા હોય છે ત્યારે શુ પોલીસ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે તેવો સવાલ થઇ રહ્યો છે.

જો કે પોલીસ દુધે ધોયેલી હોય અને રાજકીય પક્ષ સામે પણ કડક કાર્યવાહી કરી અને પ્રમાણિક રીતે કામ કરતા હોય તો પોલીસને ભલામણની જરૂર જ રહેતી નથી પરંતુ પોલીસ ભલામણ વિના કામ જ ન કરે અને રોકડી કરવાની પોલીસની આગવી છાપ બની રહી છે. ત્યારે કેટલાક ગુંડા અને ટપોરી પોલીસના કમાઉ દિકરા બની ગયા છે.પોલીસની ટ્રેનિંગ દરમિયાન જ શિસ્તના પાઠ ભણાવવામાં આવે છે ટ્રેનિંગ પુરી થયા બાદ રાજકીય પક્ષના કાર્યકર અને ગુંડા-ટપોરીના મિત્ર બની જતી પોલીસ સમાજ માટે વધુ જોખમ ઉભુ કરે તે પહેલાં તંત્ર દ્વારા પોલીસ માટે કેટલાક કડક નિયંત્રણ લાવવા જરૂરી બન્યા છે.

મકર સંક્રાંત કે સામાજીક પસંગોપાત ડીજે વગાડતા સામાન્ય નાગરિકો માટે કાયદાનો દંડો ઉગામતી પોલીસની છાતી પર બહુમાળી ભવન અને ઢેબર ચોકમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા રેલી યોજી મોટા અવાજ સાથે રેલી યોજી હોવા છતાં પોલીસ મુકપ્રેક્ષક બની સમગ્ર તમાસો જોઇ રહી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોમ ભરવા માટે ભાજપ દ્વારા બહુમાળી ભવન ખાતે રાજકીય મેળાવડો યોજયો હતો અને કોગ્રેસના કાર્યકરો ઢેબર ચોકમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના કાયદાના ધજીયા ઉડાયા હતા તેમ છતાં એક પણ પોલીસ અધિકારી રાજકીય પોતાની નૈતિક ફરજ બજાવી ન હતી.

સમગ્ર વિશ્ર્વમાં સ્કોટલેન્ડ પોલીસની કામગીરી અને માનવીય અભિગમનું ઉદારણ આપવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતની પોલીસ કેમ અળખામણી બની રહી છે. શું પોલીસ તંત્ર પર સરકાર પક્કડ ગુમાવી દીધી છે. કે ઉચ્ચ પોલીસ અધિકારીઓને નીચેનો પોલીસ સ્ટાફ ગાઠતો નથી તેવા સવાલ થઇ રહ્યા છે.

અમદાવાદ પોલીસે નિયમ વિરૂધ્ધ મેમો ફટકાર્યો!

વાસણા સર્કલથી કોઇ ફુલ સ્પ્રીડે વાહન ચલાવી જ ન શકે ત્યાં ઓવર સ્પ્રીડના ખોટો કેસ કરાયો

ટ્રાફિક નિયમનના મુદે પોલીસ અને પ્રજા વચ્ચે અવાર નવાર ઘર્ષણની ઘટના બની રહી છે. ત્યારે પોલીસ પણ પોતાનો ઇગો સંતોષવા માટે ખોટા મેમો બનાવી કાયદાનો બની જરૂરી ઉપયોગ કરી સમાન્ય વ્યક્તિને તગડો દંડ ફટકારી રહ્યા છે. અમદાવાદના વાસણા સર્કલ પાસે ગઇકાલે જ આવી એક ઘટના બની હતી. વાસણા સર્કલ પાસે સાંજના સમયે સાયકલ સાથે પસાર થવું પણ મુશ્કેલ હોય છે ત્યારે ફોર વ્હીલ ચાલકને અટકાવી ફુલ સ્પ્રીડ કાર ચલાવવાનો મેમો ફટકાર્યો છે. કાર ચાલકને સ્પ્રીડ બાબતે દલીલ કરી તો પોલીસ સ્ટાફે પલ્ટી મારી માસ્કના મુદે અટકાવ્યાનું જણાવી કાયદાકીય રીતે ફસાવવા પ્રયાસ કર્યો હતો. તે સમયે જ રાજકીય પક્ષની મોટી સંખ્યામાં રેલી નીકળી હતી અને તેની સામે કાર્યવાહી કરવામાં ઘુમ્મટો તાણી લીધો હતો. કાર ચાલક સામે રોફ જમાવતી પોલીસ રેલી સામે ઢીલીઢફ બની ગઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.