કોરોના ફટાકડાના વેંચાણ પર ‘પ્રતિબંધ’ લાદી દેશે?

રાજસ્થાનમાં ફટકડાનો પ્રતિબંધ ગુજરાતમાં કેટલાયની દિવાળી બગાડી નાખશે

ભારતીય સમાજ જીવનમાં તહેવારોની ઉજવણીનું મહત્વ આદિકાળથી રહેલુ છે તેમાં પણ પ્રકાશ પર્વની દિવાળીની ઉજવણીનો મર્મ ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક જેવો બની રહ્યો છે. ભારતમાં દિવાળીની ઉજવણી એક અલૌકીક અવસર તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ વખતે દિવાળીની ફટાકડાની મજામાં કોરોનાનું ગ્રહણ લાગે તેવા વાદળા ઘેરાઈ રહ્યાં છે અને બોલીવુડના એક જાણીતા ગીતની પંક્તિ ‘ઘર-ઘર મે દિવાલી, મેરે ઘર મેં અંધેરા’ જેવો ઘાટ ઉભો થયો હોય તેમ કોરોના ફટાકડાના વેંચાણ પર પ્રતિબંધ લગાવી દે તેવા સંજોગોએ ફટાકડાના વ્યવસાયકારો અને ફટાકડાના શોખીનોમાં ચિંતા ફેલાવી છે.

દિવાળીના તહેવારો હવે ખુબજ નજીકમાં છે ત્યારે એક તરફ ફટાકડાની બજારો અને સ્ટોલ માટેના લાયસન્સની પ્રક્રિયા અને વેંચાણની તૈયારીમાં નાના મોટા વેપારીઓ લાગી ગયા છે તેવા સંજોગોમાં રાજસ્થાન સરકારે કોરોનાને લઈને ફટાકડાના વેંચાણ પર પ્રતિબંધ લગાડવાનો નિર્ણય કર્યો છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે કોરોના કટોકટીની પરિસ્થિતિની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, સરકાર સામે આ પરિસ્થિતિમાં ફટાકડાનું વેંચાણ પડકારજનક પરિસ્થિતિ ઉભી કરી શકે છે. રાજ્ય સરકારના ‘નો માસ્ક-નો એન્ટ્રી’ અને ‘વોર ફોર પ્યોર’ કમ્પેઈન અંતર્ગત તેમણે ફટાકડાના વેંચાણ પર પ્રતિબંધનો નિર્દેશ આપ્યો હતો. તેમણે ફટાકડાને લઈને પ્રદુષણ અને અત્યારની પરિસ્થિતિને લઈને દિવાળી પર ફટાકડા ન વાપરવાનો અનુરોધ કર્યો છે. રાજસ્થાનમાં દિવાળી ફટાકડા વગર ઉજવાશે. અનલોકની ગાઈડ લાઈન અંગે મુખ્ય સચિવ અભયકુમારે જણાવ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિ શૈક્ષણિક સંસ્થાઓ, ટયુશન કલાસીસોને ૧૬ નવેમ્બર સુધી બંધ રાખવામાં આવશે. સ્વીમીંગ પુલ, સિનેમા હોલ, થિયેટર, મલ્ટીપ્લેકસ, મનોરંજન પાર્ક વગેરે પણ ૩૦મી નવેમ્બર સુધી બંધ રહેશે. સોશિયલ ડિસ્ટન્સના પેરા મીટર મુજબ લગ્નમાં પણ ૧૦૦ મહેમાનોની મર્યાદા રાખવામાં આવી છે.

રાજસ્થાનના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કારણે ફટાકડાના વેંચાણ પર પ્રતિબંધના ઉભા થયેલા વાદળોએ ફટાકડાના વેપારીઓ, લાયસન્સ સાથે સંકળાયેલા વર્ગ અને ધુમ-ધડાકાના શોખીનો માટે ચિંતા ઉભી કરી છે. ગુજરાત સહિત દેશમાં દિવાળીના ફટાકડાનો કારોબાર સેંકડોને આંબે છે ત્યારે કોરોના જો ફટાકડાને ગ્રહણ લગાવી દેશે તો દિવાળીની મજા સુની થઈ જાય તેવી ચિંતા ઉભી થઈ છે.

રાજસ્થાન સરકારે કોરોનાના કારણે ફટાકડાના વેંચાણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે તેના પગલે સંક્રમણની આ સ્થિતિમાં ગુજરાતમાં પણ લોકડાઉન વધારવાની હિમાયત કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ દિવાળીમાં ફટાકડા ન ફૂટે તેવા સંજોગોએ ફટાકડા વેંચનાર અને શોખીનોમાં ચિંતા જનમાવી છે. કોરોનાકાળમાં સમગ્ર દેશમાં મોટાભાગના તહેવારો શાંતિથી ઉજવવાની ફરજ પડી છે ત્યારે દિવાળીની ઉજવણીમાં પણ ફટાકડાની મજા પર કોરોનાનું ગ્રહણ લાગી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.