કોંગ્રેસ મુક્ત ભારતનું ભાજપનું સ્વપ્ન “મમતાના મમત્વ” પૂર્ણ થશે?

ભાજપમાં પ્રાણ પુરવાનું કામ મમતા કરી રહી છે: કોંગ્રેસ

મમતા બેનર્જી ભાજપને પ્રાણવાયુ પુરો પાડવાનું કામ કરી રહી છે. તેવું એક કોંગ્રેસના નેતાએ જાહેર કર્યું છે. કોંગી નેતા અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોંગ્રેસ પર આપેલા તીક્ષ્ણ નિવેદન પર પલટવાર કર્યો છે.  તેમણે કહ્યું કે જ્યારે ભાજપ આખા દેશમાં સંઘર્ષ કરી રહી છે અને તેમની હાલત દિવસેને દિવસે બગડી રહી છે ત્યારે મમતા બેનર્જીએ તેમને ઓક્સિજન આપવાનો નિર્ણય કર્યો છે.  મમતા બેનર્જી ભાજપની ઓક્સિજન સપ્લાયર બની ગઈ છે, તેથી ભાજપ તેમનાથી ખુશ છે.લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજને વધુમાં કહ્યું કે શરદ પવારે કોંગ્રેસ વિરુદ્ધ કંઈ કહ્યું નથી,

તેઓ વરિષ્ઠ નેતા છે.  અમે તેને ખૂબ માન આપીએ છીએ.  શરદ પવાર અને અન્ય પક્ષોના લોકોને ફસાવવા અને ભાજપનો વિકલ્પ આવી ગયો છે તે બતાવવાનું મમતા બેનર્જીનું સુનિયોજિત કાવતરું છે.  આનો સૌથી વધુ ફાયદો ભાજપને થઈ રહ્યો છે.  જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે હવે યુપીએ જેવું કંઈ નથી.

અબતક, નવી દિલ્હી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જી કોંગ્રેસ મુક્ત ભારતનું ભાજપનું સ્વપ્ન પૂર્ણ કરવામાં જાણે ભાજપની મદદ કરી રહી હોય તેવું દ્રશ્ય ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બાદ જાણે બન્નેએ પોતાની ટેરેટરી બચાવવા અને એકબીજાને મદદરૂપ થવાના અંદરખાને કરાર કર્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ એટલે કે યુ.પી.એ.નો જન્મ ભાજપના નેતૃત્વ હેઠળની એન.ડી.એ.ના વિકાસ તરીકે થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં યુપીએ માત્ર બે ટર્મ દેશમાં સત્તા મેળવી શકી હતી. પરંતુ હવે એનડીએ સરકાર ફરી સત્તામાં આવી છે. ત્યારે યુપીએ ફિક્કુ પડી ગયું છે. ત્યારે એનસીપીના સૌથી વરિષ્ઠ નેતા શરદ પવાર સાથે મમતાએ બેઠક પણ યોજી છે.   આ દરમિયાન ટીએમસી નેતા અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા.

ત્રીજા મોરચામાંથી કોંગ્રેસને દૂર રાખશો એવો પ્રશ્ન કરતાં શરદ પવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ અથવા અન્ય કોઈ પણ પક્ષ સિવાય ભાજપને પડકાર આપવા સિવાય વિકલ્પ ઉપલબ્ધ કરવાનો પ્રશ્ન ઉદભવતો નથી. ભાજપ વિરુદ્ધ કોઈપણ એકત્રિત થવા આગળ આવશે તેનું અમે સ્વાગત કરીશું.અમારા  માટે નેતૃત્વનો મુદ્દો નથી. સક્ષમ વિકલ્પ ઊભો કરવાનો મુદ્દો છે. બધાને સાથે લઈને આગળ વધુ છે. બધા એકત્રિત કામ કરવા તૈયાર છે. તેને આઘાડીમાં સાથે લઈશું. એમ પવારે જણાવ્યું હતું.પવાર સાથે મમતાએ ભાજપ વિરોધી બનીને મુલાકાત કરી હતી. પણ પડદા પાછળ મમતાની રમત કઈક અલગ જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

યુપીએને મારો ગોળી, સ્થાનિક નેતાગીરી માટે મમતાનું આહવાન

પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે યુ.પી.એનું હવે અસ્તિત્વ જ નથી. માત્ર જાહેરાત કરવાનું બાકી છે.તેઓ મુંબઈની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન બુધવારે એન.સી.પી.ના વડા શરદ પવારને મળ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે આજે દેશમાં ફાંસીવાદની જે સ્થિતિ છે તેની સામે મજબૂત વિકલ્પ તો બનાવવો જ પડશે. કોઈ એકલા આગળ વધી શકવાના નથી, એમ બેનર્જીએ ભારપૂર્વક જણાવ્યું હતું. આમ મમતા વિપક્ષીઓને ભેગા કરતા હોય તેવો ઈશારો તેમને જાહેર કર્યો હતો. મમતાએ સાફ શબ્દોમાં યુપીએને ગોળી મારો તેવો સંકેત આપીને સ્થાનિક નેતાગીરીને એકત્ર થવા આહવાન કર્યું હતું.

મમતાએ એનસીપી નેતા શરદ પવાર સાથે બેઠક યોજી, પ્રાદેશિક પક્ષોને એક થવા મુદ્દે બન્ને વચ્ચે ચર્ચા: શરદ પવાર સાથેની મુલાકાતમાં મમતાની પડદા પાછળની રમત કઈક અલગ જ હોવાનો નિષ્ણાંતોનો મત