Abtak Media Google News

બદલાવ એ સમયની માંગ છે. જો સમય સાથે તાલ મેળવવા બદલાવ ન કરવામાં આવે તો પતનના શ્રી ગણેશ થઈ જ જાય છે. જેને ધ્યાને લઈને માનવજાતિએ પણ ઘણા પરિવર્તન કર્યા છે. એક સમય એવો હતો કે તેમાં વસ્તુના બદલામાં વસ્તુ મળતી હતી. અને હવે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. હવે ડિજિટલ કરન્સીનો જમાનો આવી ગયો છે. માણસને ક્યાંય પણ પૈસા સાથે રાખવાની જરૂર જ પડતી નથી. આમ માણસે પોતાની સરળતા માટે અનેકવિધ નવા નવા વિનિમયના પ્રકારો શોધી કાઢવાની કુચ ચાલુ જ રાખી છે.

શરૂઆતના તબક્કે જ્યારે વિનિમય વ્યવસ્થા શરૂ થઈ ત્યારે લોકોએ બાર્ટર અપનાવ્યું હતું. સામાજિક વ્યવસ્થા પ્રમાણે જે લોકો જે વસ્તુનો વ્યાપાર કરતા હોય તે વસ્તું જરૂરિયાતની વસ્તુ મેળવવા માટે એક્સચેન્જ કરતા હતા. પછી એક્સચેન્જમાં ગૌધનનું ચલણ આવ્યું હતું. જેમાં વસ્તુના બદલામાં ગૌ ધન આપવામાં આવતું હતું. પણ ગૌ ધન એક જીવ હોય ક્યારેક ગૌ ધન મેળવ્યા બાદ જો તેનું મોત નિપજે તો ખોટનો મોટો ખાડો પડી જાય. ત્યારબાદ એક્સચેન્જમાં સોના ચાંદીનું ચલણ આવ્યું હતું. જે ખૂબ પ્રચલિત થયું હતું. રજવાડા વખતે પણ શરૂઆતમાં સોના-ચાંદીની કરન્સી અપનાવવામાં આવી હતી.

ત્યારબાદ કરન્સીનું ચલણ આવ્યું હતું. જેમાં રૂપિયો આવ્યો ત્યારથી માણસ રૂપિયાવાળો કહેવાવા લાગ્યો હતો. હાલ સુધી કરન્સીનું ચલણ યથાવત રહ્યું છે. જ્યારે હવે પ્લાસ્ટિક કરન્સી પણ ધૂમ મચાવી રહી છે. જેમાં ડેબિટ કાર્ડ- ક્રેડિટ કાર્ડનો સમાવેશ થાય છે. હવે જેની શરૂઆત થઈ છે તે આવતા દિવસનું ચલણ એટલે આર્ટિફિશિયલ કરન્સી ક્રિપ્ટોકરન્સી. જે આવનાર સમયમાં ખૂબ ચલણમાં આવવાની છે. હવે ભવિષ્યમાં રોકડની લેતી દેતી કરવી નહીં પડે તે પણ નિશ્ચિત છે.

આ ઉપરાંત બીજી બાજુ ડિમેટ એકાઉન્ટ આવી ગયા એટલે ફિઝિકલ શેરનો જમાનો પણ ચાલ્યો ગયો. હાલના સમયમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધ્યો છે. ફિઝિકલની જગ્યાએ ડિજિટલ કરન્સી તરફ મોટાભાગના દેશો વળ્યાં છે. જેમાંથી ભારત પણ બાકાત નથી.  ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે… ફિલ્મી ગીતની જેમ ભારતે પણ ના ના કરતા ડિજિટલ કરન્સી તરફનો રૂખ અપનાવી લીધો છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું અને આરબીઆઇ પોતાની ડિજિટલ કરન્સી અમલમાં મૂકશે તેવા સંકેતો આપ્યા હતા.

આજના ડિજીટલાઈઝેશનના યુગમાં આ જરૂરી પણ છે તો સામે તેની નકારાત્મક અસરો પણ છે. ડિજિટલ સેવાઓનો વ્યાપ વિસ્તાર વધ્યો તો છે પણ આ સાથે તેની સામે સાયબર સુરક્ષાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. હેકિંગના બનાવ વધ્યા છે. જો બેંકો રૂપિયા વગરની થઈ જાય એટલે કે બેન્કિંગ સુવિધા સંપૂર્ણપણે ડિજિટલી જ બની જાય તો એ સારું તો છે જ પણ આ સાથે ડિજિટલ નાણાં ચોરાવાના કે હેકિંગનો ખતરો પણ સામે એટલો જ છે. જો કે હાલ નિષ્ણાંતો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ તેમજ બ્લોકચેઈન ટેકનોલોજી મારફત સાયબર સુરક્ષા વધુને વધુ મજબૂત બનાવવા તરફ કામ કરી રહ્યા છે. આમ, આગામી સમયમાં બેંકો જાણે સમાપ્ત થઈ જાય તેમ ટોટલી ડિજિટલ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.