Abtak Media Google News
  • હજી કેરળમાં નૈઋત્વનું ચોમાસુ બેઠુ નથી ત્યાં
  • રાજકોટમાં અર્ધો ઇંચ વરસાદ, બે સ્થળોએ વૃક્ષો ધરાશાયી: સીબી ફોર્મશનના કારણે બપોર પછી વરસાદ પડવાનું ચાલુ રહેશે

કેરળમાં હજી નૈઋત્વના ચોમાસાનું વિધિવત આગમન પણ થયું નથી ત્યાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવીટી શરૂ થઇ જવા પામી છે. જેના કારણે થોડી ચિંતાનો માહોલ પણ ઉભો થયો છે. વહેલી પ્રિ-મોનસુન એક્ટિવીટી રાજ્યમાં નિયમિત ચોમાસાને કોઇ વિક્ષેપ ઉભો નહી કરે ને તેવી પણ દહેશત જણાય રહી છે.

આગામી દિવસોમાં પણ સીબી ફોર્મેશનના કારણે પ્રિ-મોનસુન એક્ટિવીટીની અસરતળે બપોર બાદ રાજ્યભરમાં વરસાદ પડતો રહેશે. રાજકોટમાં મંગળવારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ધોધમાર અર્ધાં ઇંચ વરસાદ વરસી ગયો હતો. ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવીટી શરૂ થઇ જવા પામી છે. દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે.

ગઇકાલે રાજકોટમાં સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર બાદ અચાનક વાદળછાંયુ વાતાવરણ છવાયુ હતું અને ભારે પવન સાથે વરસાદ પડવાનું શરૂ થયુ હતું. શહેરના ઇસ્ટ ઝોન અર્થાત સામા કાંઠા વિસ્તારમાં સૌથી વધુ અર્ધા ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે જૂના રાજકોટ એટલે કે સેન્ટ્રલ ઝોનમાં 4 મી.મી. વરસાદ પડ્યો હતો. નવા રાજકોટ અર્થાત વેસ્ટ ઝોનમાં માત્ર સામાન્ય છાંટા પડ્યા હતા ભારે પવન ફૂંકાવાના કારણે જિલ્લા ગાર્ડન પાસે બાપુનગર 11 અને થોરાળા પોલીસ ચોકીની સામે મનહર સોસાયટી-1માં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.

દર વર્ષે રાજ્યમાં 20મી મે બાદ પ્રિ-મોનસૂન એક્ટિવીટીની શરૂઆત થઇ જતી હોય છે પરંતુ સૌરાષ્ટ્રમાં જૂનના પ્રથમ સપ્તાહમાં તેની અસર જોવા મળતી હોય છે. આ વર્ષ સૌરાષ્ટ્રમાં મે માસમાં જ પ્રિ-મોનસુન એક્ટિવીટી શરૂ થઇ ગઇ છે. આગામી દિવસોમાં પણ બપોર બાદ સીબી ફોર્મેશનના કારણે વરસાદ પડતો રહેશે. જેમ-જેમ ચોમાસુ નજીક આવશે તેમ-તેમ વરસાદનો વ્યાપ અને વિસ્તાર વધશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર સામાન્ય રીતે અરબી સમુદ્રમાં કોઇ સિસ્ટમ સર્જાઇ, બંગાળની ખાડીમાં સાયક્લોનીક સરક્યુલેશન સજાર્ય ત્યારે તે ચોમાસાને ઉપર ખેંચી જતી હોય છે અને ચોમાસુ ડિસ્ટર્બ થતુ હોય છે. પ્રિ-મોનસુન એક્ટિવીટી વહેલી શરૂ થવાના કારણે ચોમાસુ વિલંબમાં પડતુ નથી. આગામી 27 કે 28મી મે એ કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ જવાની સંભાવના છે. ગુજરાતમાં 10 થી 15 જૂન વચ્ચે નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.