Abtak Media Google News
  • અમદાવાદમાં હવે ટુ-વ્હિલર ચાલકની સાથે પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાત: ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ
  • અગાઉ ભારે વિરોધ બાદ શહેરી વિસ્તારમાં હેલ્મેટને મરજીયાત કરાયું’તું

Ahmedabad : અગાઉ જયારે હેલ્મેટની અમલવારી શરૂ કરવામાં આવી હતી ત્યારે ભારે વિરોધ વંટોળ ઉભો થયો હતો. વાહન ચાલકોને માથાના દુખાવા સમાન લાગતું હેલ્મેટ સાથે કેમ ફેરવવું? ક્યાં સાચવવું? નજીકમાં ક્યાંય જવું હોય ત્યારે અગવડતા સહીતની બાબતોને લઇ રજુઆતો કરવામાં આવી હતી ત્યારે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવાને મરજીયાત બનાવવાની ફરજ પડી હતી.

હેલ્મેટનું પાલન નહિ થવા પાછળના કારણો ક્યાં?

હેલ્મેટ પહેરવું દ્વિચક્રી વાહનના ચાલક અને સવાર માટે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જરૂરી છે જે બાબતથી સૌ કોઈ વાકેફ છે પણ ઘણા બધા એવા કારણો છે જેના લીધે હેલ્મેટની અમલવારી થઇ શકતી નથી. જેમાં નાના શહેરી વિસ્તારમાં નજીકમાં જવું હોય તો હેલ્મેટ ક્યાં ક્યાં ફેરવવું? જરૂર ન હોય ત્યારે હેલ્મેટ ક્યાં સાચવવું? વારંવાર હેલ્મેટ પહેરવું અને ઉતારવું સહીતની બાબતો પડકાર સર્જે છે.

રાજ્યમાં કૂદકે ને ભૂસકે અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં દરરોજ હજારો લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે. તેમાં પણ ખાસ તો ટુ-વ્હીલરના અકસ્માત અને મૃત્યુઆંકમાં જબરદસ્ત ઉછાળો થવા પામ્યો છે. કહી શકાય કે અકસ્માતના મૃત્યુઆંકમાં અડધો અડધ હિસ્સો ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસેલા લોકો ભોગ બનતા હોય છે. ત્યારે હવે અકસ્માતના કિસ્સામાં મૃત્યુઆંકને ઘટાડવા માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને 15 દિવસમાં શહેરી વિસ્તારમાં હેલ્મેટની અમલવારી કરાવવા આદેશ આપ્યો છે.

જો કે, હાલ આ નિર્ણય અમદાવાદ શહેર પૂરતો સીમિત છે પણ ટૂંક સમયમાં રાજ્યભરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત થઇ જાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે, અગાઉ પણ રાજ્ય સરકારે હેલ્મેટ બાબતે ફટકાર લગાવતા રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં અમલવારી શરૂ કરાવતા ઉહાપો મચ્યો હતો. જે બાદ શહેરી વિસ્તારના હેલ્મેટને મરજીયાત બનાવી દેવાયું હતું.

સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિકના નિયમનું પાલન થતું ન હોવાના મુદ્દે કડક વલણ દાખવ્યું હતું. રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઇવે ઑથોરિટી અને પોલીસને આદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાતપણે કરાવવામાં આવે અને ટુ વ્હીલરમાં પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે.

ટ્રાફિક નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે હજુ લોકો હેલ્મેટ પહેરતાં નથી. દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટને લઈને બેદરકારી રાખશો નહીં, ફરજિયાત આ નિયમનું પાલન કરાવો. એટલું જ નહીં પાછળ બેસનાર માટે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો આદેશ કર્યો હતો. વધુમાં ટકોર કરતાં કહ્યું હતું કે, 15 દિવસમાં એસ. જી. હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ. અધિકારીઓના મનસ્વી વર્તનને ચલાવી લેવામાં નહીં આવે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, ટ્રાફિક સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવે. માત્ર ચલણ કાપવાથી કાયદાનો યોગ્ય અમલ થઈ શકે નહીં. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ટુ-વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો કાયદો અમલમાં મૂક્યો હતો. પરંતુ વાહનચાલકો વિવિધ બહાના બનાવીને હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય છે. ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાતી હોય છે.

હવે જયારે વધુ એકવાર હેલ્મેટ ફરજીયાત બનાવવા અંગે આદેશ આપવામાં આવ્યો છે ત્યારે એ દિશામાં નજર કરવી ખુબ જ આવશ્યક છે કે, અગાઉ પણ રાજ્ય સરકારના આદેશ બાદ પોલીસ ખાતાએ હેલ્મેટની અમલવારી શરૂ કરી હતી. જેના પગલે ભારે વિરોધ શરૂ થયો હતો. નાના – શહેરોમાં હેલ્મેટ પહેરવું વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની જતું હોય તેવી રજૂઆતો અગાઉ પણ કરવામાં આવી હતી. શહેરી વિસ્તારમાં દ્વિચક્રી વાહનમાં હેલ્મેટ સાથે રાખવું, વારંવાર પહેરવું-ઉતારવું અને સાચવવું ખરેખર માથાના દુખાવા સમાન બની જતું હોય છે.

જેના લીધે વિરોધ શરૂ થયાં હતા અને રાજ્ય સરકાર સુધી રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે સરકારે પાછોતરા પગલાં ભરવાની ફરજ પડી હતી. કાયદાકીય રીતે દ્વિચક્રી વાહન ચલાવતી વેળાએ હેલ્મેટ પહેરવું જરૂરી છે અને હાઇકોર્ટએ પણ કાયદાકીય બાબતોનું ધ્યાન રાખી સલામતીના દ્રષ્ટિકોણથી અમદાવાદ શહેરી વિસ્તારમાં હેલ્મેટને ફરજીયાત બનાવવા આદેશ આપ્યો છે પણ હેલ્મેટની અમલવારી રાજ્ય સરકાર માટે પણ માથાના દુખાવા સમાન બની જતું હોય સરકારે પાછોતરા પગલાં ભર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.