ઇંગ્લેન્ડ ઉપર લીડ લઈ ભારત મેચ પરની પકડ મજબૂત કરશે? 

લોર્ડસની પિચ પર ભારતની રણનીતિ રંગ લાવી: ફાસ્ટ બોલરોએ ઇંગ્લિશ ટીમને ગોઠણીયે વાળી દેશે!!

ભારતીય બેટ્સમેનોએ પ્રથમ દિવસની રમતમાં પોતાનો દમ દેખાડી ઈંગ્લેન્ડ સામે મજબૂત પાયો નાંખ્યો હતો. બીજા દિવસે ભારતની ઈનીંગ સમેટાયા બાદ ઈંગ્લેન્ડ હજુ ૨૪૫ રન ભારતના સ્કોરથી દુર છે.

બીજા ટેસ્ટ મેચમાં ભારતની રણનીતિ થોડી અલગ જોવા મળી છે. ક્રિકેટ ઇઝ એ મેન્ટલ ગેમ માફક ભારત હાલ ઇંગ્લિશ ટીમના મનોબળને તોડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઇંગ્લેન્ડ ઘર આંગણે મેચ રમી રહ્યું છે જેથી લોર્ડ્સની પિચથી તેઓ વાકેફ છે. પિચ અંગે વાકેફ હોવાને કારણે જ ઇંગ્લિશ ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લોર્ડ્સની પિચ ત્રીજા દિવસથી ટર્ન થશે તે ઇંગ્લિશ ટીમ જાણતી હતી અને ભારતીય ટીમનો સ્ટાર બોલર અશ્વિન હશે તેવું માનીને ઇંગ્લિશ ટીમે અશ્વિન વિરુદ્ધ રમવાની તૈયારી કરી હતી ત્યારે ભારતીય ટીમે અશ્વિનને ટીમમાં નહીં લેતા ઇંગ્લિશ ટીમ મુંજવણમાં મુકાઇ હતી.

ભારતીય ટીમે પેસરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું જે ઇંગ્લિશ ટીમના ‘સિલેબસ’ની બહાર હોવાથી પેસરોએ કમાલ કરી હતી. મોહમ્મદ સીરાજે શાનદાર બોલિંગ કરીને બે વિકેટ ચટકાવી તેનું એકમાત્ર કારણ ઇંગ્લેન્ડની ટીમનું નબળું મનોબળ છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની લોર્ડઝ ટેસ્ટ  મેચના બીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર ૧૧૯ રનનો રહ્યો હતો. ભારતીય ટીમે બીજા દિવસની રમતને ૩ વિકેટથી શરુ કરી હતી. જે બીજા સેશન દરમ્યાન સમેટાઈ ગઈ હતી. ભારતે ઈંગ્લેન્ડ સામે ૩૬૪ રનનો મજબૂત સ્કોર પ્રથમ ઈનીંગના અંતે કર્યો હતો. ભારતીય ઓપનર કેએલ રાહુલે ૧૨૯ રનની શાનદાર રમત રમી હતી. ઈંગ્લેન્ડ વતી રોરી બર્ન્સ અર્ધશતક ચુક્યો હતો.

ભારતીય ટીમે તેની રમતને બીજા દિવસે ૨૭૬ રનથી શરુ કરી હતી. રમતને આગળ વધારનાર રાહુલ અને અજીંક્ય રહાણે બંને ઝડપથી પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. ભારતની પ્રથમ બેટીંગ ઈનીંગ બીજા સેશન બાદ સમેટાઈ ગઈ હતી. શુક્રવારે ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંતની રમત શાનદાર રહી હતી. રવિન્દ્ર જાડેજાએ ૪૦ રનની ઈનીંગ રમી હતી. જ્યારે ઋષભ પંતે ૩૭ રનની ઈનીંગ રમી હતી. બંનેની રમતે ભારતને ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતીને આગળ વધારી હતી.

ઈંગ્લેન્ડે ભારતના ૩૬૪ રનના સ્કોર સામે પોતાની પ્રથમ ઈનીંગની શરુઆત ધીમી અને મક્કમ રીતે કરી હતી. શરુઆતની ઓવરો એટલે કે બીજા સેશનને ધીમી રમત સાથે પસાર કરી હતી. પરંતુ ટી બ્રેક બાદ અંતિમ સેશનની શરુઆતે જ ઈંગ્લેન્ડે સીબ્લી અને હસીબની વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને મુશ્કેલી સ્થિતીમાં મુકી દીધુ હતુ. જોકે બાદમાં કેપ્ટન જો રુટ અને રોરી બર્ન્સે રમતને સંભાળી હતી. જોકે બર્ન્સ ૪૯ રને વિકેટ ગુમાવી બેઠો હતો.

જો રુટ ૭૫ બોલમાં ૪૮ રન કરીને અને જોની બેયરિસ્ટો ૬ રન કરીને રમતમાં છે. બંનેએ દિવસની અંતિમ ઓવરો દરમ્યાન ધીમી રમત રમી હતી. આ પહેલા બર્ન્સ અને રુટે એક તબક્કે રનની ગતીને ઝડપી બનાવાવી શરુઆત કરી હતી. બંનેએ ઝડપથી સ્કોર બોર્ડ ફેરવતા ચોગ્ગાઓ વરસાવતી રમત શરુ કરી હતી. જોકે બર્ન્સ એલબીડબલ્યુ આઉટ થતાં જ ફરી એકવાર રમતની ગતી મંદ પડી હતી.

ભારત તરફથી મંહમદ સિરાજે આજે ટી બ્રેક બાદ ધમાલ મચાવી દીધી હતી. તેણે પહેલા સીબ્લી અને તેના બીજા જ બોલે હસીબનું મીડલ સ્ટંમ્પ ઉખાડી નાખી ક્લીન બોલ્ડ કરી દીધો હતો. સિરાજે ૧૩ ઓવર કરીને ૨ વિકેટ મેળવી હતી. સિરાજે ખૂબ કસીને બોલીંગ કરી હતી. તેણે સૌથી વધુ ૪ ઓવર મેઈડન કરી હતી. જ્યારે શામીએ ૮ ઓવર કરીને ૧ વિકેટ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ ૪ ઓવર કરીને માત્ર ૬ રન ગુમાવ્યા હતા.