શું ગુજરાતમાં 5 હજારથી વધુ શાળાઓની માન્યતા રદ થઈ જશે?

જ્યાં ફાયર સેફટી નહીં હોય તેવી શાળાઓની મંજૂરી રદ કરાશે: હાઈકોર્ટ

રાજ્યમાં હજી પણ ક્યાંક ક્યાંક ફાયર સેફ્ટીનો અભાવ છે જેના લીધે અવારનવાર ક્યાંક ને ક્યાંક આગની ઘટનાઓ ઘટતી રહે છે. એવામાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે, રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટી હોવી જરૂરી છે. રાજ્યમાં હજુ પણ 5199 શાળાઓમાં ફાયર સેફટી નથી. શાળાઓમાં બાળકો, શિક્ષકો અને સ્ટાફ માટે ફાયરની સુવિધા હોવી અત્યંત જરૂરી છે. જો આ શાળાઓમાં ફાયર સેફટી નહીં હોય તો હાઇકોર્ટ આ શાળાઓની મંજૂરી રદ્દ કરશે. તો શું ગુજરાતમાં 5 હજારથી વધુ શાળાઓની માન્યતા રદ થઈ જશે? તે સવાલ અહીં ઉભો થાય છે.

આ રીતે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફાયર સેફ્ટીના અભાવને લઇને મોટી ફટકાર લગાવી છે. આ સાથે હાઇકોર્ટે જણાવ્યું કે, ગુજરાત સરકાર રાજ્યની સ્કૂલોમાં ફાયર સેફટી અંગે હરિયાણા મોડેલ અપનાવે. આ સાથે જ હોસ્પિટલોમાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ અંગે પણ રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ કરવામાં આવેલી જાહેર હિતની અરજી મામલે ચાલી રહેલી સુનાવણીમાં હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સતત બની રહેલી આગની દુર્ઘટનાઓ મામલે થયેલી અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટે સરકારને સળગતા સવાલો કર્યા હતાં. સમગ્ર ગુજરાતમાં અનેક એવી આગની ઘટનાઓ બની છે જેમાં માસૂમોના જીવ ગયા છે ત્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવો ઘાટ ઘડાય છે. ત્યારે ફાયર સેફ્ટીના અમલીકરણ માટે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનવણીમાં હાઈકોર્ટે સરકારને અનેક વેધક સવાલો કર્યા હતાં.

સુરતમાં ફાયર સેફટીની અવગણના કરનાર સામે તંત્રની લાલ આંખ 20 હોસ્પિટલ, 5 શાળાઓ , 420 દુકાનો અને 1 ગેસ્ટહાઉસને કરાયા સીલ 

સુરતમાં ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. મધરાતથી લઈને સવારે 6 વાગ્યા સુધી શહેરમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય એવી હોસ્પિટલો અને શોપિંગ કોમ્પ્લેક્સને સીલ મારવાની મોટે પાયે કામગીરી હાથ ધરવામાં આવતાં શહેરભરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફાયર વિભાગે અલગ-અલગ વિસ્તારોના ફાયર સ્ટેશનના અધિકારીઓને સૂચના આપી હતી કે તેમના વિસ્તારમાં જે પણ હોસ્પિટલો હોય એની તપાસ કરવામાં આવે અને જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ દેખાય એને તાત્કાલિક અસરથી સીલ મારવાની કામગીરી કરવામાં આવે. એને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ ફાયર વિભાગની અલગ અલગ ટીમે વિવિધ વિસ્તારોમાં પહોંચીને તપાસ કરતાં મોટા ભાગની જગ્યાઓ પર ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો, જેથી એ હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી શરૂ કરી હતી. અને જેમાં 20 હોસ્પિટલ, 420 દુકાનો, 5 શાળાઓ અને 1 દુકાન શીલ કરી દેવામાં આવી છે. શહેરમાં કતારગામ, ભટાર,રાંદેર,લિંબાયત ડિંડોલી જેવા અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય ત્યાં સીલ મારવાની કામગીરી કરી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ અને શોપિંગ કોમ્પ્લેક્સ ઓમાન ફાયર સેફ્ટીના અભાવને લઇને નોટિસ ફટકારી હતી છતાં ફાયર સેફટી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી.