કાઉન્ટી ઇલેવન સામેના મેચમાં પંતની નાદુરસ્ત તબિયત અગ્રવાલને ‘ફળશે’? 

રિષભ પંત કોરોના સંક્રમિત થતા ઓપનર માટે મયંક અને રાહુલનું નામ ચર્ચામાં!!

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી ૪ ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થનારી છે માટે ભારતીય ટીમે  ડરહમમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. સિરીઝ પહેલા કાઉન્ટી ઈલેવન સામે ભારતીય ટીમ અભ્યાસ મેચ રમનાર છે. આ દરમ્યાન જ ભારતીય ટીમ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે કે ઋષભ પંત કોરોના રિપોર્ટમાં નેગેટિવ જણાઈ આવ્યો છે. જે હવે આગામી બુધવારથી ટીમની સાથે જોડાઈ શકે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. પરંતુ પંત રિકવર થયા બાદ હજુ ફિઝીકલી ફિટ થયો છે કે કેમ? તે બાબતને ધ્યાને રાખીને પંતને ટીમમાં સ્થાન આપી પ્રથમ ટેસ્ટ મેચમાં રમાડાશે કે પછી અન્ય વિકલ્પ મયંક અગ્રવાલને તક આપવામાં આવશે? તે જોવું રહ્યું.

રજાઓ દરમ્યાન ઋષભ પંત કોરોના પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. જેને લઈ ભારતીય ટીમના એવા કેટલાક ખેલાડીઓ સામે પણ સવાલો થવા લાગ્યા હતા કે તેઓ ભીડ ધરાવતા સ્થળો પર છુટથી ફરી રહ્યા હતા. જેમ કે યુરો કપ ૨૦૨૦ મેચ અને વિમ્બ્લ્ડન મેચ જોવા માટે કેટલાક ખેલાડીઓ પહોંચ્યા હતા. જેમાં ઋષભ પંત પણ સામેલ હતો. તેણે ફુટબોલ મેચની મજા માસ્ક વગર મિત્રો સાથે માણી હતી.

ત્રણ સપ્તાહની મળેલી રજાઓ દરમ્યાન ઋષભ પંતે તેના મિત્રો સાથે રજાના મસ્તીભર્યા દિવસો પસાર કર્યા હતા. આવી જ કેટલીક તસવીરો પણ તેણે સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ સમયગાળામાં જ તે કોરોના પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ લંડનમાં તેના મિત્રના ઘરે તેને ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યો હતો. જેને લઈ તે ડરહમમાં ટીમ સાથે રજાઓ પૂર્ણ થતા જોડાઈ શક્યો ન હતો.

ભારતીય ટીમ મંગળવારે એટલે કે, ૨૦ જુલાઈથી ડરહમમાં કાઉન્ટી ઈલેવન સામે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમનાર છે. સ્થાનિક આરોગ્ય સુરક્ષા નિયમોને આધીન ઋષભ પંત આ મેચ રમી શકશે નહીં. ઋષભ પંતનો ગત રવિવારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન તેનો રિપોર્ટ નેગેટિવ જણાઈ આવ્યો છે. હવે એમ માનવામાં આવી રહ્યું છે કે ૨૮ જુલાઈથી શરૂ થનાર રમત માટે તે ટીમ સાથે જોડાઈ શક્યો હશે. જોકે મીડિયા રિપોર્ટ પ્રમાણે ૨૧ જુલાઈથી ઋષભ પંત ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે.

હાલ ટીમમાં રિષભ પંતને સ્થાન આપવામાં આવશે કે કેમ? તે અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી. હાલ પંતની ફિટનેસના મુદ્દે સિલેક્ટર્સ પણ મૂંઝવણમાં છે ત્યારે બીજી બાજુ મયંક અગ્રવાલ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. વધુ એક વિકલ્પ કે.એલ. રાહુલ પણ છે. હવે કે.એલ.ને જો રમાડવામાં આવે તો મિડલ ઓર્ડરમાં રાખવામાં આવશે અને ઓપનર માટે મયંક અથવા પંતને તક આપવામાં આવશે તેવી પ્રબળ શકયતા છે.