Abtak Media Google News

પંજાબમાં કોંગ્રેસનું ઘર વેર વિખેર થયું હોવાનું જણાય આવે છે. કારણકે કોંગ્રેસે સિધુને પ્રમુખ તો બનાવ્યા સાથોસાથ બીજા ચાર કાર્યકારી પ્રમુખો પણ બનાવ્યા છે. એટલે એ તો સ્પષ્ટ જ થાય છે કે કોંગ્રેસે સિધુને સાચવવા માટે જ પદ સોંપ્યું છે. પણ હવે એ પ્રશ્ન સર્જાયો છે કે પ્રમુખની સાથે ચાર કાર્યકારી પ્રમુખ બનાવવાથી પંજાબનું કોકડું ઉકેલાશે કે વધુ ગૂંચવાશે ?

પંજાબમાં કોંગ્રેસનું ઘર વેરવિખેર!!

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોતસિંઘ સિધુને તાત્કાલિક અસરથી પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ પદે નીમ્યા : હાઈકમાન્ડના આ નિર્ણયથી નારાજ કેપ્ટનની આગામી વ્યૂહરચના પર સૌની મીટ

પંજાબ કોંગ્રેસમાં અંદાજે બે મહિનાથી વિવાદ ચરમસીમાએ છે. મુખ્યમંત્રી અમરીંદરસિંઘ અને નવજોતસિંઘ સિધુ વચ્ચેના આ વિવાદથી પંજાબનું રાજકારણ ગોટાળે ચડી ગયું છે. નવજોતસિંઘ સિધુને પ્રદેશ પ્રમુખનુ પદ સોંપવા સામે અમરીંદર સિંઘે વાંધો ઉઠાવ્યો હતો. પણ સિધુ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદ મેળવવામાં સફળ થયા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોતસિંઘ સિધુને તાત્કાલિક અસરથી પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ પદે નિમ્યા છે.

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ આશરે 30 ધારાસભ્યો અને મંત્રીઓની મુલાકાત લીધી હતી. આ સિવાય પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાર વર્કિંગ પ્રેસિડેન્ટ પણ બનાવવામાં આવ્યા છે. આ માટે કેસી વેણુગોપાલ તરફથી એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ નિર્ણય લીધો છે.પ્રદેશ વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે સંગમ સિંહ, સુખવિંદર સિંહ ડૈની, પવન ગોયલ અને કુલજીત સિંહ નાગરાને નીમવામાં આવ્યા છે.

સિધુને પદ સોંપવાથી વિવાદ વધુ ગંભીર બને તેવા અણસાર 

કોંગ્રેસ અધ્યક્ષના નિર્ણય પછી લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે વધુ ગંભીર બને એવી શક્યતા છે. કારણ કે ધારાસભ્યો એ રવિવારે જ સોનિયા ગાંધીને પત્ર લખી અપીલ કરી હતી કે, નવજોત સિંહ સિદ્ધૂને પ્રમુખ પદ ના સોંપવામાં આવે. બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ પણ કોંગ્રેસ કમાનના આ નિર્ણય સામે રોષ પ્રગટ કરે ઓવી આશંકા છે. કોંગ્રેસના 10 ધારાસભ્યોએ રવિવારે નિવેદન જાહેર કરીને નવજોત સિંહ સિદ્ધુને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની માંફી માંગવા પણ કહ્યું હતું.તેમણે એવું કહ્યું કે કેપ્ટને પંજાબ કોંગ્રેસમાં આપેલા યોગદાનની અવગણના ન કરી શકાય.

હાઈ કમાન્ડે સિધુને પદ આપતા પૂર્વે કેપ્ટનને મનાવવાના તમામ પ્રયાસો કર્યા 

હાઈ કમાન્ડે સિધુને પદ આપતા પૂર્વે કેપ્ટનને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસ નેતા હરીશ રાવતે કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી. તે પછી રાવતે નિવેદન આપ્યું હતું કે કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે તેઓ હાઇકમાન્ડનો નિર્ણય માનશે. રાવતે કહ્યું કે કેપ્ટને પોતાનું બીજુ નિવેદન રિપીટ કર્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસના અધ્યક્ષ નિર્ણય લેશે, તેઓ તેનું પાલન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.