Abtak Media Google News

ગુનાહિત પ્રવૃત્તિ છુપાવતા પક્ષની નોંધણી રદ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી, સુપ્રીમ સુનાવણી શરૂ કરવા તૈયાર

અબતક, નવી દિલ્હી : જે પણ રાજકીય પક્ષો ચૂંટણી સમયે ક્રિમિનલ ઉમેદવારોને ટિકિટ આપે છે પણ તેમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છૂપાવે છે તેવા પક્ષોની નોંધણી રદ કરવામાં આવે. તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઇ હતી. આ માટે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને આદેશ આપે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી માટે તૈયાર થઇ ગઇ હતી.

હાલ ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. એવામાં રાજકીય પક્ષો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની વિગતો જાહેર કરતા બચી રહ્યા હોવાના આરોપો સાથે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે 13 જાન્યુઆરી 2022ના રોજ સમાજવાદી પાર્ટીએ કુખ્યાત ગેંગસ્ટર નાહિદ હસનને કૈરાના બેઠક પરથી ટિકિટ આપી છે.

જોકે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નથી થયું અને 48 કલાકની અંદર આ ગેંગસ્ટરનો ક્રિમિનલ રેકોર્ડ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં પ્રકાશિત નથી કરવામાં આવ્યું. સાથે એવી માગણી સુપ્રીમ કોર્ટમાં થઇ છે કે જે પણ પક્ષો ક્રિમિનલ રેકોર્ડની માહિતી જાહેર ન કરે તેવા પક્ષોની નોંધણી રદ કરવા ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટ આદેશ આપે.

સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી માટે તૈયાર થઇ ગઇ છે.  બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ભાજપે ઉમેદવારોની અત્યાર સુધીમાં જે યાદી જાહેર કરી છે તેમાં 25 ઉમેદવારો એવા છે કે જેમની સામે કોઇને કોઇ ક્રિમિનલ કેસ દાખલ છે. આવા ઉમેદવારોમાં ઉ. પ્રદેશના ઉપ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યનો પણ સમાવેશ થાય છે.

ભાજપે આવા ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોને કેમ ટિકિટ આપી તેનું કારણ પણ જણાવ્યું છે. ભાજપે કેશવ પ્રસાદ મૌર્યને કેમ ટિકિટ આપી તેનું કારણ જણાવતા દાવો કર્યો છે કે તેઓ રાજ્યમાં પ્રખ્યાત છે, સમાજ સેવાના ઘણા કામ કર્યા છે. તેથી તેમના કામોના આધાર પર તેમને ટિકિટ આપવામાં આવી છે.

નિયમ અનુસાર જો કોઇ પક્ષો ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે તો તેની જાણકારી સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક કે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મતદારો સુધી પહોંચાડવી ફરજીયાત છે. જોકે આવી કોઇ જ જાણકારી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાહિદ હસનને લઇને જાહેર કરવામાં નહોતી આવી તેવા આરોપો સાથે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે અને તેની સુનાવણી માટે સુપ્રીમ તૈયાર થઇ ગઇ છે.

સુપ્રીમ કોર્ટમાં આ જાહેર હિતની અરજી વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી.  જેમાં તાત્કાલીક સુનાવણીની માગ પણ કરાઇ હતી અને દાવો કરાયો હતો કે રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે તેથી આ અરજીની વહેલી તકે સુનાવણી કરવામાં આવે. અગાઉ સુપ્રીમ કોર્ટે જ આદેશ આપ્યો હતો કે ક્રિમિનલ રેકોર્ડને જાહેર કરવો રાજકીય પક્ષો માટે ફરજિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.