Abtak Media Google News

ચાલુ વર્ષે માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓને સીટ નંબર હજુ સુધી ના મળતા અનેક સવાલો ઉભા થયા

આ વર્ષે માસ પ્રમોશનના લીધે વિદ્યાર્થીઓને સીટ નંબર જ ના મળતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ આ વર્ષે થઈ જ નથી જેથી વિદ્યાર્થી પાસે પોતાનો સીટ નંબર જ નથી.સીટ નંબર જ ન હોવાથી વિદ્યાર્થી આ વર્ષે પોતાનું પરિણામ ઓનલાઈન નહી જોઈ શકે, પરંતુ વિદ્યાર્થીને સ્કૂલ મારફતે જ પરિણામ મળશે.

ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા બાદ બોર્ડ દ્વારા  વર્ષે ઓનલાઈન પરિણામ જાહેર કરવામા આવે છે અને જેેમાં વિદ્યાર્થી પોતાના પરીક્ષાના સીટ નંબરથી ઓનલાઈન પરિણામ જોઈ શકે છે પરંતુ આ વર્ષે પરીક્ષા જ થઈ ન હોવાથી વિદ્યાર્થી પાસે સીટ નંબર જ નથી.જેથી બોર્ડ દ્વારા પણ દરેક વિદ્યાર્થીનું પરિણામ ઓનલાઈન જાહેર નહી કરવામા આવે અને વિદ્યાર્થી પોતાનું પરિણામ ઓનલાઈન નહી જોઈ શકે.

જે તે સ્કૂલને પોતાના વિદ્યાર્થીઓના પરિણામ ઓનલાઈન આપી દેવાશે અને જે તે સ્કૂલ પોતાના લોગઈન આઈડીથી પોતાના ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓના પરિણામ એક સાથે મેળવી વિદ્યાર્થીઓને આપશે. બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામની જાહેરાત થયા બાદ જે તે સ્કૂલ પરિણામ મેળવશે અને વિદ્યાર્થીએ પોતાની સ્કૂલમાં જઈને પરિણામ જોવાનું રહેશે.જો કે આ વર્ષે બોર્ડનું પરિણામ માત્ર  નામ પુરતુ જ છે.કારણકે સ્કૂલોએ જ તૈયાર કરેલુ પરિણામ બોર્ડ ઓનલાઈન મુકશે અને ઘણી સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓને પહેલીથી આપી જ દીધુ છે.

વિદ્યાર્થીઓના સીટ નંબર વિના માર્કશીટ બહાર પડે જ નહીં:ડીઈઓ કૈલા

આ વર્ષે ધો.10 અને ધો.12માં માસ પ્રમોશનના લીધે વિદ્યાર્થીઓને સીટ નંબર જ ના મળતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જેને લઇ રાજકોટના ડીઇઓ બી.એસ.કૈલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓના સીટ નંબર વિના માર્કશીટ બહાર પડે જ નહીં અને આ માટે ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી જ હશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કેમ કે ટુક સમયમાં જ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સીટ નંબર જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.