Abtak Media Google News

આરબ દેશોના રણમાં વધ્યુ અધ્યાત્મનું કલકલતું ઝરણું

આરબ રાજવી-મંત્રીઓ સાથે હજારો ભક્તોની ઉપસ્થિતિ

દુબઈ-અબુધાબી હાઈ-વે પર ૨૭ એકર ભૂમિમાં ખડુ થશે નંદનવન

સદીઓથી ભારત અને અખાતી આરબ દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધની એક નિરાળી ગંગા વહેતી રહી છે. તેમાંય ખાસ કરીને યુ.એ.ઈ. એટલે કે યુનાઇટેડ આરબ એમીરેટ્સના ૭ આરબ દેશોનો સંઘ ભારત અને હિન્દુઓ સાથે ખૂબપૂરાણો નાતો ધરાવે છે. દુબઈ, અબુધાબી, શારજાહ વગેરે આરબ રજવાડાંઓમાં હિન્દુઓએ દાયકાઓથી વેપાર-ધંધા સાથે સ્થાયી થઈને પોતાની સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાને જાળવવાનો પ્રયાસ કર્યો છે. આ ઈસ્લામિક આરબ દેશોમાં દાયકાઓથી વસતા એ હિન્દુઓ અને ભારતીયો હવે હર્ષભેર ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે કરેલા સંકલ્પ અનુસાર હવે આ આરબ ભૂમિ પર રચાઈ રહ્યું છે ભવ્ય હિન્દુ મંદિર.

અત્રે ઉલ્લેખનીય છે કે સન ૧૯૯૭માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અહીંની આરબ ભૂમિ પર પધાર્યા હતા ત્યારે તેઓએ અહીં વસતા હિન્દુઓની ધર્મભાવનાનું પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબભૂમિ પર સંસ્કૃતિધામ ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થાય.બે દાયકાઓના પ્રયાસ પછી આજે એ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. તેઓના એ સંકલ્પને સાકાર કરતો અનોખો અવસર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં અબુધાબી ખાતે તાજેતરમાં યોજાઈ ગયો. અબુધાબીમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિરની ભવ્ય શિલાન્યાસ વિધિ યોજાઈ291

જ્યાં શિલાન્યાસ વિધિ થવાનો હતો એ ૪૫,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલો વિશાળ પ્રમુખસ્વામી મડંપમ સવારે ૮-૦૦ વાગ્યે દેશ-વિદેશના ૫૦૦૦ હરિભક્તોથી છલકાવા લાગ્યો હતો. યુ.એ.ઈ. તથા મસ્કત, બાહરીન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા વગેરે આરબ દેશો ઉપરાંત ભારત, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, થાઈલેન્ડ વગેરે દેશોના નિમંત્રિત હરિભક્તો હજારોની સંખ્યામાં આ અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભક્તો-ભાવિકો આજના શિલાન્યાસ વિધિ પ્રસંગે યજમાન પદે પૂજાવિધિનો લાભ લેવા માટે માંગલિક વસ્ત્રોમાં સુસજ્જ થઈ પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા હતા. દરેક યજમાનની સુશોભિત ખુરશી સમક્ષ એક ટેબલ પર પૂજાસામગ્રી ઉપરાંત ભગવાનની મૂર્તિ વિરાજિત કરવામાં આવી હતી. મહોત્સવના પ્રથમ ચરણના પ્રારંભમાં પ્રમુખસ્વામી મહારાજે કરેલા સંકલ્પથી લઈને આજના દિવસ સુધીની એક ઇતિહાસગાથા વર્ણવતી સંક્ષિપ્ત વીડિયો સૌએ માણી હતી.361

મંદિરનું આર્કિટેક્ચર ડિઝાઈનિંગ કરનાર જગવિખ્યાત આર્કિટેક્ટ્સ સંસ્થા આર.એસ.પી.ના ચાઇનીઝ વડા લાઈ પણ આ મહાપૂજામાં જોડાયા હતા. પરમ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને સહપૂજકોએ વિધિવત્ શિલાપૂજન કર્યું, યંત્રપૂજન કર્યું, નિધિકુંભનું પૂજન કર્યું.

ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગર્તમાંથી બહાર પધાર્યા પ્રસંગમાં ભાગ લેવા માટે અબુધાબીના રાજપરિવારના વરિષ્ઠ મહાનુભાવો અને અનેક આરબ ઉમરાવો ઉપસ્થિત હતા.તેમાં ખાસ કરીને યુ.એ.ઈ.ની સરકાર અને રાજપરિવાર વતી મંત્રીશ્રી શેખ ડો. થાની બિન અહમદ અલ ઝાઉદી, મંત્રી ડો. અહમદ બિન અબ્દુલા હમિદ બિલાવલ, કોમ્યુનિટી ડેવલોપમેન્ટના ચેરમેન ડો. મુઘેર ખમિસ અલ ખલીલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર વતી યુ.એ.ઈ. ખાતેના રાજદૂત નવદીપ સૂરી પણ ઉપસ્થિત રહ્યા હતા.281

આ સર્વે મહાનુભાવોએ સ્નેહવાર્તાલાપ કરતાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને જણાવ્યું હતું કે આજના અવસરથી તેઓને અત્યંત ગૌરવ અનુભવાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મેળવીને એ સર્વે મહાનુભાવોએ ધન્યતા અનુભવી હતી. બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થા વતી સૌનું સ્વાગત કરતાં બ્રહ્મવિહારીદાસ સ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું. આ મંદિરના નિર્માણમાં જેમણે ખૂબ ઉદારતાપૂર્વક ૨૭ એકર ભૂમિનું દાન કર્યું છે, એટલું જ નહીં પરંતુ, મંદિર-નિર્માણ માટે જરૂરી તમામ કાર્યવાહીઓમાં ખૂબ ઉદાર દિલે સાથ આપ્યો છે એવા અબુધાબીના રાજા શેખ ખલિફા બિન ઝાયેદ અલ નહ્યાન તથા ક્રાઉન પ્રિન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ આખું વરસ અહીંની સરકારે સહિષ્ણુતા અને સંવાદિતા માટે ફાળવ્યું છે એ ખૂબ મોટી બાબત છે. આ મંદિરમાંથી હવે સંવાદિતા અને શાંતિ પ્રસરશે. સમગ્ર માનવજાતિને તેનો લાભ મળશે. માન્યામાં ન આવે, પરંતુ આ હેવન ઇન હેઝર્ટ એટલે કે રણમાં નંદનવન બનશે. અહીંની  પ્રજા તને, મને, ધને સુખી થાય તેવી પ્રાર્થના. માત્ર પૈસા કે બુદ્ધિથી સુખ-શાંતિ મળતાં નથી. શાંતિ એને જ મળે છે, જે શાંતિને ચાહે છે. જેણે જેણે આ અવસરે કાર્ય કર્યું છે તેને અભિનંદન. સૌએ ભેગા મળીને કાર્ય કર્યું છે અને છેક સુધી ભેગા રહીશું.’ સમારોહના અંતે બી.એ.પી.એસ. સંસ્થાના સંયોજક પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ આભાર સંબોધન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.