Abtak Media Google News

હવે ભારતે ખુદકી દુકાન ખોલવાનો સમય પાકી ગયો, ગઈકાલની ઘટના લાલબતી સમાન 

અબતક, નવી દિલ્હી : પ્રવર્તમાન સ્થિતિ જોતા એપ્લિકેશન બેઇઝ સોશિયલ મીડિયાનું શટર ગમે ત્યારે પડી જશે તેવા પ્રશ્ન સર્જાયા છે. ગઈકાલે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સર્વિસ 6 કલાક બંધ રહી તે ઘટના લાલબત્તી સમાન છે. હવે ભારતે ખુદકી દુકાન ખોલવાનો સમય પાકી ગયો છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પ્લેટફોર્મ લગભગ 6 કલાક સુધી સમગ્ર વિશ્વમાં બધ રહ્યું હતું. જેને પગલે અબજો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા સોમવારે રાતે લગભગ 9.15 કલાકે શરૂ થઈ હતી. એ પછી લોકોએ તરત જ પ્રતિક્રિયા આપવાની શરૂ કરી હતી. આ આઉટેજની અસર અમેરિકાના બજારમાં ફેસબુકના શેરમાં પણ જોવા મળી અને કંપનીનો શેર 6 ટકા સુધી ઘટ્યો હતો.

આઉટેજની સમસ્યા ઘણા કલાકો વીતી જવા છતાં ચાલુ રહી હતી. એવામાં લોકો મેસેજ મોકલી શકતા નહોતા કે રિસીવ પણ કરી શકતા નહોતા.  કંપનીનું સર્વર ડાઉન થવાને કારણે આ સમસ્યા આવી હતી. આઉટેજ ટ્રેકિંગ કંપનીના જણાવ્યા મુજબ, વિશ્વમાં 1.06 કરોડ યુઝર્સે સર્વિસ બંધ થવાની ફરિયાદ નોંધાવી હતી. વિશ્વમાં ફેસબુકના 2.85 અબજ મંથલી એક્ટિવ યુઝર છે.  જ્યારે વ્હોટ્સએપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ યુઝર છે. જે સર્વિસ બંધ થતાં અકળાય ગયા હતા. બીજી તરફ માર્ક ઝુકરબર્ગને પણ આ સર્વિસ ડાઉન થવાથી 52 હજાર કરોડનું નુકસાન સહન કરવું પડ્યું હતું.

ગઇકાલની આ ઘટના લાલબત્તી સમાન છે. હવે આ પ્લેટફોર્મનું ગમે ત્યારે શટર પડી જાય તો કરોડો લોકોને નુકસાન સહન કરવું પડે તેમ છે. માટે હવે સમય પાકી ગયો છે કે ભારતે ખુદકી દુકાન શરૂ કરવી જોઈએ. જેથી પોતાના પ્લેટફોર્મ પર પોતાના વ્યવસાયને વધુ સારી રીતે ફેલાવી શકાય.

લાઇક્સ-વ્યુ- શેર પાછળ ઘેલા લોકો ‘બેગામી શાદી મે અબ્દુલ્લા દિવાના’ જેવા

સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મમાં લાઇક્સ, વ્યુ અને શેર પાછળ ઘેલા થયેલા લોકો બેગાની શાદીમે અબ્દુલ્લા દિવાના જેવા છે. તેઓને ખબર નથી કે આ દુકાન ભાડાની છે. છતા તેઓ તેમાં મહેનત કરીને તેને રીનોવેટ કરે છે. પણ આ ભાડાની દુકાનનું ગમે ત્યારે શટર પડી શકે તેમ છે અને તેઓની આ દુકાન બંધ થઈ શકે તેમ છે.

યુઝર્સ સોશિયલ મીડિયાનું આડકતરૂ ગુલામીપણું કરી રહ્યા છે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝર્સ જાણતા નથી પણ તેઓ અજાણતાથી આડકતરૂ ગુલામીપણું કરી રહ્યા છે. તેઓ પોતાનો કિંમતી સમય આમાં વ્યર્થ કરીને તેનું કન્ટેન્ટ શેર કરે છે. જેનાથી ફાયદો દેખીતી રીતે તો કન્ટેન્ટ ક્રિએટરને થાય છે. પણ હકીકતમાં આ ફાયદો સોશિયલ મીડિયા પ્લેટફોર્મને થાય છે. આમ પગાર વગર યુઝર્સ કર્મચારી તરીકે નહીં પણ ગુલામ તરીકે કામ કરે છે.

ફાયદો કોને? કન્ટેન્ટ ક્રિએટરને કે પ્લેટફોર્મને ? 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અબજોની સંખ્યામાં યુઝર્સ જોડાયેલા હોય છે. કન્ટેન્ટ ક્રિએટર તેને મનગમતું કન્ટેન્ટ પીરસે છે. આની પાછળ તે ઘણી મહેનત કરે છે. તેનું કન્ટેન્ટ શેર થાય છે. લાઇક્સ મળે છે વ્યુઝ મળે છે. પણ હવે પ્રશ્ન એ થાય છે કે આમાં ફાયદો કોને? કન્ટેન્ટ ક્રિએટર ને કે પ્લેટફોર્મને ? આનો જવાબ છે. કન્ટેન્ટ ક્રિએટરને માત્ર ટૂંક સમયનો જ લાભ મળે છે. લાંબા ગાળાનો અને મોટો ફાયદો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉઠાવે છે.

ખુદકી દુકાન ન હોવાથી તપાસમાં પોલીસનો પન્નો ટૂંકો પડે છે

ખુદકી દુકાન ન હોવાથી તપાસ દરમિયાન પોલીસનો પન્નો ટૂંકો પડે છે. અત્યારે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જાયન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જેનો ઉપયોગ ઘણી વખત ગુનાહિત કૃત્ય માટે પણ થઈ રહ્યો છે. આવા સમયે આ પ્લેટફોર્મ તંત્રને મદદરૂપ થતા નથી. જો ભારતની ખુદકી દુકાન હોય મતલબ કે પોતાનું પ્લેટફોર્મ હોય જે સરકાર સાથે ટાઈઅપમાં હોય તો પોલીસ તપાસમાં ઘણી મદદ મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.