Abtak Media Google News

ખેડૂત આંદોલનમાં ખુલજા સિમ સિમ…કેપ્ટન અને શહેનશાહની મિટિંગ દેશ માટે સૂચક બની રહેશે

જો અમરીંદર ભાજપમાં જશે તો ભાજપને શીખ સમુદાયનો કદાવર ચહેરાનો લાભ મળશે, જેનાથી પંજાબનો ગઢ ફતેહ કરવું સરળ બની જશે

કોંગ્રેસને બાવાના બેય બગડ્યા જેવો ઘાટ, કેપ્ટન તો ગયા સાથે સિદ્ધુ પણ ગયો

અબતક, નવી દિલ્હી : કેપ્ટન અને શહેનશાહ વચ્ચે બેઠક યોજાઇ છે. જેનાથી હવે કેપ્ટન કેસરિયા કરે તેવા સંકેતો ઉજળા બન્યા છે. આવું થવાથી બન્ને બાજુ વિન વિન પોઝિશન રહેવાની છે. કારણકે ભાજપને ખેડૂત આંદોલનને સમેટવાની પુરી તક મળશે અને સાથે શીખ સમુદાયનો કદાવર ચહેરો પણ મળશે. જ્યારે સામે કેપ્ટનને પણ માન- સન્માન અને ઉપરી કક્ષાએથી પીઠબળ મળશે.

કેપ્ટન અમરિંદર સિંઘ ભાજપમાં સામેલ થશે તો પંજાબના રાજકારણમાં તેની મોટી અસર જોવા મળશે. જો આવું થશે તો પંજાબ કોંગ્રેસ માટે આ એક મોટા ઝાટકા સમાન હશે. ખાસ કરીને નવજોતસિંહ સિદ્ધુના રાજીનામાં બાદ કોંગ્રેસમાં પહેલેથી જ હડકંપ જોવા મળી રહ્યો છે. તો ભાજપ માટે કેપ્ટનના આવવાથી તેમના બંને હાથમાં લાડુ આવી જશે. એક તરફ કેપ્ટનની મદદથી ખેડૂત આંદોલનનો ઉકેલ કાઢવામાં આવશે. તો બીજી બાજુ પંજાબમાં ભાજપને એક મોટો શીખ ચહેરો મળી જશે. કેપ્ટન અને શાહ વચ્ચે બેઠક થઈ છે તે વાતની જાણ થતા પંજાબનું રાજકારણ વધુ ગરમાયું છે.

લગભગ 4 દશકા પછી કેપ્ટન કોંગ્રેસ પાર્ટી છોડે છે તો આ માત્ર તેમની જ નહીં પરંતુ કોંગ્રેસ માટે મોટો પડકાર બની રહેશે. પંજાબમાં કેપ્ટન અને સિદ્ધુના ઝઘડાને કારણે કોંગ્રેસ પહેલેથી જ ચૂંટણી પહેલાંનો મહત્વપૂર્ણ સમય બગાડી ચુક્યું છે. તો તેનાથી પાર્ટીની છબીને પણ ઘણું નુકસાન થયું છે.

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંઘ રાજકીય દિગ્ગજ છે. જેનું ઉદાહરણ તેઓ 2014ની લોકસભા ચૂંટણીમાં આપી ચુક્યા છે. ત્યારે આખા દેશમાં મોદી લહેર હતી. ભાજપે અમૃતસરમાં પોતાના મોટા નેતા અરૂણ જેટલીને લોકસભા ચૂંટણી લડવા મોકલ્યા. કેપ્ટન તેમની સામે ઊભા રહ્યાં. કેપ્ટનને પ્રચાર માટે લગભગ એક જ મહિનાનો સમય મળ્યો હતો, પરંતુ તેઓએ જેટલીને હરાવ્યા હતા. 2014ના પરિણામે રાજકીય પંડિતોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. એવા સમયે જ્યારે ભાજપના અનેક નેતાઓ મોદીના નામે જીત્યા હતા ત્યારે કેપ્ટને સાબિત કર્યું હતું કે પંજાબના રાજકારણમાં સૌથી મોટા સૂરમા તેઓ જ છે.

કૃષિ કાયદાના વિરોધના કારણે પંજાબમાં ભાજપની સ્થિતિ ઘણી જ ખરાબ છે. શહેરથી લઈને ગામડાંઓ સુધી તેઓનો વિરોધ થઈ રહ્યો છે. તેમની પાસે એવો કોઈ મોટો ચહેરો નથી જે સમગ્ર પંજાબમાં જાણીતો હોય. કેપ્ટને પંજાબના રાજકારણમાં 52 વર્ષ આપ્યા છે. જેમાંથી સાડા 9 વર્ષ તો તેઓ મુખ્યમંત્રી પદે જ રહ્યાં છે. ગ્રામીણ ક્ષેત્રમાં કેપ્ટનની સારી એવી લોકપ્રિયતા છે. જો કેપ્ટન કૃષિ કાયદો રદ કરાવીને ખેડૂતોની ઘર વાપસી કરાવી દેશે તો આ મોટો રાજકીય દાંવ સાબિત થશે. જ્યારે શહેરી વિસ્તારમાં કેપ્ટનને તેમની સરકારમાં સાંપ્રદાયિક સોહાર્દ રાખવા માટે સારું એવું સમર્થન મળે છે.

કેપ્ટન ભાજપમાં આવશે તો તેની સાથે સેંકડો નેતાઓ પણ આવશે

કેપ્ટન જો ભાજપમાં આવશે તો એકલા નહીં આવે. પંજાબ કોંગ્રેસનો એક મોટો વર્ગ પણ તેમની સાથે આવશે તે નિશ્ચિત છે. જેમાં તે દિગ્ગજ નેતાઓ પણ છે જેને પહેલાં સંગઠન અને હવે સરકારમાં કોંગ્રેસે સાઈડલાઈન કરી દીધા છે. તેનાથી પંજાબમાં ભાજપ મજબૂત સ્થિતિમાં આવશે. ખાસકરીને કેપ્ટનના આ દાંવથી પંજાબમાં કોંગ્રેસ સરકાર પણ ખતરામાં આવી શકે છે. કેપ્ટનની સાથે પણ ધારાસભ્યોનું એક મોટું ગ્રુપ છે. જે ભલે જ મંત્રી પદની દોડમાં ન હોય પરંતુ હાલ પંજાબ કોંગ્રેસના સંગઠનમાંથી તેમને ટિકિટ મળવાની કોઈ જ શક્યતા દેખાતી નથી. એવામાં તેઓ કેપ્ટનની સાથે આવી શકે છે.

2022ની ચૂંટણીમાં કોંગ્રેસનું ભવિષ્ય અંધકારમય?

કેપ્ટનને હટાવીને કોંગ્રેસ સિદ્ધુના સહારે વિધાનસભા ચૂંટણીમાં જીતની શક્યતા શોધી રહી હતી. હવે સિદ્ધુ પણ રાજીનામું આપીને બળવો કરવાના રસ્તે છે. એવામાં પંજાબમાં 2022માં કોંગ્રેસની જીત સામે પણ અનેક પ્રશ્નાર્થો ઊભા થઈ ગયા છે. કેપ્ટન પોતાનો રાજકીય રસ્તો બદલશે તો પંજાબ ચૂંટણીમાં હવે ચૂંટણીને 4 મહિના જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર બળવો રોકવામાં જ વ્યસ્ત થઈ જશે.

મમતા વિપક્ષનો નવો ચહેરો બનશે ?

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી વિપક્ષનો નવો ચહેરો બનવાની દિશામાં છે.  અગાઉ મમતા બેનર્જીએ એવું નિવેદન આપ્યું હતું કે ભાજપ ખૂબ જ મજબૂત પક્ષ છે. વિપક્ષ તેનાથી વધુ મજબૂત બનશે. વિપક્ષ 2024માં ઇતિહાસ રચશે તેવી અપેક્ષા છે. મમતા સોનિયા ઉપરાંત મમતા NCPના વડા શરદ પવાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પણ સારા એવા સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે મમતા અને કોંગ્રેસ બન્ને ભાજપની વિરુદ્ધમાં એક થવા ઈચ્છે છે. ત્યારે મમતા હવે આગામી દિવસોમાં 2024ની ચૂંટણી સંદર્ભે વિપક્ષનો નવો ચહેરો બને તો નવાઈ નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.