Abtak Media Google News

કાલે બપોર સુધીમાં ચારેય બેઠકોનું પરિણામ જાહેર થઇ જશે: બૂકી બજાર અને એક્ઝિટ પોલના તારણ મુજબ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકને બાદ કરતા ત્રણેય બેઠકો પર એક તરફી માહોલ

ગુજરાતમાં ભાજપ માટે રાજકીય લેબોરેટરી ગણાતા રાજકોટ શહેરમાં આ વખતે સત્તાધારી પક્ષ દ્વારા એક નવત્તર પ્રયોગ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. જેમાં ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખવામાં આવી હતી અને તેના સામે નવા ચહેરાઓને વિધાનસભાના ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા હતા. પ્રથમવાર શહેરની ચાર બેઠકો પૈકી બે બેઠકો પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. 2017ની સરખામણીએ આ વખતે મતદાન ઓછું થયું છે ત્યારે કાર્યકરો અને રાજકીય પંડિતોના મનમાં એવા સવાલો ઉદ્ભવી રહ્યાં છે કે શું ભાજપ રાજકોટની ચારેય બેઠકો જાળવી રાખશે કે 2012ની માફક કોંગ્રેસ રાજકોટમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહેશે. કાલે સવારે કણકોટ સ્થિત એન્જીનીંયરીંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. બપોર સુધીમાં ચારેય બેઠકોના પરિણામ જાહેર થઇ જશે. બૂકી બજાર અને એક્ઝિટ પોલના તારણ મુજબ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકને બાદ કરતા અન્ય ત્રણ બેઠકો પર હાલ ભાજપ જીતી રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે. જ્યારે પૂર્વમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી છે. અહિં હાર-જીતનું અંતર ખૂબ જ નજીવું હશે.

2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાઇ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદે વિજયભાઇ રૂપાણી હતા. તેઓ રાજકોટના વતની હોવાના કારણે શહેરીજનોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. 2012માં અસ્તિત્વમાં આવેલી રાજકોટ પૂર્વની બેઠક જે કોંગ્રેસ પાસે હતી તે આંચકી લીધી હતી. આ બેઠક પર રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અરવિંદભાઇ રૈયાણી 22,805 મતોથી વિજેતા બન્યાં હતાં. જ્યારે વિજયભાઇ રૂપાણી જે બેઠક પરથી લડી રહ્યાં હતા તે પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપને રેકોર્ડ બ્રેક 53,833 મતોની લીડ મળી હતી. દક્ષિણ વિધાનસભા બેઠક પર સતત ત્રીજી વખત ગોવિંદભાઇ 47,229 મતોની લીડ સાથે વિજેતા બની ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પાટીદાર અનામત આંદોલનની અસર વ્યાપક પ્રમાણમાં જોવા મળી હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાખાભાઇ સાગઠીયા માત્ર 2158 મતોથી જીત્યા હતાં.

આ વખતે પાટીદાર અનામત આંદોલન જેવો કોઇ મુદ્ો નથી છતાં ભાજપ રાજકોટની ચારેય બેઠકો જાળવી રાખશે કે કેમ તેની સામે થોડી ઘણી શંકા પ્રવર્તી રહી છે. કારણ કે ધાર્યાં કરતા ઓછું મતદાન થયું છે. બીજી તરફ ચારેય ઉમેદવારો નવા છે. જેની સામે કોંગ્રેસે મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

અલગ-અલગ સર્વે અને કાર્યકરોમાં થતી ચર્ચા મુજબ રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ દક્ષિણ અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપ આસાનીથી જીતી જશે. પરંતુ રાજકોટ પૂર્વ બેઠક પર રસાકસી રહેશે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ઉદયભાઇ કાનગડ જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ લડી રહ્યાં છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ પાટીદાર ચહેરા એવા રાહુલ ભૂવાને ટિકિટ આપી હોવાના કારણે પાટીદારોના મત થોડા ઘણા વહેંચાય જાય તેવી સંભાવના પણ જણાઇ રહી છે. આ બેઠકનું પરિણામ શું આવશે તેની કલ્પના કરવી હાલ થોડી મુશ્કેલ બની જવા પામી છે. શહેરની ચારેય વિધાનસભા બેઠકો ભાજપ જાળવી રાખશે કે પછી કોંગ્રેસ 2012નું પુનરાવર્તન કરતા ભાજપના ગઢમાં ગાબડું પડશે તે વાત પરથી આવતીકાલે બપોર સુધીમાં પડદો ઉંચકાઇ જશે.

રાજકોટની ચારેય બેઠકો પર કમળ ખીલશે: કમલેશ મિરાણી

Screenshot 5 6

રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મિરાણીએ આજે ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન એવો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ શહેર ભાજપનો અડીખમ ગઢ છે. 2017ની વિધાનસભાની ચૂંટણીની માફક અમે ફરી એક વખત શહેરની ચારેય વિધાનસભા બેઠકો પર કમળ ખીલવવામાં સફળ રહેશું. ઓછું મતદાન થવાના કારણે પરિણામ પર કોઇ અસર પડશે નહિં. એકપણ બેઠક પર કોઇ રસાકસી જણાતી નથી. ભાજપના ચારેય ઉમેદવારોની જીત નિશ્ર્ચિત છે. કેટલીક લીડથી કંઇ બેઠક જીતીશું તેની ભવિષ્યવાણી હાલ કરી શકાય તેમ નથી. પરંતુ એક વાત ફાઇનલ છે કે અમે વધુ એક વખત રાજકોટમાંથી ચારેય કમળો ગાંધીનગર મોકલી રહ્યાં છીએ.

રાજકોટ પૂર્વ અને ગ્રામ્ય કોંગ્રેસની જીત નિશ્ર્ચિત: પ્રદીપ ત્રિવેદી

P

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદીએ આજે ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત વિધાનસભાના ચૂંટણીનું પરિણામ આવતીકાલે ઘોષિત થવાનું છે. મતદાન બાદ અમે અલગ-અલગ વિસ્તારોમાં મતદાતાઓ અને અમારા પક્ષના આગેવાનો તથા કાર્યકરોને રૂબરૂ મળ્યાં હતા. જેમાંથી એક વાત ફાઇનલ થઇ રહી છે કે કોંગ્રેસ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી જીતી રહી છે. જ્યારે પશ્ચિમ અને દક્ષિણ બેઠકમાં પણ અમે હરિફ પક્ષ ભાજપના ઉમેદવારોને બરાબરની ટક્કર આપીશું. આ બેઠકના પરિણામો અમારી તરફેણમાં આવી શકે તેવું બની શકે છે. આમ આદમી પાર્ટીના કારણે તમે જીતશો તેવું લાગી રહ્યું છે? તેવા સવાલના જવાબમાં પ્રદીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજકારણમાં ક્યારેય કોઇ બીજા પક્ષના સહારે હારતું કે જીતતું હોતું નથી. આપ બળે જ રાજનીતીની લકીર ખીંચાતી હોય છે. અમે રાજકોટની ચારમાંથી બે બેઠકો જીતી રહ્યાં છીએ તે વાત ફાઇનલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.