Abtak Media Google News
  • મોહનભાઇ કુંડારિયા અને જીતુભાઇ સોમાણી વચ્ચે સમાધાનનો સેતુ નહીં રચાય તો વધુ એક વખત વાંકાનેર વિધાનસભાની બેઠક પર ભાજપે હારનું મોઢુ જોવું પડશે
  • વાંકાનેર નગરપાલિકા સુપર સીડ થતા હવે નવા-જૂનીના રાજકીય એંધાણ

વાંકાનેરમાં ભાજપના બે બળીયા વચ્ચે હવે બથોબથની લડાઇ જામી હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જો સાંસદ મોહનભાઇ કુંડારિયા અને પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમાણી વચ્ચે સમાધાનનો સેતુ નહી બંધાય તો વધુ એક વખત ભાજપે વિધાનસભાની આગામી ચૂંટણીમાં વાંકાનેર બેઠક પર પરાજયનું મોઢુ જોવાનો વારો આવશે. વાંકાનેરમાં વરસાદની સાથે રાજકીય વાવાઝોડુ પણ ત્રાટક્યું છે.

વાંકાનેર પંથકમાં ભાજપ મજબૂત થવા પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ પક્ષના જ બે મોટા માથાઓ વચ્ચે ચાલતી અહંકારની લડાઇના કારણે પક્ષની સ્થિતિ વધુ કથળી રહી છે. જીતુ સોમાણી રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા સામે બેફામ આક્ષેપો કરી રહ્યા છે. આ સ્થિતિ પક્ષ માટે સારી નથી. હાથ કોઇપણ જૂથનો ઉપર રહે પરંતુ નુકશાની કમળે સહન કરવાની રહેશે.

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે વાંકાનેર નગરપાલિકા ને સુપરસિડ જાહેર કરવાની ચર્ચાઓ પણ થતી હતી તેમજ નગરપાલિકાના પદાધિકારીઓને અનેક વખત ખુલાસો આપવાની તક આપવા છતાં સમયસર હાજર ન રહી ખુલાસો અપાયો ન હતો. જેથી શહેરી અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપરસિડ જાહેર કરીને વિસર્જન કરવાનો હુકમ કરવામાં આવતા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ સહિતની ચેમ્બરને સિલ કરવામાં આવી હતી તેમજ નગરપાલિકામાં પડેલ સાહિત્ય, દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા.

વધુમાં વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકા પદને લઈને જનતાને અપાતી સુવિધાઓ મુદ્દે પણ વિવાદમાં રહી છે અને લોકોને આપવાની થતી મુળભુત સુવિધાઓ પણ આપી શકી નથી અને હુકમમાં નગરપાલિકા પ્રમુખ સહિતના કર્મચારીઓ મનસ્વી રીતે કામગીરી કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ નગરપાલિકાને થતી આવક પણ સમયસર સરકારમાં જમા કરાવવામાં આવતી ન હતી તેમજ સામાન્ય સભા નગરપાલિકામાં કરવાને બદલે માર્કેટ ચોક માં કરવામાં આવી હતી, જે નિયમોની વિરુદ્ધ છે. વધુમાં સરકાર તરફથી વિકાસના કામ અર્થે વર્ષ 2013 થી અત્યાર સુધીમાં કુલ 53,93,04,894 ફાળવવામાં આવ્યા છે

જેમાંથી ફક્ત 10,32,46,952 જેટલા રૂપિયાનો જ વિકાસનાં કામોમાં ઉપયોગ કરેલ અન્ય રકમ હજુ પણ પડતર પડેલ છે. નગરપાલિકાના પ્રમુખ દ્વારા નગરપાલિકા ના કર્મચારીઓ ને હડતાલ કરવા માટે 25/05 થી અચોકસ મુદતની હડતાલ માટે નગરપાલિકા નું ગ્રાઉન્ડ ફાળવી દેવામાં આવ્યું હતું, જે હળતાલ ને કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ફરિયાદો ઉઠી હતી આ પ્રકાર ના અનેક મુદાઓ ટાંકીને નગરપાલિકાનું વિસર્જન કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

  • મારી કોઇ જ ભૂમિકા નથી, સરકારે તેની રિતે કાર્યવાહી કરી છે: મોહનભાઇ કુંડારિયા

  • હું રઘુવંશી સમાજનો વિરોધી નથી, જીતુ સોમાણી પોતાની રિતે વાતો ઉપજાવી કાઢે છે

Screenshot 2 14

વાંકાનેર નગરપાલિકાને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના ઇશારે સુપર સીડ કરવામાં આવી હોવાના પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમાણીના આક્ષેપ અંગે “અબતક” સાથે વાતચિત કરતા મોહનભાઇએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનામાં મારી કોઇ જ ભૂમિકા નથી. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સરકારમાં જે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમાં તથ્ય દેખાતા શહેરી વિકાસ વિભાગ દ્વારા વાંકાનેર નગર પાલિકાને સુપર સીડ કરવામાં આવી છે.

સરકારની કામગીરીમાં હું કોઇ દખલગીરી કરી શકુ નહી જ્યારે સુપર સીડની નોટિસ મળી હતી ત્યારે જ તે લોકો કોર્ટમાં ગયા હતા. અલગ-અલગ ત્રણવાર હાજર રહેવા મુદ્ત અપાય છતા તેઓ કેમ અદાલત સમક્ષ હાજર ન થયા તે પણ મોટો પ્રશ્ર્ન છે. બીજી વાત એ કે જીતુભાઇ સોમાણ વારંવાર એવું કહે છે કે હું રઘુવંશી સમાજનો વિરોધી છું. મે ક્યારેય લોહાણા સમાજને અન્યાય કર્યા નથી, આ વાત તેઓએ ઉપજાવી કાઢેલી છે.

વિધાનસભાની ગત ચૂંટણીમાં તેઓને ટિકિટ ન મળે તેવા મેં પ્રયાસ કર્યા હતા. તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં ટિકિટ આપવાની સત્તા પાર્લામેન્ટરી બોર્ડ પાસે છે. મારી પાસે ટિકિટ આપવાનો કોઇ જ અધિકારી નથી. કોઇ નેતા ગમે તેટલો મોટો હોય ટિકિટ આપી શકતો નથી કે અટકાવી પણ શકતો નથી. પક્ષને બધી વાતની ખબર હોય છે કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાંપવી. મારી સામેના આક્ષેપો તદ્ન ખોટા છે.

  • મોહનભાઇ કુંડારિયાએ જ પાલિકાને સુપર સીડ કરાવી છે: જીતુ સોમાણી

Img 20220808 101613

વાંકાનેર નગરપાલિકાના પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમાણીએ એવો ધગધગતો આક્ષેપ લગાવ્યો છે કે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના ઇશારે જ વાંકાનેર પાલિકાને સુપર સીડ કરવામાં આવી છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વિધાનસભાની ગત ચૂંટણીમાં મેં જ્યારે વાંકાનેર બેઠક પરથી ટિકિટની માંગણી કરી ત્યારે મોહનભાઇએ મને ટિકિટ ન મળે તે માટે ધમપછાડા કર્યા હતા છતા મને ટિકિટ મળતા તેઓ મારી સાથે રાગદ્વેષ રાખી રહ્યા છે તે રઘુવંશી સમાજના વિરોધી છે. પાલિકાના 28 સભ્યો સહિત સાથે પ્રમુખ અને ઉપપ્રમુખના નામો સર્વાનુમતે મોકલવામાં આવ્યા હતા છતા તેને અટકાવી દેવામાં આવ્યા હતા. મોહનભાઇના ઇશારે જ સુપર સીડની નોટિસ મળી હતી અને હવે વાંકાનેર પાલિકા સુપર સીડ થઇ છે.

મોરબી પાલિકાના પ્રમુખ અને ચેરમેન વિવિધ કામો માટે ટકાવારી લેતા હોવાનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે ત્યારે તેની સામે કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી અને વાંકાનેર પાલિકાને સુપર સીડ કરાય છે. મોહનભાઇને મારી સાથે રાગદ્વેષ હોય તેના કારણે તેઓ માહોલ બગાડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.