સ્થાપના દિન નિમિતે આજે કોંગ્રેસ સંકલ્પબદ્ધ બનશે ??: સંકલન, આંતરિક વિખવાદ અને આગોતરા આયોજનનો આભાવ કોંગ્રેસને અંધકારમાં ગરકાવ કરી રહયો છે !!

મુલ્યનિષ્ઠ કાર્યકરોને આગળ કરી કોંગ્રેસ વિકાસની ગાથા ફરી પ્રજ્વલિત કરશે ??

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે. કોંગ્રેસી કાર્યકરોએ એક તરફ ભવ્ય ભૂતકાળ પણ યાદ રાખવો પડશે તો બીજી બાજુ વર્તમાન સ્થિતી અને સમસ્યાઓનું નિરાકરણ કરી ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ પણ થવું પડશે. કોંગ્રેસ એટલે ૧૩૫ વર્ષ જૂનો પક્ષ અને આજે ૧૩૬નો સ્થાપના દિવસ ફક્ત બે કાર્યક્રમો યોજીને પૂર્ણ કરી દેવાથી સાર્થક નહીં નીવડે પરંતુ કોંગ્રેસે આત્મમંથન કરીને ભૂલો સુધારવા સંકલ્પબદ્ધ થવું પડશે તો જ કોંગ્રેસનું ભાવિ ઉજ્જવળ બની શકે અન્યથા કોંગ્રેસનું ભાવિ વધુ ધૂંધળું બને તો નવાઈ નહીં. કોંગ્રેસની હાલની ખામીઓ અંગે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં સંગઠનનો અભાવ ખૂબ જ મોટો છે જેના કારણે કાર્યકરો પણ સંઘર્ષ કરતા હોય છે અને જે પ્રકારે ભાજપમાં સંકલન થતું હોય છે તેવું સંકલન થઈ શકતું નથી. હાલની કોંગ્રેસ સ્ટ્રક્ચર અને સિસ્ટમવિહીન કોંગ્રેસ બની છે. હાલ સુધી રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યાલયની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ અહીં ઘરવિહીન છે. અગાઉ કમાન ઇન્દ્રનીલ રાજગુરુના હાથમાં હતી તો રાજગુરુનું કાર્યાલય શહેર કોંગ્રેસનું કાર્યાલય બન્યું, હાલ અશોક ડાંગર પ્રમુખ છે તો તેમનું કાર્યાલય કોંગ્રેસ કાર્યાલય છે અને જો અશોકભાઈ કોંગ્રેસ છોડે તો કોંગ્રેસ ફરીવાર ઘરવિહીન બની જશે જેવું ઇન્દ્રનીલ રાજગુરુના રાજીનામાં સમયે બન્યું હતું. ભાજપમાં એક સિસ્ટમ અને મશીનરી કામ કરે છે જ્યારે કોંગ્રેસ વ્યક્તિ વિશેષ પર નિર્ભર રહે છે. ભાજપ આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ બૂથ લેવલનું પ્લાનિંગ અને સિસ્ટમ બનાવી લીધી છે. ખાસ રાજકોટમાં તો આગામી ૩૦ સુધીમાં પેજ સમિતિનું ગઠન ઓએ ભાજપ પૂર્ણ કરી લેશે ત્યારે કોંગ્રેસના હજુ શ્રી ગણેશ પણ થયા નથી. સંગઠનની નબળાઇ અને સંકલનનો અભાવ કોંગ્રેસને દિન પ્રતિદિન નબળી પાડી રહી છે. કોઈ પણ પ્લાનિંગ વિના ચાલતી કોંગ્રેસનું પ્રદર્શન નબળું બની રહ્યું છે. કોઈ પણ સ્પષ્ટ નેતાગીરી અને સુકાનીના અભાવે કોંગ્રેસના કાર્યકરો પણ સંઘર્ષ કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોની હાલની પરિસ્થિતિ ’ચલક ચલાણું, કોની ઘરે ભાણું ?’ જેવી થઈ ગઈ છે.

શું કોંગ્રેસ સ્થાપના દિવસે આત્મ મંથન કરશે?

હાલ ’રોમ ભડકે બળે અને ન્યુરો ફિડલ વગાડે’ જેવો ઘાટ કોંગ્રેસનો ઘડાયો છે. આ સમય કોંગ્રેસ માટે કપરો સમય છે. સમગ્ર દેશમાં સતાવિહીન બનેલી કોંગ્રેસે આત્મ મંથન કરીને ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જરૂરિયાત છે ત્યારે રાહુલબાબા પોતે જ કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિતે ઇટલી જવા રવાના થઈ ગયા છે. ખાટલે મોટી ખોટ જેવી પરિસ્થિતિનું નિર્માણ હાલના તબક્કે કોંગ્રેસ માટે થઈ છે. એક બાજુ સ્થાપના દિવસ નિમિત્તે દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો કાર્યકરોએ નક્કી કર્યા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અધ્યક્ષપદના સુકાની રાહુલ ગાંધી ઇટલી જઈ રહ્યા છે. ખરેખર આ સમયે કોંગ્રેસે

સ્થાપના દિવસ નિમિતે કોંગ્રેસના ભવ્ય ભૂતકાળને યાદ કરી વર્તમાન પરિસ્થિતિમાં થયેલી ભૂલોને સુધારી ફરીવાર લોકચાહના મેળવવા પ્રયત્ન કરવો જોઈએ પણ રાહુલ ગાંધીની ગેરહાજરી ઘણું બધું કહી જાય છે. કોંગ્રેસમાં ઉભા થયેલા પ્રશ્નો પૈકી સંગઠન અને સંકલનનો પ્રશ્ન સૌથી મોટા પ્રશ્નો પૈકી એક છે. આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે ગઈકાલ બપોર સુધીમાં કોંગ્રેસ કેવા કાર્યક્રમો સ્થાપના દિવસ નિમિતે કરશે તે પણ નક્કી કરી શકાયું ન હતું. આ સમસ્યા ફક્ત રાજકોટ કે સૌરાષ્ટ્ર પૂરતી નથી પરંતુ સમગ્ર દેશમાં આવી જ સમસ્યાઓને કારણે કોંગ્રેસ ફાવી શકતું નથી જેની પાછળ મુખ્યત્વે સંગઠન અને સંકલનનો અભાવ જવાબદારરૂપ છે. કોઈ પણ પક્ષની તાકાત તેના કાર્યકરો હોય છે પણ સંગઠનના અભાવે કોંગ્રેસે કોઈ કાર્યક્રમ જાહેર કર્યો નહીં અને બીજી બાજુ કાર્યકરો પ્રદેશ સ્તરેથી કોઈ પણ સૂચનાના અભાવે સંકલન નહીં થતા કોઈ કાર્યક્રમનું પ્લાનિંગ કરી શક્યું નહીં. કોંગ્રેસે ફરીવાર કમબેક કરવું હશે તો આજે સ્થાપના દિવસ નિમિતે તમામ કોંગ્રેસીઓએ આત્મમંથન કરી આ સમસ્યાઓ દૂર કરવા પ્લાનિંગ કરી આયોજનો કરવા જ પડશે. દા.ત. આગામી વર્ષની શરૂઆતમાં જ રાજકોટ ખાતે મનપાની ચૂંટણી યોજનાર છે ત્યારે ભાજપનું બૂથ લેવલનું પ્લાનિંગ ૩૦મી ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે જ્યારે કોંગ્રેસના પ્લાનિંગના હજુ કોઈ ઠેકાણા જ નથી.

આજની કોંગ્રેસને માત્ર ટિકિટમાં જ રસ !!!

હાલ કોંગ્રેસમાં રહેલા કાર્યકરો અને નેતાઓ ફક્ત વ્યક્તિગતરૂપે જ દોડતા હોય છે. સંગઠન નહીં હોવાના કારણે તમામ નેતાઓ એકલા જ દોડતા હોય છે. એકલા દોડતા નેતાઓ અને કાર્યકરો ફક્ત ચૂંટણીલક્ષી કાર્યક્રમો કરતા હોય તેવું પણ ક્યારેક ચોક્કસ લાગી આવે છે. કોંગ્રેસના નેતાઓ – કાર્યકરોને ફક્ત ટીકીટમાં જ રસ હોય તેવી રીતે વર્તતા હોય છે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે, જે વોર્ડનો કાર્યક્રમ હોય તેના નગરસેવક જ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા હોય છે. જે રીતે કોંગ્રેસમાં ટીકીટની જંગ જામતી હોય છે તેમાં સેવાની સાપેક્ષે ફક્ત મેવામાં જ કાર્યકરોને રસ રહ્યો છે. કોંગ્રેસમાં આવતા કાર્યકરો પણ ફક્ત હોદા મેળવવા આવતા હોય તે રીતે પ્રવેશ કરતા હોય છે. જરૂર હોય ત્યારે સક્રિય અને

જરૂરિયાત ન હોય ત્યારે નિષ્ક્રિય જેવા કાર્યકરોને ઘરે બેસાડવાની હાલ તાતી જરૂરિયાત કોંગ્રેસ માટે ઉભી થઈ છે. ઘણા ખરા આગેવાનો હોદાઓ મેળવીને નિષ્ક્રિય થઈ જતા હોય છે જેથી એ નેતા કોંગ્રેસ માટે ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની જતો હોય છે. કોંગ્રેસે ખરા અર્થમાં સેવા કરતા મેવામાં વધુ રસ ધરાવતા કાર્યકરોને પણ ઘરે બેસાડવાની જરૂરિયાત છે તો જ સાચા કાર્યકરોને ન્યાય આપી શકાય અને તે થકી જ કોંગ્રેસ ફરીવાર બેઠું થઈ શકે તેમ છે.

આજના રાજકારણમાં સેવાનો પર્યાય બદલી જતા કોંગ્રેસ નબડી પડી: મનસુખભાઇ જોશી

શરૂઆતથી જ રાજકારણમાં હંમેશા અલગ અલગ સારા-નરસા થયા છે.રાજકારણની આજ તાસીર છે. ખાસ તો ૧૯૪૭ પહેલાનું રાજકારણમાં ભાગ અને બલીદાનની વાત હતી. તે સમયે વ્યકિત ખતમ થવા નિકળ્યા હોય તે રીતે ઘર છોડીને નીકળતા ત્યારબાદ ૧૯૪૭ પછીનો સમય બદલાયો, યુવાનો જોડાયા નવા રાજકર્તાઓ આવ્યા સાંરાષ્ટ્રની રચના થઇ અને સદનસીબે મુખ્યમંત્રી તરીકે યુ.એન. ઢેબર આવ્યા તેઓ અત્યંત બુઘ્ધશાળી હતા. ઢેબરભાઇએ જમીનદારી નાબુદ કરી અને સાચા અર્થમાં ખેડુતોને

જમીનના માલીક બનાવ્યા. ખાસ તો આ સમયે સમાજ સેવકો કંકઇ આપવાની ભાવના સાથે કાર્યો કરતા અને ત્યારબાદ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે નૈતિક મુલ્યો વિચરાતા ગયા. રાષ્ટ્રને આગળ લઇ જવા નિષ્ાકલંક બુઘ્ધીશાળી ભાવિનું દર્શન કરી શકે તેવા વરિષ્ઠ માણસને સત્તા મળે તો જાહેર જીવનનું ઘડતર થવુ: શકય છે. આપણા નૈતિક મુલ્યો ને ભૂલ્યા વગર આવનારી નવી વસ્તુને સ્વીકારીએ તો રાષ્ટ્રનો ઉઘ્ધાર કરી શકાય. ખાસ તો સ્વતંત્રતા પછી કોઇ ક્ષેત્રે વધારેમાં વધારે સુધારા થયા હોય તો શિક્ષણ ક્ષેત્ર છે. નવા નવા માણસો નવી નવી થીયરી લાવે છે. હાલમાં શિક્ષણનો વ્યાપ વઘ્યો છે. પરંતુ ગુણવત્તામાં ઘટાડો થયો છે. આપણા શિક્ષણ ક્ષેત્રમાં કેટલાય એવા વિઘાર્થીઓ છે કે જે દરેક ક્ષેત્રે આગવી નામના મેળવી શકે તેમ છે. ખાસ તો ૧૦ વર્ષ પહેલા તેવો અમેરિકા ગયેલા ત્યારે નાસાની મુલાકાત લીધેલી, ત્યાંથી જાણવા મળ્યું કે નાસામાં ૩૦ ટકા ભારતીયો છે તેમાં પણ મોટાભાગના ગુજરાતી હતા. માટે ભારતમાં જ રહીને આપણે સૌ આપણા દેશનું નામ રોશન કરી શકીએ છીએ.