Abtak Media Google News

કૃષિ વિધેયકના વિરોધમાં ચાલી રહેલા આંદોલનની દિશા, દશા અને રફતારને અવળે પાટે ચડાવવા મથતા પરિબળોને ઓળખવા જરૂરી

‘યે આગ કબ બુઝેગી’ કૃષિ બીલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમેટી લેવા અને અવળે પાટે ચડાવવા મથતા સકારાત્મક અને નકારાત્મક પરિબળો વચ્ચે ચાલી રહેલી દ્વંદ યુદ્ધ જેવી પરિસ્થિતિ કેવા પરિણામ આપશે તે તો સમય જ બતાવશે. અત્યારે આંદોલનકારીઓની ગુંચ ઉકેલવા માટે સરકારે પ્રયત્નો તેજ કરી દીધા છે. તંત્ર દ્વારા રવિવારે આંદોલનકારી ખેડૂતોના સંગઠનોને બીજા તબક્કાની વાતચીતનો દૌર શરૂ કરવા અને તેની તારીખો ખેડૂતોને જ નક્કી કરવા પત્ર પાઠવ્યો છે. કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે કિસાન નેતાઓને સમાધાનના મંચ ઉપર લાવવા પ્રયાસો શરૂ કરી દીધા છે. અગાઉ પાંચ તબક્કાની વાતચીત અનિર્ણીત રીતે નિષ્ફળ નિવડી હતી. કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓને લઈને ચાલી રહેલા આંદોલનની મડાગાંઠ ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યાં છે ત્યારે નવીદિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ મુદે સમાધાન માટે કવાયત તેજ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આંદોલનકારીઓને મનાવવા માટેના પ્રયાસો અને ખાસ કરીને આ મુદ્દો સરળતાથી ઉકેલાય તે માટે પ્રયત્નો તેજ કરી દીધા છે.

બીજી તરફ કિસાન સંગઠનોએ કોઈપણ સંજોગોમાં જ્યાં સુધી કૃષિ બીલ પરત ન ખેંચાય ત્યાં સુધી આંદોલન ચલાવવાની મક્કમતાનું વલણ અપનાવતા આ મડાગાંઠ ઉકેલાઈ જશે કે વધુ ગુંચવાશે તે પ્રશ્ર્ન ઉભો થયો છે. ખેડૂતોએ નવા કાયદામાં લઘુતમ ટેકાના ભાવોના વિકલ્પમાં ભાવ બાંધણાની માંગ કરી છે. લઘુતમ ટેકાના ભાવો દૂર કરીને માર્કેટીંગ યાર્ડ પ્રથાને હાંસીયામાં મુકી ખેડૂતોને મોટા વેપારીઓ અને કંપનીઓની દયા પર નિર્ભર કરવા જેવી પરિસ્થિતિ ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતો સાથેની નવેસરથી વાતચીતનો સરકારનો પ્રસ્તાવ સ્વીકારવો કે વિરોધ કરવો તે અંગે ખેડૂત સંગઠનોએ વિચાર વિમર્શ હાથ ધર્યો છે. 40 ખેડૂત આગેવાનોને કેન્દ્રીય કૃષિ મંત્રાલયે પત્ર પાઠવી સમાધાન માટે નવી તારીખ નક્કી કરવા જણાવાયું હતું. અખીલ ભારતીય કિસાન સંઘર્ષ સમીતીના હનાન મુલાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જો કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ સ્વીકારે તો જ વાતચીત શક્ય છે. એક તરફ સરકાર સમાધાનના પ્રયાસો કરી રહી છે. બીજી તરફ કુલ 40 માંથી 32 ખેડૂત સંગઠનો પંજાબ પ્રાંત હોય આ આંદોલન રાષ્ટ્રીય ધોરણે પ્રસરાવવાના પ્રયાસોમાં સફળતા અસંત: મળી હોવાનું માનવામાં આવે છે. કિસાન સંગઠનોના પ્રયાસો આ મુદ્દાને રાષ્ટ્ર વ્યાપી ધોરણે ચગાવવાનો હતો પરંતુ અત્યારના 40 સંગઠનોમાં 32 સંગઠનો પંજાબ અને હરિયાણાના હોય ખેડૂત સંગઠનોએ આ પ્રશ્ર્નના ઉકેલ માટે સમીતીની રચનાના મુદ્દાને કાયદાકીયરૂપે લેવાના પ્રયાસો હાથ ધર્યા છે.

ખેડૂતોના આ આંદોલનની મડાગાંઠ ઉકેલાશે કે રાજકીય રંગ આપીને આ મુદ્દાને વધુ ગુંચવાડી દેવાશે તે પ્રશ્ર્ન અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ખેતી ક્ષેત્ર દેશના અર્થતંત્રની મુળ ધરોહર ગણવામાં આવે છે ત્યારે અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા ખેતી ક્ષેત્રના ઉદ્ધારની જરૂરીયાત આવશ્યક અને પર્યાપ્ત બની છે તેવા સંજોગોમાં આ આંદોલન ખેડૂતો અને સરકાર વચ્ચેનો મુદ્દો રહે અને તેના પર રાજકીય રંગ ન ચડે તે વાતાવરણ આવશ્યક બન્યું છે.

ખેડૂતોની આવક બમણી કરવા ‘આધુનિકતા’ અપનાવવી પડશે

ખેડૂતો અને સરકાર વચ્ચે પ્રવર્તી રહેલી કૃષિ બીલ મુદ્દાની મડાગાંઠ સત્વરે ઉકેલવા પ્રયાસો શરૂ થયા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, કૃષિ ક્ષેત્રના આમુલ પરિવર્તન માટે આધુનિકતા અપનાવવી અનિવાર્ય બની છે. દેશના કૃષિ ક્ષેત્ર માટે જરૂરી સુધારાઓની આવશ્યકતા સમજવાનો હવે સમય આવી ગયો છે.

  • ખેડૂતોની આવક બમણી કરવા કૃષિકારોને તાલીમબદ્ધ કરવાની સાથે સાથે આધુનિક ટેકનોલોજી વાપરતા કરવા જોઈએ.
  • ખેતી અને ખેડૂતને ઔદ્યોગીક વિકાસ અને ઉત્પાદન વૃદ્ધી જેવા પરિબળો સાથે સાંકળવાની આવશ્યકતા છે.
  • દેશના કૃષિ ક્ષેત્રે દરેક ખેડૂત અને ખેતર સુધી આધુનિક ખેત ઓજારોથી લઈ ટેકનોલોજી પહોંચાડવી જોઈએ.
  • દેશના વિશાળ કૃષિ ક્ષેત્રમાં મોટાભાગે નાના અને સીમાંત ખેડૂતો કાર્યરત છે. આવા તમામ નાની ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવું જરૂરી.
  • કૃષિ ક્ષેત્રના કુલ વિસ્તારના 86 ટકા ખેડૂતો ટૂંકી જમીન અને મર્યાદિત આવકના સ્ત્રોતો ધરાવે છે. તેમના આર્થિક, સામાજીક અને તકનીકી સંરક્ષણથી દેશના કૃષિ ક્ષેત્રને વિકસાવવું જોઈએ.
  • કૃષિ પ્રધાન ભારતના કૃષિ ક્ષેત્રને આધુનિક ટેકનોલોજીસભર બનાવી ખેડૂતોની આર્થિક આવક વધારવા માટે સરકારે શરૂ કરેલા પ્રયાસો અને છ વર્ષની કવાયત હવે ખેડૂતોની આવક વધારવા સક્ષમ બની છે.

ઉદ્યોગની જેમ ખેતીમાં પણ ઉત્પાદન વૃદ્ધિ પર ધ્યાન આપવું જોઈએ

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન ડોલરનું કદ આપવાની યોજનામાં ઉત્પાદનલક્ષી પ્રોત્સાહન યોજના પ્રોડકશન ઈન્સેટીવ સ્કીમ (પીએસઆઈ)ની જેમ ખેડૂતોને પણ ઉત્પાદન વધારવા માટે સવલત, સુવિધાની સાથે પ્રોત્સાહન આપવું જોઈએ.

ખેડૂતો સાથે તંત્ર અને સરકારનું સકારાત્મક સંકલન હોવું જોઈએ

ભારતમાં 80 ટકાથી વધુ ગ્રામીણ વસ્તી ખેતી પર નિર્ભર છે. ત્યારે કૃષિ સુધારા અને કૃષિ ક્ષેત્રને સદ્ધર બનાવવા માટે સરકાર અને તંત્રનું ખેડૂતો સાથે સરળ સંકલન હોવું જોઈએ. ખેડૂતો અને ખેતીને રાજકારણથી પર રાખવા જોઈએ.

ખેડ, ખેતર ને પાણી, સમૃદ્ધિ લાવે તાણી

કૃષિ પ્રધાન ભારતમાં જૂની ઢબની ખેત વ્યવસ્થાના કારણે ઉત્પાદનથી લઈ મુલ્યનિષ્ઠ વિકાસમાં રહેલા અવરોધો દૂર કરવા  ખેતી, જમીન, ખાતર અને બિયારણ સુધારણાની આવશ્યકતાની પણ ખેડૂતોની આવક બમણી કરવામાં મુખ્ય પરિબળો તરીકે ગણવી જોઈએ.

અર્થતંત્રની સદ્ધરતા માટે ખેતી અને ખેડૂત સમૃદ્ધ હોવા જરૂરી

કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્ર પર કૃષિ ક્ષેત્રનો મોટો પ્રભાવ છે. ઉત્પાદનની વધઘટની સીધી અસર જીડીપી પર પડતી હોવાથી કૃષિ ક્ષેત્રના ઉત્પાદન વૃદ્ધિ માટે ધ્યાન આપવું જરૂરી.

ખેડૂતોના સુદ્રઢ ભવિષ્ય માટે લઘુત્તમ ટેકાના ભાવોના બદલે ભાવ બાંધણાની માંગ થશે?

કૃષિ વિધેયકના વિરોધમાં ચાલી રહેલા આંદોલનની મડાગાંઠ ઉકેલવા પ્રયાસો થઈ રહ્યાં છે ત્યારે લઘુતમ ટેકાના ભાવોના બદલે ખેડૂતો માટે તમામ જણસીના ભાવ બાંધણાની માંગ પણ ઉઠી છે. ટેકો તો બદલાય, હટી પણ જાય પરંતુ ભાવ બાંધણાથી ખેડૂતોના ખેતીના ખર્ચ અને ઉપજની પડતર કિંમત સુરક્ષીત થાય તેવી વ્યવસ્થાની માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.