Abtak Media Google News

સુરત સોનાની મુરત: ડાયમંડ ફોર ‘નેવર’ ?

મંદીનાં કારણે ૧૩૦૦૦ હીરાનાં કારીગરો બેરોજગારો

વિશ્વભરમાં એક સમયે સુરત હીરા ઉધોગ માટે ખુબ જ જાણીતું હતું અને વિશ્ર્વભરમાં તેની એક આગવી છાપ પ્રસ્થાપિત થઈ હતી પરંતુ હીરા ઉધોગનું જે સેટબેક એટલે કે મંદીનાં વાદળો ફરી વળ્યા છે તેનું કારણ ૯૦ ટકાનું બે નંબરનું ચલણ માનવામાં આવે છે. ઈન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રેડિટ લીમીટ પણ ભારે ચર્ચામાં હોવાથી હીરા ઉધોગ મંદ પડી ગયો છે. પહેલાનાં સમયમાં હીરા ઉધોગ માટે ટેકનોલોજીનો ઉપયોગ થતો ન હતો ત્યારે અમરેલી, બોટાદનાં અનસ્કીલ્ડ લેબરની સામે હવે જયારે ટેકનોલોજીનો વ્યાપ વઘ્યો છે તે સ્થિતિ જોતા હીરા ઉધોગને ઘણી ખરી અસર પહોંચી છે. સ્કીલ્ડ લેબર જે કામગીરી કરી શકે તેનાથી તે કામગીરી હવે ટેકનોલોજીનાં માધ્યમથી થતી જોવા મળે છે.

હીરા ઉધોગમાં મીસ મેનેજમેન્ટ હોવાનાં કારણે ૭૦ હજાર કરોડનાં પોલીસડ ડાયમંડનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. ધમધમતું હીરા ઉધોગમાં મંદી ફરી વળતા દુબઈનાં નામાંકિત હીરા ઉધોગનાં વેપારી પણ ઉઠી ગયા છે. હાલની સ્થિતિ જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, કદાચ ભારતમાંથી હીરા ઉધોગ પૂર્ણત: નિકળી જાય તો નવાઈ નહીં. કારણકે હીરા ઉધોગ માટે હવે ભારત નહીં પરંતુ બેલ્જીયમ, ઈઝરાયલ, ચીન તરફ વધુ દારોમદાર રાખવામાં આવી રહ્યો છે. ૨૦૧૯નાં જુલાઈ માસ સુધીમાં હીરાનાં ભાવમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. ડાયમંડ કંપની માટે જે બેંક ફાયનાન્સ કરે છે તેનું ભારણ દિન-પ્રતિદિન વધતા ડાયમંડ ઉધોગને માઠી અસર પહોંચી છે. ૭૦ હજાર કરોડની પોલીસડ ડાયમંડની ઈનવેન્ટરી વેચાણી ન હોવાથી ઉધોગને ભારે અસર પહોંચી છે. સુરતની વાત કરવામાં આવે તો હીરા ઉધોગનું વાર્ષિક ટનઓવર ૧.૪૦ લાખ કરોડ રૂપિયાનું હોય છે જેમાં ૪૫૦૦ ડાયમંડ યુનિટ, ૫ લાખથી વધુ હીરા ઉધોગનાં વ્યાપારમાં જોડાયેલા કારીગરો સાથો સાથ ૧૦૦ કરોડથી વધુનું વાર્ષિક ટનઓવર ધરાવતી ૧૦૦ કંપનીઓને ભારે અસર પહોંચી છે. ગુજરાત ડાયમંડ વર્કર એસોસીએશન દ્વારા હીરા ઉધોગમાં મંદીનાં કારણે ૧૩૦૦૦ હીરા ઘસુ કર્મીઓ નોકરી વિહોણા બન્યા છે.

એપ્રિલથી જુલાઈ-૨૦૧૯ માસ દરમિયાન પોલીસડ ડાયમંડની નિકાસ ૧૮ ટકા ઘટી હતી જે ગત વર્ષે ૮ બિલીયન ડોલરની રહી હતી. જયારે રફ ડાયમંડનાં આયાતમાં પણ ૨૯ ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ તકે હીરા ઉધોગ સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે, યુ.એસ અને ચાઈના વચ્ચેનાં ટ્રેડવોર પોલીસ ડાયમંડનાં ભાવમાં ઘટાડો, તરલતાનો અભાવ, ડાયમંડ કંપનીઓને આપવામાં આવતી ક્રેડીટ લીમીટ સહિતનાં અનેક મુદાઓનાં કારણે  ઉધોગે ઘણુ ખરું વેઠવું પડી રહ્યું છે.

હાલ સુરત ખાતેનાં હીરા ઉધોગમાં કામ કરતા કારીગરો મુખ્યત્વે અમરેલી અને બોટાદનાં હોવાનું સામે આવ્યું છે ત્યારે મંદીનાં કારણે આ વિસ્તારનાં કારીગરો તેમનું કામ મુકી વતન પરત ફરી રહ્યા છે. એક સમયે હીરા ઉધોગ ખુબ જ ધમધમતો ઉધોગ હતો જયાં અનેક લોકો નોકરી કરવા આવતા હતા અને ઉધોગમાં સમાય જતા હતા પરંતુ સમયની માંગ સાથે સુરતનો હીરા ઉધોગ કદમથી કદમ મિલાવવામાં નિષ્ફળ રહેતા ઉધોગને માઠી અસરનો સામનો કરવો પડયો છે ત્યારે પ્રશ્ર્ન હવે એ ઉદભવિત થાય છે કે શું સુરત ખાતે હીરા ઉધોગ ફરી ધમધમશે કે કેમ ? કારણકે ઘણા ખરા કારીગરો નાણાનાં અભાવે ઉધોગ છોડી તેમનાં વતન પરત ફરી ગયા છે.

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગત વર્ષોમાં ડાયમંડનું પ્રોડકશન ૫૦ ટકા જેટલું ઘટયું છે. કારણકે પોલીસડ ડાયમંડ ઈનવેન્ટરીનું વેચાણ ન થતા માંગ પણ દિન-પ્રતિદિન ઘટવા પામી છે જેથી હીરા ઉધોગ સાથે સંકળાયેલા ઉધોગપતિઓ અને વેપારીઓ નવું રો-મટીરીયલ ખરીદી કરી શકતા નથી ત્યારે સૌપ્રથમ તો આ ઉધોગને બેઠો કરવા માટે જે બાકી રહેતી ઈનવેન્ટરી છે તેને સૌપ્રથમ તો પુરી કરવી પડશે ત્યારબાદ જ નવાં રો-મટીરીયલો ખરીદ કરવા માટે પ્રેરિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.