સતત દઝાડતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે ?? આ ચાર રાજ્યોએ કેન્દ્રને કરી રજુઆત

પેટ્રોલ-ડીઝલનો વધતો જતો ભાવ સરકાર માટે પણ ‘ધર્મ સંકટ’: નાણામંત્રી નિર્મલા સિતારામન

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવમાં ઉછાળો અને કોરોના મહામારી પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો માટે કારણભૂત-પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે. વધતા જતા ઈંધણના આ ભાવથી સામાન્ય જનતાને મોટો ફટકો પડી રહ્યો છે. વૈશ્ર્વિક બજારમાં ક્રુડના ભાવ વધતા સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડિઝલના ભાવ દઝાડી રહ્યા છે મોટાભાગનાં લોકો આ માટે સરકારને જિમ્મેદાર ઠેરવી રોષ ઠાલવી રહ્યા છે. પરંતુ વૈશ્ર્વિક સ્થિતિ જોઈએ તો આ મુદો સરકાર માટે પણ ‘ધર્મસંકટ’ ઉભુ કરનાર બની રહ્યો છે. તાજેતરમાં આ મુદે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું હતુ કે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ ખરેખર એક ગંભીર મુદો છે. આ માટે કેન્દ્ર અને રાજય સરકારોએ સાથે બેસી ચર્ચા કરવી જોઈએ.

નાણાંમંત્રીના આ નિવેદન બાદ ચાર રાજયોની સરકારે કેન્દ્રને રજૂઆત કરી છે. પશ્ર્ચિમ બંગાળ, આસામ, રાજસ્થાન અને મેઘાલયની સરકારે કેન્દ્રને રજૂઆત કરતા જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલની એકસાઈઝ ડયુટી ઘટાડે અને મહદ અંશે રાહત આપે.

ઓઈલ મીનીસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે કહ્યું છે કે, પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ વધવાનું છે. જોકે, જાન્યુઆરી માર્ચથી ઈંધણનું સતત ઉત્પાદન પણ વધ્યું જ છે. નિર્મલા સિતારામને કહ્યુંં કે, સરકાર પણ આ મુદે ચિંતિત છે. સરકાર પણ ભાવ વધારા માટે મજબુર છે. અમારા માટે પણ ‘ધર્મ સંકટ’ ઉભુ થયું છે.

ઉલ્લેખનીય છે કે, દેશનાં ઘણાં ક્ષેત્રોમાં પેટ્રોલ ડીઝલના ભાવ રૂ.૧૦૦ને પણ પાર થઈ ગયા છે. પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ માટે કારણભૂત કોરોના મહામારી પણ છે.