Abtak Media Google News

છુટાછેડા અને મહિલા અત્યાચારના કેસમાં સમાન કાનૂની જોગવાઈઓ માટે દાદ માંગતી જાહેરહિતની અરજી પર સુપ્રીમની સરકારને ટકોર

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું સમાન ધરાવતા ભારતમાં વિવિધતામાં એકતાની સંસ્કૃતિને ઉજાગર રાખતી આપણી બંધારણીય વ્યવસ્થામાં સમાન નાગરિક ધારાની આવશ્યકતા હવે દિવસે દિવસે વધુને વધુ જરૂરી બનતી જાય છે. સમાન સિવિલ કોડની બંધારણીય જોગવાઈના બદલે આપણે સમાન નાગરિક બનવાની દિશામાં આગળ વધવાની સમય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આવેલી બે જાહેરહિતની અરજીઓમાં છુટાછેડા અને મહિલાના વાલીપણા અને અત્યાચાર સામે કાનૂની જોગવાઈમાં એક સમાન વલણ અને કાયદાની વ્યવસ્થા થવી જોઈએ તેવી જાહેરહિતની અરજીની સુનાવણીમાં અદાલતે સરકારને સમાન સિવિલ કોડ માટે સરકારને નિર્દેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટની સંયુક્ત  ખંડપીઠમાં મુખ્ય ન્યાયધીશ એસ.એ.બોબડે, એ.એસ.બોપન્ના અને વી.રામ સુબ્રમણ્યમની ખંડપીઠે જાહેરહિતની અરજી પર કેન્દ્રીય ગૃહ કાયદા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો હતો. ધારાશાસ્ત્રી અશ્ર્વિન ઉપાધ્યાય દ્વારા છુટાછેડા અને મહિલાની જાળવણી અંગે સમાન કાયદા માટે અરજીમાં દાદ માંગવામાં આવી હતી. ૧૬મી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સુનાવણીમાં છુટાછેડા અને મહિલાઓની જાળવણી અને જીવાય આપવાની મંજૂરીમાં એકરૂપતા મેળવવા માટે બે અલગ અલગ પીઆઈએલની વિસંગતતા અને આક્રોશ વ્યકત કર્યો હતો. ખંડપીઠે એવી ભીતિ વ્યક્ત કરી છે કે, જાહેરહિતની અરજી ધાર્મિક સમૂદાયોની સંવેદનશીલતાને હાની પહોંચાડી શકે છે. જેમણે દેશ માટે ઘણા દાયકાઓથી સમાન સિવિલ કોડનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તમે ઈચ્છો છો કે બધા જ વ્યક્તિગત કાયદાઓ નાબૂદ થાય, તમારી માંગને બીજી કઈ રીતે મુલવી શકાય. પીઆઈએલમાં એવી દાદ માંગવામાં આવી છે કે જેમાં સિવિલ કોડ પર દબાણ આવે. શું આપણે વિવિધ સમુદાયોની મહિલાઓ સાથેના તેમના વ્યક્તિગત કાયદાઓમાં અતિક્રમણ ર્ક્યા વગર ભેદભાવપૂર્વક વ્યવહારને દૂર કરી શકીએ ? અરજદારે એવી દલીલ કરી હતી કે, ત્રિપલ તલાક દ્વારા મુસ્લિમ સમુદાયમાં ત્વરીત છુટાછેડાને ગેરબંધારણીય જાહેર કર્યું છે અને છુટાછેડા અને ત્યારબાદ જીવાયના મામલાઓમાં એક સામાન્ય નાગરિક સંહિતા જોઈએ. ૧૯૮૫માં આવેલી એક અરજીના ચુકાદામાં કોર્ટે જણાવ્યું હતું કે, સમાન સિવિલ કોડમાં કેટલીક વિસંગતતાઓ છે. સર્વોચ્ચ અદાલતે ૧૦ વર્ષ પછી સરલા મુદગલ કેસમાં કહ્યું હતું કે, જ્યાં ૮૦ ટકાથી વધુ નાગરિકોને પહેલેથી જ સિવિલ કોડ હેઠળ લાવવામાં આવ્યા છે ત્યાં આ વ્યવસ્થાને રદ્દ કેમ કરી શકાય. સર્વોચ્ચ અદાલતે ૨૦૦૩માં જોન વલ્લમ ટોમ કેસમાં પણ આ અંગેની નુખ્તેચીની કરી હતી. એક સમાન નાગરિક ધારાની જરૂરીયાતો વારંવાર અદાલતે ઉજાગર કરી છે.

મુખ્ય ન્યાયધીશ એસ.એ.બોબડે અને એસ.એ.બોપન્ના અને રામ સુબ્રમણ્યમની ખંડપીઠે અશ્ર્વિની ઉપાધ્યાયની પીઆઈએલ અંગે ગૃહ, મહિલા કાયદો અને બાળ વિકાસ મંત્રાલય પાસેથી જવાબ માંગી સમાન સિવિલ કોડની સરકાર પાસે ટહેલ નાખી છે. શું આ ટહેલ પર સરકાર વિચાર-વિમર્શ કરશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.