બાંધકામ ક્ષેત્રનાં વિકાસને રુંધતા કાયદાને ‘રેરા’ની બહાર કઢાશે?

ઘર ખરીદનાર લોકોની ફરિયાદનાં નિરાકરણ માટે ‘રેરા’ને આપવો જોઈએ વિશેષ અધિકાર: જક્ષય શાહ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે તેને લઈ સમગ્ર ભારતનાં રીયલ એસ્ટેટ ક્ષેત્રને પણ તાકીદ કરવામાં આવી છે પરંતુ હાલ બજારની પરિસ્થિતિ જોતા અને તરલતાનાં અભાવે અનેકવિધ પ્રોજેકટો ખાલીખમ્મ પડેલા છે અને તેમાં કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જયારે બીજી તરફ ઘર ખરીદનાર લોકોની ફરિયાદ રેરાનાં બદલે નેશનલ કંપની લો-ટ્રીબ્યુનલ તથા ક્ધઝયુમર ફોરમમાં મોકલવામાં આવે છે જેનાં કારણોસર રેરાને ઘણી ખરી તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ફરિયાદનાં પગલે રીયલ એસ્ટેટ ક્ષેત્ર ચિંતામાં ગરકાવ થયું હોય તેવું લાગી રહ્યું છે.

ભારતનાં પ્રોપર્ટી ડેવલોપર્સ એટલે કે રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે, રેરા એટલે કે રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીને ઘર ખરીદનાર લોકોની ફરિયાદનાં નિવારણ માટે વિશેષ અધિકાર આપવો જોઈએ. નેશનલ કંપની લો-ટ્રીબ્યુનલ એટલે કે એનસીએલટીમાં ઘણા રીયલ એસ્ટેટની ફરિયાદનો સમાવેશ થઈ રહ્યો છે જેનાં કારણે અનેકવિધ પ્રોજેકટો પણ બંધ રહ્યા છે જેથી રીયલ એસ્ટેટ ક્ષેત્રની માંગ છે કે, કાયદામાં થોડા ફેરબદલ કરવામાં આવે જો આ અંગે કોઈ નકકર પગલા નહીં લેવાય તો ક્ષેત્રને ઘણી માઠી અસરનો સામનો પણ કરવો પડશે. હાલની પરિસ્થિતિ પર જો ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો રીયલ એસ્ટેટ ક્ષેત્રની હાલત અત્યંત કફોડી બની છે. એક તરફ કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાયનાં ભાગરૂપે બંધ પડેલા પ્રોજેકટો અને અટકી પડેલા પ્રોજેકટોને ફરી ધમધમતા કરવા માટેનાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ ઘર ખરીદનાર લોકો તેમની ફરિયાદો ને સીએલટીમાં દિન-પ્રતિદિન કરી રહ્યા છે.

રીયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસીએશનનાં જણાવ્યા અનુસાર એનસીએલટીમાં ૬૫ ટકાથી વધુ કેસો રીયલ એસ્ટેટ પ્રોજેકટોને આધીન છે. ત્યારે ઘર ખરીદનાર લોકો કોઈપણ જાણ વગર અને અભ્યાસ વગર તેમની ફરિયાદ એનસીએલટીમાં દાખલ કરતા હોય છે જો તે ફરિયાદ રેરામાં કરવામાં આવે તો તેમનું નિરાકરણ વહેલાસર થઈ શકે તેમ છે જેથી એનસીએલટીની સમકક્ષ રેરાને પણ ફરિયાદ નિવારણ માટે વિશેષ અધિકાર આપવામાં આવે જેથી ઘર ખરીદનાર લોકોની ફરિયાદનું નિવારણ વહેલી તકે થઈ શકે. હાલ આ સુઝાવ અમદાવાદ સ્થિત સેવી ઈન્ફ્રાસ્ટ્રકચરનાં મેનેજીંગ ડાયરેકટર જક્ષયભાઈ શાહ દ્વારા જણાવામાં આવ્યું હતું. તેમનાં દ્વારા માંગણી કરવામાં આવી છેકે, રેરાને ફરિયાદ નિવારણ માટે એક વિશેષ અધિકાર આપવામાં આવે અને જો ઘર ખરીદનાર લોકોને રેરાનાં નિર્ણયથી ખુશ ના હોય અને તે નિર્ણય યોગ્ય ન લાગતો હોય તો તેઓ નેશનલ કંપની લો-ટ્રીબ્યુનલમાં જઈ શકે છે પરંતુ પ્રારંભિક ધોરણે ફરિયાદો રેરાને મુખ્યત્વે મળવી જોઈએ. રેરા કાયદો અમલી બન્યા બાદ કેન્દ્ર દ્વારા રેરાને ફરિયાદ નિવારણ માટે પણ પરવાનગી આપી હતી પરંતુ કયાંકને કયાંક અપુરતા અભ્યાસ અને જ્ઞાનનાં કારણે લોકો રેરાનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતા જેનાં કારણોસર તેઓએ તેમની ફરિયાદ એનસીએલટીમાં દાખલ કરવી પડતી હોય છે. જક્ષય શાહ તેઓ રીયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયાનાં ચેરમેન પણ છે.

આ તકે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે ૨૫,૦૦૦ કરોડ રૂપિયા જે બંધ પડેલા પ્રોજેકટને ફરી શરૂ કરી પૂર્ણ કરવા માટે ફાળવ્યા હતા ત્યારબાદ જે દિન-પ્રતિદિન ઘર ખરીદનારાઓની ફરિયાદ વધી રહી છે તેનાં માટે રેરાને પણ વિશેષ અધિકારો આપવામાં આવે તે પણ માંગ કરવામાં આવી હતી. હાલ થોડા સમય પહેલા રેરા કોન્કલેવમાં સમગ્ર ભારતમાંથી નામાંકિત રીયલ એસ્ટેટ ઉધોગ સાથે સંકળાયેલા ઉધોગપતિઓ આવ્યા હતા જયાં તેઓએ એનસીએલટીમાં ફરિયાદોનો ભરાવો જે થઈ રહ્યો છે તેને રોકવા માટે સુચનો પણ આપ્યા હતા. રેરાનું માનવું છે કે, જો કોઈ ઘર ખરીદનાર લોકોને રેરાનાં નિર્ણયથી અસંતોષ હોય તો તેઓ એનસીએલટી તથા ક્ધઝયુમર ફોરમમાં જઈ શકે છે. હાલ રેરામાં પણ ઘણી આંટીઘુંટી રહેલી છે ત્યારે બાંધકામ ક્ષેત્રનાં વિકાસને જે રુંધતી કાયદાની આંટીઘુંટી છે તેને કેવી રીતે બહાર કાઢી શકાય તે દિશામાં પણ હાલ ચર્ચા વિચારણા થઈ રહી છે. રેરાનાં ઘણા ખરા એવા નિયમો છે કે જે બિલ્ડરોને પણ ડરાવે છે. જયારે રેરા કાયદો અમલી બન્યા બાદ કયાં પ્રકારનાં સુધારવા કરવા જોઈએ તે દિશામાં સરકારને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે પરંતુ રેરાએ  કેન્દ્રને ભલામણ કરી ફરિયાદ નિવારણ માટે વિશેષ અધિકાર આપવા માટે જણાવ્યું હતું.