Abtak Media Google News

જળવાયુ પરીવર્તનને કારણે અનાજનું ઉત્પાદન ઘટશે તેવી વૈજ્ઞાનિકોની ચેતવણી

અબતક, નવી દિલ્હી : એક તરફ ભારત અન્નદાતાની ભૂમિકામાં છે. જરૂર પડ્યે પાડોશી દેશોની ભારતે જઠરાગ્નિ ઠારી છે. તો બીજી તરફ જળવાયું પરિવર્તન ભારતના જ લોકોને ભૂખ્યા રાખે તેવી નોબત આવી છે. એક અંદાજ મુજબ 2050 સુધીમાં જળવાયુ પરીવર્તનને કારણે અનાજનું ઉત્પાદન ઘટશે. જેને કારણે ભૂખ્યા રહેનારાઓની સંખ્યા વધશે.

હવામાન પરિવર્તનને કારણે પંજાબમાં 2050 સુધીમાં મકાઈની ઉપજમાં 13 ટકા અને કપાસની ઉપજમાં 11 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.  પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના કૃષિશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના નવા અભ્યાસમાં આ વાત કહેવામાં આવી છે.  દેશના કુલ અનાજમાંથી 12 ટકા પાક પંજાબમાં થાય છે.  ભારતના હવામાન વિભાગના વેધર જર્નલમાં આ મહિનાની શરૂઆતમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં 1986 અને 2020 વચ્ચેના વરસાદ અને તાપમાનના ડેટાનો ઉપયોગ પાંચ મુખ્ય પાકો – ડાંગર, મકાઈ, કપાસ, ઘઉં અને બટાટા પર હવામાન પરિવર્તનની અસર દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો. સંશોધકોએ પંજાબ કૃષિ યુનિવર્સિટીની પાંચ વેધશાળાઓ – લુધિયાણા, પટિયાલા, ફરીદકોટ, ભટિંડા અને એસબીએસ નગરમાંથી ડેટા એકત્રિત કર્યો.

તેઓએ જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તનોમાં લાંબા ગાળાના ફેરફારો દર્શાવે છે કે મોટાભાગના ફેરફારો તાપમાનમાં વધારાને કારણે છે.  “સૌથી વધુ રસપ્રદ તારણો પૈકી એક એ છે કે લઘુત્તમ તાપમાનમાં ફેરફારને કારણે તમામ ઋતુઓમાં સરેરાશ તાપમાનમાં ફેરફાર થાય છે,” અહેવાલમાં જણાવાયું છે.

આનો અર્થ એ થયો કે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે.” એવું કહેવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાનમાં વધારો ડાંગર, મકાઈ અને કપાસના ઉત્પાદન માટે નુકસાનકારક છે.  તેનાથી વિપરીત, અત્યંત ઊંચું લઘુત્તમ તાપમાન બટાકા અને ઘઉંની ખેતી માટે ફાયદાકારક છે.  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “પાક પર હવામાનની અસર ખરીફ અને રવિ સિઝનમાં અલગ-અલગ હશે.  ખરીફ પાકોમાં, ડાંગર અને કપાસની સરખામણીમાં મકાઈની ખેતી તાપમાન અને વરસાદ પર વધુ નિર્ભર છે.

2050 સુધીમાં મકાઈની ઉપજમાં 13 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.  તે જ સમયે, કપાસની ઉપજમાં લગભગ 11 ટકા અને ડાંગરની ઉપજમાં લગભગ એક ટકાનો ઘટાડો થઈ શકે છે.  સંશોધકોએ કહ્યું કે અમારા તારણો એ દાવાને વધુ મજબૂત બનાવે છે કે ભાવિ આબોહવા પરિદ્રશ્ય બહુ અનુકૂળ નહીં હોય.  અભ્યાસ સૂચવે છે કે આબોહવા પરિવર્તન-અનુકૂલિત ટેક્નોલોજીઓ અને પ્રથાઓ સાથે અનુકૂલન કરવાની તેમની ક્ષમતાને વધારવા માટે ખેડૂતોને નાણાકીય સંસ્થાઓ સાથે જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

લોકોની જઠરાગ્નિ ઠારવા સરકાર અનાજના ભંડાર ખુલ્લા મુકશે

હાલમાં ઘઉં અને ઘઉંના લોટનો ભાવ વધીને 10 વર્ષની ટોચ પર છે, જેના કારણે સરકારે બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉં ઓપન માર્કેટમાં રિલિઝ કરવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોએ જણાવ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સ્ટોકમાંથી ઘઉંનો જથ્થો ઈ-ઓક્શન દ્વારા ઓપન માર્કેટમાં મુકવામાં આવશે. આગામી સપ્તાહથી બજારમાં ઘઉંનો જથ્થો વધવા લાગશે. બે મહિનાની અંદર 30 લાખ ટન ઘઉં રિલિઝ કરવામાં આવશે જેમાં ફ્લોર મીલર્સ અને મોટા વેપારીઓ જેવા બલ્ક બાયર્સને 2350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં મળશે. તેના પરિવહનનો ખર્ચ ખરીદદારે ઉઠાવવાનો રહેશે. સૌથી વધુ ભાવની બિડ કરનારને ઘઉંનો જથ્થો મળશે. જોકે, સમગ્ર જથ્થાનો લાભ અમુક મુઠ્ઠીભર વેપારીઓ ન લઈ જાય તે માટે દરેક ખરીદદાર દીઠ 3000 ટનની લિમિટ રાખવામાં આવશે.

ઘઉંના ભાવમાં મોનોપોલી સર્જાય નહીં તે માટે કોઈ એક ખરીદદારને ત્રણ હજાર ટનથી વધારે જથ્થો આપવામાં નહીં આવે.આ ઉપરાંત પીએસયુ, કોઓપરેટિવ્સ, ફેડરેશન, કેન્દ્રિય ભંડાર અને નાફેડને પણ ઈ-ઓક્શન દ્વારા ઘઉંનો જથ્થો ઓફર કરવામાં આવશે. તેમાં 2350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના રાહત દરે ઘઉં વેચવામાં આવશે. તેમણે આ ઘઉંનો લોટ બનાવીને લોકોને 29.5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાની બાંહેધરી આપવી પડશે. તેનાથી શહેરી વિસ્તારોમાં લોકોને રાહત મળશે જ્યાં આ સંસ્થાઓ હાજરી ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.