શું રાજકીય ગુંચમાં અટવાયેલી ખેડૂતોની મડાગાંઠ ઉકેલાશે?

ખેડુતોની કૃષિપ્રધાન સાથે મળેલી બેઠક નિષ્ફળ: ફરી વાર કાલે ‘ગુંચ’ ઉકેલવા કરાશે પ્રયત્ન

નવા કૃષિ બીલના વિરોધમાં દિલ્હી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. ખેડૂતોની વિવિધ માંગણી સાથે હરિયાણા અને પંજાબથી દિલ્હી કુચ કરી ધામા નાખ્યા છે. દિવસો જતા ખેડૂતોનો મામલો વધુ પેચીદો બનતો જાય છે. પરિણામે આંદોલનકારીઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે અંતર પણ વધી રહ્યું છે. આ અંતરને ઘટાડવા ગઈકાલે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી પરંતુ બેઠકનું પરિણામ શુન્ય રહ્યું હતું. ખેડૂતોની સમસ્યામાં દાવપેચ અને રાજકીય સમીકરણો ગોઠવાઈ જતાં મામલો દિન-પ્રતિદિન વધુ ગુંચવાઈ રહ્યો છે.

ખેડૂતોના આંદોલનને સમેટી લેવા મંગળવારે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર સહિતના ત્રણ પ્રધાનોએ ખેડૂતો સાથે બેઠક યોજી હતી. ખેડૂતોએ બેઠક દરમિયાન નવા કૃષિ વિધેયકને પરત ખેંચવાની માંગણી કરી હતી. તેમજ જો તેમની માગણીઓનો સ્વીકાર નહીં કરવામાં આવે તો આંદોલન યથાવત રાખવાની ચિમકી પણ ઉચ્ચારાઈ હતી. જેના જવાબમાં કૃષિ પ્રધાને કૃષિ વિધેયક કાયદાનું સ્વરૂપ લઈ ચૂકયું છે. જેથી તે પરત ખેંચી શકાય નહીં. કૃષિ પ્રધાને કહ્યું હતું કે, આ મામલાની વાતચીતના દૌરથી સુલટાવી લેવા એક કમીટીની નિમણૂંક કરવી જરૂરી છે. જેમાં કૃષિ અગ્રણીઓ, ખેડૂતો તેમજ કૃષિ વિભાગના અધિકારીઓનો સમાવેશ થશે અને આ કમીટી કૃષિ કાયદા અંગે વાતચીત કરી વાટાઘાટો કરશે. અમે કમીટીમાં મર્યાદિત લોકો ઈચ્છીએ છીએ તેવું તોમરે કહ્યું હતું. જેના જવાબમાં ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું હતું કે, અમે વાત કરીશું તો સાથે જ કરીશું અન્યથા કોઈપણ જાતની વાતચીત થશે નહીં. ભારતીય કિસાન યુનિયનના અગ્રણી રૂપસિંઘે કહ્યું હતું કે, સરકારની સ્પેશિયલ કમીટી બનાવવાની વાતનો અમે સ્વીકાર કરતા નથી. સરકારે જે કૃષિ કાયદો અમલમાં મુક્યો છે તેને પરત ખેંચે તેવી અમારી માંગણી છે અને જ્યાં સુધી અમારી માંગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે દિલ્હી છોડીને ક્યાંય જવાના નથી. ભલે સરકાર બળનો ઉપયોગ કરે તેમ છતાં પણ અમે દિલ્હીમાં જ રહીને આંદોલન કરીશું.

ખેડૂતોની કૃષિ કાયદાની પરત ખેંચવાની માંગને સ્વીકાર કરી શકાય તેમ નથી, કેમ કે, જ્યારે પણ કોઈ વિધેયક કાયદાનું સ્વરૂપ લે છે ત્યારે તે કાયદાને પરત ખેંચવાની સત્તા સરકાર પાસે હોતી નથી. પરિસ્થિતિ એવી બની છે કે ફકત વાતચીત કરી વાટાઘાટો હાથ ધરી આંદોલનનું સુખદ અંત લાવવો જરૂરી છે. મુખ્ય બાબત એ પણ છે કે, ખેડૂતોના આંદોલનને રાજકીય રંગ આપવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે અનેક રાજ્યોમાં અનેક પક્ષોએ કૃષિ કાયદાનો વિરોધ કર્યો છે. પંજાબમાં અકાલી દળની સરકાર છે. સરકાર કોઈપણ ક્ષણે કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ કાયદાનો વિરોધ કરી શકે નહીં. દરેક સરકારોએ રાજધર્મ નિભાવવાનો હોય છે. તેમ છતાં પંજાબમાં અકાલી દળ કૃષિ કાયદાનો વિરોધ કરી રહી છે. આ પ્રકારે જ અનેક રાજ્યોમાં વિરોધના વંટોળ ઉઠ્યા છે. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અપીલ કરી હતી કે, ભારત સરકાર ખેડૂત વિરોધી સરકાર નથી, વિરોધ પક્ષો રાજકીય રોટલા સેકવાનું બંધ કરે.

જે રીતે ખેડૂતોના આંદોલનને રાજકીય રંગ અપાઈ રહ્યો છે ત્યારે ખરા અર્થમાં જગતના તાત રાજકીય ગુંચમાં અટવાયા છે. આ ગુંચને ઉકેલવી અતિ જરૂરી છે. નહીંતર આગામી દિવસોમાં આ આંદોલન હિંસાત્મક પણ બની શકે છે, તેને ધ્યાનમાં રાખીને આવતીકાલે ફરીવાર ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક યોજાનાર છે. પરંતુ જ્યાં સુધી આંદોલનનો સુખદ અંત ન આવે ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે કે, રાજકીય ગુંચમાં અટવાયેલી ખેડૂતોની મડાગાંઠ ઉકેલાશે કે કેમ ?