‘વિકાસની રેલ’ સાવજની ડણકને ‘ચુપ’ કરી દેશે?

વિકાસથી વિનાશ તરફ?

વિકાસ જીવસૃષ્ટિનું સંતુલન બગાડશે તો વિનાશ સર્જી દેશે

સમગ્ર વિશ્વમાં સાવજોના નિવાસ સ્થાન તરીકે પ્રખ્યાત સાંસણ અભ્યારણમાંથી રેલવે ટ્રેક પસાર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યારે સાવજોને રેલવે લાઈનના કારણે અનેક વિધ પરેશાનીઓનો સામનો કરવો પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે. જેના પરિણામે અનેકવિધ પર્યાવરણપ્રેમીઓના દીલ આ નિર્ણયના કારણે દુભાયા છે. સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં રેલવે લાઈનને સાંસણ ગિરમાંથી પસાર કરી મીટરગેજને બ્રોડગેજમાં રૂપાંતરીત કરવા અંગે દરખાસ્ત મુકવામાં આવી હતી.

કોઈપણ શહેર, રાજ્ય કે દેશ માટે વિકાસ સૌથી મહત્વનો છે પરંતુ વિકાસનો અતિરેક એટલી હદે ન થવો જોઈએ કે જેનાથી પર્યાવરણ અને જીવસૃષ્ટિનું સંતુલન બગડે. ઈતિહાસ સાક્ષી છે કે, જ્યારે જ્યારે જીવસૃષ્ટિ સાથે ચેડા થયા છે ત્યારે વિનાશ સર્જાયો છે. ફરીવાર આવી જ એક બાબત સામે આવી રહી છે.

ગત ૨૯ સપ્ટેમ્બરના રોજ સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં સાંસણ ગિરથી પસાર થતી ચાલુ મીટરગેજ લાઈનને ઈલેકટ્રીક બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરીત કરવા અંગે રેલ વિકાસ નિગમ દ્વારા દરખાસ્ત મુકવામાં આવી હતી. જે રીતે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે તે મુજબ સાંસણ ગિરમાં આ પ્રોજેકટ માટે ૧૪૮ હેકટર જમીનની જરૂરીયાત પડશે. આશરે ૨ મહિના બાદ મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં રેલ વિકાસ નિગમ લી.ની આ દરખાસ્તને મંજૂરી આપવા અંગે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને હાલના તબક્કે દરખાસ્તને નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફને પ્રોજેકટની દરખાસ્ત મંજૂરી અંગે મોકલી આપવામાં આવી છે. સ્ટેટ બોર્ડ ઉપર વાઈલ્ડ લાઈફના અધિકારીઓના જણાવ્યા મુજબ એસબીડબલ્યુએલએ આ પ્રોજેકટને મંજૂરી આપી છે. એસબીડબલ્યુએલના એક સભ્યના જણાવ્યાનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશ્ર્વાસન આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર સાંસણ ગિરમાંથી પસાર થતાં આવા કોઈપણ પ્રોજેકટને મંજૂરી આપશે નહીં.

દરખાસ્ત રજૂ કર્યા સમયે પ્રોજેકટથી પર્યાવરણ અને જેવીક પ્રક્રિયાને થતી અસર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઈન્વાયરમેન્ટ ઈમ્પેકટ એસેસમેન્ટ (ઈઆઈએ)નો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠકનો મુખ્ય એજન્ડા એ હતો કે રેલવેનો પ્રોજેકટ ઈઆઈએના રિપોર્ટના કારણે હજુ પેન્ડીંગ છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પીપાવાવ ખાતેથી રેલવે લાઈન પસાર કરવામાં આવી હતી તેના કારણે અનેક સાવજોના રેલવે ટ્રેકમાં આવી જવાથી અકસ્માતે મોત નિપજયા હોવાનું સામે આવ્યું હતું. જે મામલે હાલ ગુજરાત હાઈકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. જેના જવાબમાં રેલવે તંત્રએ કહ્યું હતું કે, ૧૮ મહિનાના સમયગાળામાં રેલવે તંત્રએ રાજુલા, પીપાવાવ રેલવે રૂટ પર આશરે ૬૩ જેટલા સાવજોનો જીવ બચાવ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, ગિર અભ્યારણને ઈકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને ઈકો સેન્સીટીવ ઝોનની જોગવાઈઓ મુજબ ઝોનના આસપાસના ૧૦ કિ.મી.ના વિસ્તારમાં કોઈપણ બાંધકામ કે પ્રવૃતિ કરી શકાય નહીં.

રેલવે તંત્રએ કુલ ત્રણ રૂટને ઈલેકટ્રીક બ્રોડગેજ કરવા અંગે દરખાસ્ત મુકી છે. જેમાં વિસાવદર-કોડીનાર, ખીજડીયા-અમરેલી-ધારી, જૂનાગઢ-વિસાવદર રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ રૂટ ઈકો સેન્સીટીવ ઝોનમાંથી પસાર થતાં હોય સાવજો માટે અભ્યારણમાં અસલામતી ઉભી થાય તેવું નિષ્ણાંતોનું માનવું છે. એસબીડલબ્યુએલના અમૂક સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખીત રજૂઆત કરતા કહ્યું છે કે, સાંસણ ગિર વિસ્તારમાં અગાઉથી જ ઘણી ટ્રેનો કાર્યરત છે જેથી નવી ટ્રેન કે ઈલેકટ્રીક બ્રોડગેજની જરૂરીયાત હાલના તબક્કે પેસેન્જરોની સંખ્યાને ધ્યાનમાં રાખી જણાતી નથી. જેથી આ પ્રોજેકટને જંગલો અને ઈકો સેન્સીટીવ ઝોનથી દૂર રાખવું જ હિતાવહ છે.

ઈકો સેન્સીટીવ ઝોન સાંસણ ગિર અભ્યારણ સાવજોના નિવાસ સ્થાન છે. સમગ્ર વિશ્ર્વમાં સાંસણ ગિરને સાવજોની ડણક માટે ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી સાવજોની સંખ્યામાં વધારો કરવા તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે તેવા સમયે આ પ્રકારના પ્રોજેકટ સાવજોની સુરક્ષા ઉપર પ્રશ્ર્નાર્થ ચીન્હ મુકી દેશે.