પેપર ખોલાવીને યુનિવર્સિટી નેકના ‘માર્કસ’ મેળવી શકશે?

રીસર્ચને ઈનોવેશનનું સ્વરૂપ આપવું, પરીક્ષાના પ્રશ્ર્નપત્ર ઓનલાઈન મોકલવા અને યુનિવર્સિટી

લેવલે  ફીડબેક સિસ્ટમ સહિતના મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેકમાં ફરી અપીલ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે મંગળવારનો દિવસ જાણે અમંગળ સાબીત થયો હોય તેમ નેકની ટીમે એ માંથી સીધો જ બી-ગ્રેડ આપ્યો છે. ત્યારે હવે યુનિવર્સિટી પ્રગતિ કરવાના બદલે નીચે પટકાઈ છે. જો કે શૈક્ષણિક ક્ષેત્રે યુનિવર્સિટીનું શાનદાર પ્રદર્શન છતાં પણ બી-ગ્રેડ મળતા સમગ્ર શિક્ષણ જગતમાં સોંપો પડી ગયો છે. ત્યારે હવે વધુ માર્ક મેળવવાની આશાએ યુનિવર્સિટી નેકમાં ફરી અપીલ કરવા જઈ રહી છે. જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કેટી આવ્યા બાદ પેપર ખોલાવતા હોય છે તેમ હવે યુનિવર્સિટી પણ નેકમાં પેપર ખોલાવી ‘માર્ક’ મેળવી શકશે? નેશનલ એસેસ્મેન્ટ એન્ડ એક્રેડીએશન કાઉન્સીલ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન થયેલી શૈક્ષણિક પ્રવૃતિઓના મુલ્યાંકન માટે ૭૦ ટકા ઓનલાઈન ચકાસણી તો અગાઉથી જ થઈ ગઈ હતી. જો કે, ૩૦ ટકા ઓફલાઈન મુલ્યાંકન માટે ગત અઠવાડિયે નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રૂબરૂ આવી હતી અને ઈન્સ્પેકશન કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ એસએસઆર રીપોર્ટમાં ૭૦૦ માંથી ૫૫૦ માર્કસ મળે તેવો દાવો કર્યો હતો. જો કે આ વાતમાં સત્તાધીશોના તમામ દાવાઓ પોકળ સાબીત થયા છે અને ૭૦૦ માંથી માત્ર ૨૦૦ માર્કસ જ મળ્યા છે. ત્યારે હવે યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે કે, એસએસઆર રીપોર્ટમાં નેકની ટીમના અનેક સુચનો આવ્યા છે. જેમાં હવે અમને અસંતોષ લાગી રહ્યો છે. જો કે, નેકની ટીમે કરેલા રીપોર્ટીંગમાં કોઈ શંકાને સ્થાન નથી. આ મુલ્યાંકનમાં વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ સુધીનું હતું. એટલે ઘણી એવી વાતો છે જે ૨૦૧૯ થી અમલમાં આવી છે. જેમાં રીસર્ચ અને ઈનોવેશનનું સ્વરૂપ આપવું તેમજ પરીક્ષાના પ્રશ્ર્નપત્ર ઓનલાઈન મોકલવા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેવલે ફીડબેક સીસ્ટમ તૈયાર કરવી. આ તમામ બાબતોને લઈને ક્યાંકને ક્યાંક બી-ગ્રેડ મળ્યો છે. જો કે વર્ષ ૨૦૧૯ બાદની વાત કરીએ તો રીસર્ચને ઈનોવેશન પણ અપાઈ રહ્યું છે અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિદ ડિપાર્ટમેન્ટમાં ફીડબેક સીસ્ટમ પણ ચાલી રહી છે. આ મુદ્દે અમે ફરી નેકમાં અપીલ કરવાના છીએ.

જો આ અપીલ માન્ય રહેશે તો ચોક્કસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બી માંથી બી-પ્લસ ગ્રેડ મળશે તેવી ખાતરી છે અને આ વખતથી જ નેકના માપદંડો બદલાયા છે. જેની અસર દેખાય છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી દિવસોમાં મહેનત ચાલુ રાખશે અને નેકના જે કંઈ સુચનો છે તેના ધ્યાને ચાલવાની કોશીષ કરશે.

નૈતિક જવાબદારી સ્વીકારી અશોક ડાંગરની જેમ ગીરીશ ભીમાણી પણ રાજીનામુ આપશે ?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટની ૭૨ માંથી ૬૮ બેઠક પર કોંગ્રેસની કારમી હાર થતાં નૈતિક જવાબદારી સ્વીકારી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે રાજીનામુ ધરી દીધું હતું તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પણ ગઈકાલે નાક કપાઈ જતાં આઈક્યુએસસી સેલના વડા અને સિન્ડીકેટ સભ્ય ડો.ગીરીશ ભીમાણી પણ રાજીનામુ ધરશે? મંગળવારનો દિવસ યુનિવર્સિટી માટે અમંગળ સાબીત થયો હતો અને બી-ગ્રેડ મળતા યુનિવર્સિટીના શિક્ષણ જગતમાં અનેક તર્ક-વિતર્ક સામે આવી રહ્યાં છે.  જેમાં એક વાત એવી પણ સામે આવી રહી છે કે, યુનિવર્સિટીના સત્તાધીશોના અંદરો-અંદરના ડખ્ખાને લઈ આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેક સમક્ષ કાચી પડી છે. આઈકયુએસસીની ટીમમાં બિનઅનુભવી લોકોને લેવામાં આવતા એવું પણ ચર્ચાય રહ્યું છે કે, જો જૂના અને અનુભવી લોકોને સ્થાન આપવામાં આવ્યું હોત તો કદાચ એ-ગ્રેડ બચ્યો હોત. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી-ગ્રેડ આવતા આઈક્યુએસસી સેલના વડાના પદેથી ડો.ગીરીશ ભીમાણી રાજીનામું આપશે કે કેમ ? તેવી ચર્ચા ચાલી રહી છે.