સોશિયલ મીડિયા પર ફ્રી સ્પીચના નામે ઉપદ્રવ મચાવનારા ‘મચ્છરિયા’ઓ પર લગામ લાગશે??

‘વાણી સ્વતંત્રતા અને વિચારોની અભિવ્યકિત’ના મૂળભૂત અધિકારના બહાના હેઠળ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર થતી આપત્તીજનક પ્રવૃતિઓ ઉપર રોક લગાવવા સરકારના પ્રયાસો

આજના ર૧મી સદીના સમયમાં અત્યાધુનિક ઉપકરણોનો ઉ૫યોગ ખૂબ વઘ્યો છે. તેમાં પણ મોબાઇલ ફોન, ટેબ વગેરેનો ઉ૫યોગ અને તેની સાથે સોશ્યલ મિડીયાનો વ્યાપ-વિસ્તાર ખુબ વઘ્યો છે. ફેસબુક, વોટસએપ, યુ ટયુબ, ટવિટર જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જાણે એક અલગ જ ‘ઇ-હાઉસ’ ઊભું કર્યુ હોય, તેમ યુઝર્સ રાત-દિવસ રચ્યા પચ્યા રહે છે. આ માઘ્યમોની ‘સિકકાની બે બાજુ’ ની જેમ લાભ અને નુકશાન એમ બન્ને છે પરંતુ તાજેતરના ઘણા એવા બનાવો બન્યા છે જેના દ્વારા સાબિત થાય છે કે, સોશ્યલ મિડિયાના ફાયદા કરતા તેનો ગેરઉપયોગ વધારે થઇ રહ્યો છે. ફેસબુક, વોટસએપ, ટવિટર, ઇન્સ્ટ્રાગ્રામ પર લોકો ‘બેફામ વાણી’નો ઉપયોગ કરી એકબીજાને ટ્રોલ કરે છે તો અફવા અને ખોટા સમાચારના કારણે દેશમાં હિંસક અથડામણોના બનાવો પણ બન્યાં છે. આ તમામ ગતિવિધીઓ પર રોક લગાવવા સરકારે કવાયત હાથ ધરી છે. આ સમસ્યા માત્ર ભારતમાં જ નહિ પણ અમેરિકા સહિતના વિવિધ દેશોમાં પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ યુઝર્સના ડેટા સુરક્ષાને લઇને પણ મોટા પ્રશ્ર્નો ઉભા થયા છે આ બાબતે અમેરિકી સંસદે ઘણીવાર ફેસબુકના સીઇઓ માર્કઝુકરબર્ગને સમન્સ પાઠવ્યું છે. અને મુલાકાત કરી ચર્ચા કરી છે. સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર ‘વાણી સ્વતંત્રતા અને વિચારોની અભિવ્યકિત’ નો મુદ્દો હાલ ચર્ચાસ્પદ બન્યો છે. ફ્રી સ્પીચ એટલે કે ‘વાણીની સ્વતંત્રતા ’ના નામે ઘણાં યુઝર્સ ઉપદ્રવ મચાવી રહ્યાં છે. આવા ‘મચ્છરિયાઓ’ ઉપર હવે, લગામ લાગશે કે કેમ?? આ માટે સરકાર વિચારણાં કરી રહી છે.

‘વાણી સ્વતંત્રતા અને વિચારોની અભિવ્યકિત’એ ભારતીય બંધારણમાં કલમ ૧૯ (૧) હેઠળ વર્ણિત મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકાર એટલે એવા નાગરીક અધિકાર કે જેને ખુદ સરકાર પણ છીનવી શકતી નથી. નાગરીકોના આ મૂળભૂત અધિકારોનું રક્ષણ દેશની સર્વોચ્ચ અધિકારના નામે સોશ્યલ મીડિયા પર ‘મચ્છરિયા’ઓ આપત્તિજનક ટીપ્પણીઓ કરી ઉપદ્રવ મચાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આને લઇ કેરલમાં ભારે ઉહાપોહ મચી ગઇ હતી. સોશ્યલ મીડિયા ઉપર થતી અપમાનજનક ટીપ્પણીને રોકવા કેરળ સરકારે પોલીસ અકેટમાં સંશોધન કરી વટહુકમ જારી કર્યો હતો. જેની સામે વિરોધવંટોળ ઉભો થયો હતો. અને સ્થાનીક લોકોનું કહેવું હતું કે, આ સંરોધનથી લોકોના ફ્રી સ્પીચના મૂળભૂત અધિકારનું હનન થશે તો બીજી તરફ કેરળના પોલીસકર્મીઓને વધારાની સત્તા મળતા તેઓ ‘બેફામ’ રીતે કાર્યવાહી કરે તેનો પણ ભય ઉભો થશે. વિરોધકર્તાઓ ઉપરાંત વિપક્ષોએ આક્ષેપ મૂકયો હતો કે: સરકાર વિરોધી લોકોને દંડશે, જે લોકો તંત્રની કામગીરી વિરુઘ્ધ અવાજ ઉઠાવશે તેને ખોટી રીતે કનડગત કરી અવાજ દબાવવાનો પ્રયાસ કરાશે. આ વિરોધના કારણે કેરળના રાજયપાલ આરીફ મોહમ્મદખાને બે દિવસમાં જ વટહુકમ પાછો ખેંચી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, છ વર્ષ પહેલા સોશ્યલ મીડિયા પર ટીપ્પણીને લઇ કડક કાયદો હતો. જેમાં આપતિજનક ટીપ્પણી વિરુઘ્ધ યુઝર્સ પર માનહાનિનો દાવો કરી કાનુની કાર્યવાહી કરાતી પરંતુ વર્ષ ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો અને ફ્રી સ્પીચ ઉપર રહેલી ‘લગામ’ને મૂળભૂત અધિકારનું હનન ગણાવી હટાવી દીધી, આથી જ હાલમાં સોશ્યલ મીડીયા પર ટીપ્પણીને લઇ કોઇ કેસ દર્જ થઇ શકતો નથી પરંતુ આ અધિકારોનો કેટલાંક યુઝર્સ ગેરઉપયોગ કરી રહ્યા છે તેની માટે કાયદો ઘડવો જરુરી બન્યું છે.

તાજેતરમાં સોશ્યલ મીડિયા થકી મહિલા અને બાળ જાતિય સતામણીના કિસ્સાઓ વધી રહ્યાં છે જેની પર રોક લગાવવી અનિવાર્ય બન્યું છે. તેમ આ અંગે વાતચીત કરતાં પોલીસી ડાયરેકટર રમણજીત સિંધ શીમાએ જણાવ્યું હતું વોટસએપ દ્વારા ફેલાતી ખોટી માહીતીના કારણે ઘણા હિંસક દેખાવો થયેલા જે નવા ટેક ફીચર્સથી હાલ નિયંત્રણમાં છે.