Abtak Media Google News

કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા દિગ્ગજ ટ્વીટર વચ્ચેનો વિવાદ વકરી રહ્યો છે. ભારત સરકારે નવા આઈટી નિયમોના પાલન માટે ટ્વીટરને અંતિમ નોટિસ આપતાં ચેતવણી આપી છે કે ટ્વીટર નવા આઈટી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેણે પરિણામ ભોગવવા પડશે. આઈટી મંત્રાલયે જણાવ્યું હતું કે, ટ્વીટર દ્વારા નવા નિયમોના અમલનો ઈનકાર દર્શાવે છે કે માઈક્રોબ્લોકિંગ સાઈટમાં તેના પ્લેટફોર્મ પર ભારતના લોકો માટે સલામત અનુભવ પૂરો પાડવા કટિબદ્ધતાનો અભાવ છે.

આઈટી મંત્રી રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં આઈટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે શુક્રવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સરકારે જણાવ્યું હતું કે ટ્વીટરને નવા આઈટી નિયમોના પાલન માટે અંતિમ નોટિસ આપી દેવાઈ છે. નવા આઈટી કાયદાઓનું પાલન નહીં થાય કો ટ્વીટરને આઈટી કાયદા ૨૦૦૦ની કલમ ૭૯ હેઠળ અપાયેલી છૂટ પાચી ખેંચી લેવાશે અને ટ્વીટરે આઈટી એક્ટ તથા અન્ય દંડાત્મક જોગવાઈઓ હેટળ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.

ટ્વીટર નવા આઈટી નિયમોનું પાલન કરે, નહીં તો પરિણામ ભોગવે : કેન્દ્ર

આઈટી મંત્રાલયે જણાવ્યું કે આ નિયમો ૨૬મી મે ૨૦૨૧થી અમલી બની ગયા છે, પરંતુ સદ્ભાવના હેઠળ ટ્વીટર ઈન્ક.ને એક અંતિમ નોટિસ મારફત નિયમોનું પાલન કરવાની તક અપાઈ છે. તેણે તાત્કાલિક નિયમોનું પાલન કરવું પડશે. તે તેમાં નિષ્ફળ રહેશે તો તેને કાયદા હેઠળ જે છૂટ અપાઈ છે, તે પાછી ખેંચી લેવાશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં એક દાયકા કરતાં વધુ સમયથી કામ કરતી હોવા છતાં એ માનવું મુશ્કેલ છે કે ટ્વીટર ઈન્ક.એ ભારતના લોકોને તેના પ્લેટફોર્મ પર પોતાના મુદ્દાઓનો યોગ્ય સમયમાં અને પારદર્શી રીતે યોગ્ય પ્રક્રિયા હેઠળ ઉકેલવામાં મદદ મળે એવી સિસ્ટમ વિકસાવવાનો ઈનકાર કરી દીધો છે. જોકે, નોટિસમાં એ નથી જણાવાયું કે ટ્વીટરે આ નિયમોનું પાલન કેટલા સમયમાં કરવાનું છે.

આઈટી મંત્રાલયે તેની નોટિસમાં નોંધ્યું છે કે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ભારત ટ્વીટર ઈન્ક.ના પેરન્ટ દેશ એટલે કે અમેરિકાની બહારના વિશ્વમાં માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મને ખૂબ જ ઉમળકાભેર વધાવી લેનારા સૌપ્રથમ દેશોમાંનો એક હતો. આ પ્લેટફોર્મ પર અપશબ્દોનો ભોગ બનનારા અથવા બદનામ થતા અથવા જાતીય સતામણીનો ભોગ બનતા અથવા અન્ય દુર્ભાવનાપ્રેરક કન્ટેન્ટનો ભોગ બનતા યુઝર્સને તેમની સમસ્યાઓના ઉકેલ માટે એક એવી સિસ્ટમ મળવી જોઈએ, જે કાયદાની પ્રક્રિયા મારફત ભારતના લોકો દ્વારા વિકસાવાયેલી હોય. ટ્વીટરનો ઉપયોગ કરતાં ભારતીયોને તેમની ફરિયાદો અને વિવાદોના ઉકેલ માટે યોગ્ય અને પારદર્શી સિસ્ટમ મળવી જ જોઈએ. મંત્રાલયે તેની નોટિસમાં કહ્યું છે કે ભારતના કાયદા દ્વારા ફરજ પડાઈ હોય તેવી સિસ્ટમ વિકસાવવાનો ટ્વીટર ઈન્ક. દ્વારા ઈનકાર કરવો તે શરમજનક છે.

ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે, ટ્વીટરે તેના પત્રમાં નવા આઈટી નિયમોનો અમલ ક્યારથી કરાશે તે સંદર્ભમાં કોઈ સ્પષ્ટતા કરી નથી. તેના પ્રતિભાવથી એ સ્પષ્ટ થાય છે કે ટ્વીટરે નવા નિયમ હેઠળ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની વિગતો અંગે હજી સુધી કોઈ માહિતી આપી નથી. ઉપરાંત નવા કાયદામાં દર્શાવ્યા મુજબ ભારતમાં ટ્વીટર ઈન્ક.નો કર્મચારી ન હોય તેવા કંપની દ્વારા નોમિનેટ નોડલ સંપર્ક વ્યક્તિ અને સ્થાનિક ફરિયાદ અધિકારી અંગે પણ કોઈ માહિતી અપાઈ નથી. ટ્વીટર ઈન્કે. વિવાદોના ઉકેલ માટે જેનું સરનામું આપ્યું છે તે ભારતમાં કાયદાની કંપની છે, જે કાયદાને અનુરૃપ નથી. સરકારના ડેટા મુજબ ભારતમાં ટ્વીટરના ૧.૭૫ કરોડ યુઝર્સ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.