Abtak Media Google News
  • હાલમાં પણ યોગીઓ છે જ; પરંતુ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ તે ન્યાયે દર્શન થાય છે !
  •  અતીન્દ્રિય શકિત-બાપા સીતારામ

સમાજમાં યોગીઓ અને સિધ્ધપુરૂષો વિષે ઘણી વાતો સાંભળવામાં આવે છે. જેમકે શ્રીમદ જગતગુરૂ આદિશંકરાચાર્યજીએ ‘પરકાયા-પ્રવેશ’ કર્યો હતો. આવી શકિતઓ અને સિધ્ધિઓ હોવાનું અસંભવ છે. એમ કહીને આપણે તેની ઉપેક્ષા કરી શકીએ નહી. હાલમાં પણ આપણા દેશમાં નાના-મોટા ઘણા સાધકો છે જેઓ પ્રસંગોપાત નાની મોટી યોગક્રિયા શકિતથી અદભૂત કાર્યો કરતા આપણે આશ્ર્ચર્ય  ચકિત થઈ જઈએ છીએ.

સ્વામી વિદ્યાનંદજી જયારે તિબેટ કૈલાસ માનસરોવરની યાત્રાએ હતા ત્યારે તેમણે કેટલાક ચમત્કારી મહાત્માઓના દર્શન કરેલા. તેઓ લખે છે કે એક યોગી મે દૂરથી છાપુ બતાવતા તેઓ છાપુ વાંચ્યા સિવાય જ  છાપાની અંદરની  અક્ષરસ: સંપૂર્ણ હકિકત કહી સંભળાવી હતી!

શું વર્તમાનક્ાળમાં પણ યોગીઓનું અસ્તિત્વ હશે? એવો પ્રશ્ર્ન ધર્મ અને યોગાસાધનામાં અભિરૂચી રાખનાર વ્યકિતને થાય જ, શાસ્ત્રો કહે છે પવિત્ર હીમાલયની ગિરીકંદરાઓ તથા સિધ્ધક્ષેત્રોેમાં દીર્ધકાળથી તપસ્યા કરતા યોગી મહાત્માઓના દર્શન થતા રહે છે. જે નસિબદાર વ્યકિતઓને જે પવિત્ર આત્માઓનાં દર્શન થયા છે. તેમણે તેમના પ્રવાસયાત્રાના લેખોમાં તે વિશે અવશ્ય  ઉલ્લેખ કરેલો જ છે કે હિમાલય, નીલગીરી, મહેન્દ્ર પર્વત, વિંધ્ય પ્રદેશ, ગીરનાર, સહયાદ્રી , અરવલ્લી (આબુ) પાવાગઢ વિગેરે યોગ સાધના ક્ષેત્રોમાં સ્થૂળ કે સુક્ષ્મ દેહે નિવાસ કરતા કે વિચરણ કરતા યોગીઓ કે સિધ્ધ પુરૂષોના દર્શન યોગ્ય કે લાયક સાધકોને થતા રહે છે.

દા.ત. અંગ્રેજોનાં સમયમાં પર્યટક ‘હેનિંગ બર્નર’ને અમૃતસરમાં, શિખ મહારાજા રણજીતસિંહના સમયમાં લાહોરમાં અંગ્રેજી જનરલ વેટમ તથા કેપ્ટન વેડને પણ અનુભવ લાભ મળેલો કલકતામાં એક જગ્યાએ સ્થળનાં ખોદકામ દરમ્યાન એક સમાધિસ્થ યોગી મળેલા, જેમને બીજા સિધ્ધ પુરૂષ દ્વારા ધ્યાનમાંથી જાગૃત કરવામાં આવેલા ઈ.સ. 1952માં મી. જીરાર્ડ ગેરરીનામના વિદેશીને હીમાલયમાં રસ્તો ભૂલી જતા અતી ઠંડી અને બરફ વચ્ચે એક યોગીએ તેમને બચાવેલા અને તેમને ગંતવ્ય સ્થાને પહોચાડેલા ! એક ઈસાઈ પાદરી સુંદરસીંગ નામની વ્યકિતને   પણ માનસરોવરમાં એક સિધ્ધ યોગીના દર્શન થયેલા તેમને આ સિધ્ધપુરૂષે તેમના ધર્મગ્રંથ બાઈબલને સંપૂર્ણ સમજાવ્યું હતુ !

મને જીવન દરમ્યાન ખાસ પોલીસદળની ફરજ દરમ્યાન જે અગમ્ય અગોચર અને દિવ્ય અનુભવો થયા તે રજૂ કરવા નમ્ર પ્રયાસ કરૂ છું જેની શરૂઆત મારા વતનથી કરૂ છું.

બગદાણા (જી.ભાવનગર)ના મહાન સંત શ્રી  બજરંગદાસ બાપુ જેમને લોકો બાપા-સીતારામ તરીકે પણ ઓળખે છે તેમના જીવન દરમ્યાન તે લોકોને અઢળક ચમત્ક્ારો જોવા મળેલા જેની ચર્ચા હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકમુખે થતી હોય છે.

મને પોતાને જે જાત અનુભવ થયો તે અહિં હું રજૂ કરૂ છું ત્યારે હું વરતેજ પ્રાથમિક શાળામાં સાતમાં ધોરણમાં ભણતો હતો એક દિવસ મિત્રોએ કહ્યું કે આજે વરતેજ પોલીસ સ્ટેશનમાં ફોજદાર જાડેજા સાહેબ સંત શ્રી બજરંગદાસ બાપુને તેડાવ્યા છે. અને  અત્યારે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. સાંજે  સત્યનારાયણ ભગવાનની કથા, પ્રસાદ જમણવારનો કાર્યક્રમ અને પછી ભજન સંતવાણીનો કાર્યક્રમ અને બાપુ રાત્રે રોકાવાના છે.

ગામડામાં બાળકોને  તો આવા કાર્યક્રમોમાં ખૂબ મઝા આવી જતી હોય છે. આથી હું પણ બીજા મિત્રો સાથે ઘાંચીવાડામાં પોલીસ સ્ટેશનમાં આવ્યો વરતે જ નું તે સમયનું પોલીસ સ્ટેશનનું મકાન રાજાશાહી વખતનું મોટા બંધ કિલ્લા જેવું, વિશાળ લાકડાનો ડેલો (દરવાજો) અંદર દાખલ થતા બંને તરફ ગડેરા જેમાં પશ્ર્ચિમ બાજુના ગડેરામાં લોકઅપ જેને અમે જેલ કહેતા તે  હતી પછી દાખલ થતા મોટુ ફળીયું જમણી તરફ પોલીસ બેરેજ જે એકલા પોલીસ (કુંવારા) સ્ટાફને રહેવાની ઓરડીઓ ંહતી સામેના  ભાગે ગેરેજ અને મુદામાલનો વિભાગ હતો. ડાબી બાજુ પોલીસ સ્ટેશનની ઓસરી અને જુદા જુદા ઓરડાઓ ઓફિસ માટે હતા તેમજ ગેરેજની પશ્ર્ચિમે પોલીસ સ્ટેશન ઓંસરીની સામેના ભાગે પશુ દવાખાનું જેને હવે વેટરનરી  હોસ્પિટલ કહે છે તે હતુ  તથા તેની ઓફીસ હતી.

ઉનાળાનાં દિવસો હોય અને સાંજનો સમય ફળીયામાંજ. ઢોલિયો ઢાળીને  બાપુને બેસાડેલા ત્યાં ગામ લોકો   બાપુના દર્શન કરતા જતા હતા. હું પણ ત્યાં જઈ પૂ. બાપુને પગે લાગ્યો આશિર્વાદ લઈ બહાર જઈ રમતા હતા કેમકે  આજે કથા પુરી થયા પછી પ્રસાદ અહિં જ લેવાનો હતો.

પોલીસ સ્ટેશનની ઓંસરીમાં ભૂદેવ સત્યનારાયણ ભગવાનની કથા વાંચી  રહ્યા હતા. પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશનના ડેલા પાછળ એક વાડી હતી. તેના ઢાળીયામાં પ્રસાદ બનાવી રહ્યા હતા કેટલાક પોલીસ જવાનો વાડીના ઢાળીયામાં થઈ ડેલા આગળ આવી પોલીસ સ્ટેશનમાં અવર જવર કરતા હતા આ ડેલાને અડીને જ વાડીનો ઝાંપો હતો તેમાં દાખલ થઈ થોડુ ચાલતા ડાબી બાજુ એક વખંભર પાણી વગરનો ઉંડો કુવો હતો અને તેને અડીને જ પોલીસ  સ્ટેશનની બેરેકની દિવાલ હતી તે પછી થોડે દૂર પોલીસ ગેરેજની દિવાલ તરફ વાડીનું ઢાળીયું હત તેમાં પ્રસંગ માટેનો પ્રસાદ તૈયાર  થતો હતો. પરંતુ અહિં ઢાળીયામાં જે વાડીમાં શું ચાલે છે તે પોલીસ સ્ટેશનમાં કાંઈ ખબર પડે નહી વળી સાંજ ઢળી ને અંધારૂ થઈ ગયું હતુ અને ઢાળીયા વાળાને પણ પોલીસ  સ્ટેશનમાં કે ડેલા તરફના રસ્તે શું થાય છે તે ખબ પડે નહિ.

સત્યનારાયણ ભગવાનની કથા પુરી થઈ પ્રસાદ માટેનો  બાળકોની  રાહ જોવાનો અંત આવ્યો બાળકો લોકોને પ્રસાદ અપાઈ ગયો પછી ફોજદાર સાહેબે બાપુને પ્રસાદ લેવા પધારવાનું કહેતા ઢોલીયા ઉપરથી ઉભા થઈ પ્રસાદ લેવા પોલીસ સ્ટેશન ઓફીસમાંં જવાને બદલે  સીધા બહાર આવી ડેલા પાસે જ ઉભેલી બાપુની કાર પાસે ઉભા રહી ગયા તે સમયે એવું હતુ કે કોઈ પૂ. બાપુને કાંઈ પુછી શકતુ નહિ.  ફોજદાર જાડેજા સાહેબે પણ બાપુની પાછલ પાછળ આવ્યા કારનો  દરવાજો ખોલ્યો છતા બાપુ કારમાં બેઠા નહી અમે બાળકો દૂર ઉભા ઉભા આ દ્રશ્ય  જોતા હતા. અડધો એક કલાક પછી બાપુકારમાં બેસી ગયા અને કાર બગદાણા જવા રવાના થઈ.

ત્યાર પછી તો બાકીનો જમણવાર પણ પૂરો થયો અને સંતવાણી ભજનોનો કાર્યક્રમ પણ ચાલુ થયો અને કાર્યક્રમ દરમ્યાન જ એવી ચર્ચા થતી હતી કે પોલીસ કોન્સ્ટેબલ કાસમ કે જે કાર્યક્રમમાં ખૂબ સક્રિય ભાગ લેતો હતો. અને પોલીસ સ્ટેશન તથા વાડીમા ઢાળીયામાં રસોડામાં સતત અવર જવર કરતો હતો તે કયાંય દેખાતો નથી તે પ્રસાદ લેવામા પણ નહતો અને ઘેર પણ નથી કાર્યક્રમ પૂરો થયા છતા તે  દેખાયો નહી, પરંતુ આ તો પોલીસ દળ કયાંક ગયો હશે માની વાત પુરી થઈ.

પરંતુ સતત બે દિવસ સુધી કોન્સ્ટેબલ કાસમ ગુમ જ રહ્યો આથી તેના કુટુંબીજનોએ ત્રિજે દિવસે કાસમની ગુમસુદા જાહેરાત કરી પોલીસ દળ ધંધે લાગ્યું એક અઠવાડીયા સુધી પોલીસ તપાસ  સગાવહાલામાં તપાસ કરતા પણ કાસમનો  કોઈ પત્તો લાગ્યો નહીં. એક દિવસ ઢાળીયાવાળી વાડીનાં માલીકે પોલીસ સ્ટેશનમાં જાહેરાત કરી કે જે બંધ અવાવરૂ કુવો જે ઢાળીયા અને પોલીસ સ્ટેશનના ડેલા વચ્ચે આવેલો છે. તેમાંથી ખૂબ દુર્ગંધ આવે છે.

આથી પોલીસે અંધારિયા કુવામાં તપાસ કરતા તળીયે ભેખડ નીચે દડીને ચાલી ગયેલ કાસમની લાશ મળી આવી આથી ફોજદાર જાડેજા સાહેબે બનાવ વાળી જગ્યા જોતા કુવો પાળીવાળો અને રસ્તાથી દૂર હતો તેથી કોઈ તેમાં અકસ્માતે પડી જાય તેમ ન હતુ ફોજદાર સાહેબને ખબર હતી કે કોન્સ્ટેબલ કાસમ ને જમાદાર કરમશી સાથે વાંધો તકરાર ચાલતી હતી. આથી ફોજદારે જમાદાર કરમશીને પૂછપરછ કરતા  આતો   કાયદાનો જાણકાર ઘાઘસ જમાદાર એમ સીધો જવાબ આપે નહી. આથી જાડેજા સાહેબે તે જમાનાની ફોજદારી રીતે ટાઈટ પુછપરછ કરતા તે પોપટ બની  ગયેલો અને  જણાવ્યું કે ‘સત્નારાયણ ભગવાનની કથા ચાલુ હતી ત્યારે  કાસમ પોલીસ સ્ટેશનથી રસોડામાં વારંવાર  આવતો જતો હતો ત્યાર અંધારૂ થતા મેં લાગ જોઈ બાકીનો  સ્ટાફ ઢાળીયા રસોડામાં કામ  કરતો હતો ત્યારે કાસમને ડેલા તરફ જતા જ મેં કુવા પાસે જઈ મારામારી કરી કાસમને કુવામાં ધકકોમારી દીધો હતો. કોઈ જોવા વાળુ નહી હોય  હું ઢાળીયામાં આવી પ્રસાદની  કામગીરીમાં લાગી ગયેલો આથી જમાદાર કરમશીની ખૂન કેસમાં ધરપકડ થઈ.જયારે પૂ. બાપુ બજરંગદાસજી  છેક, બગદાણાથી વરતેજ કથા, પ્રસાદ અને ભજનના કાર્યક્રમમાં આવેલા છતા હજુ કાર્યકમ પૂરો થયો નહતો તેમ છતાં પ્રસાદ લીધા વગર કેમ જતા રહ્યા હશે? તેવો મને જે તે સમયે મનમાં પ્રશ્ર્ન ઉદભવેલો તે પ્રશ્ર્નનો  જવાબ મને પોતાને જ  મનોમન ત્યારે મળેલો કે જયારે કરમશી જમાદારની કાસમના ખૂન કેસમાં ધરપકડ થઈ ! ભલે બાપુ બેઠા હતા તે જગ્યા અને કુવા વાળી જગ્યા વચ્ચે બેરેક અને દિવાલ હતી પરંતુ બાપુને પોતાની અતિન્દ્રીય શકિતથી ખ્યાલ આવી ગયો કે હવે પ્રસાદ લેવા કે ભજન કરવા જેવું રહ્યું નથી. પ્રસાદ લોહીથી ખરડાયેલો છે આથી તેઓ વરતેજ થી રવાના થઈ ગયેલા લૌકિકત દ્રષ્ટિએ જે તે વખતે કે પછી  આ બનાવનો પોતાને  ખ્યાલ આવી ગયો હતો તે કહી શકે  નહિ. પરંતુ આપણે પાછળથી કરમશી જમાદારની કબુલાત પછી અતીન્દ્રીય શકિતનું અનુમાન કરી શકીએ !

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.