- નમો ડ્રોન દીદી યોજના થકી વડોદરા જિલ્લાની ત્રણ મહિલાઓને ડ્રોન ઉડાવવા સાથે મળી આત્મવિશ્વાસની પાંખો
- ડ્રોન દીદી બનવા માટે સખી મંડળો અને તેની પ્રવૃતિઓ બન્યા ‘ગેટ વે’
- જીવનમાં ક્યારેય સાયકલ પણ નથી ચલાવી, આ યોજના થકી આજે ડ્રોન પાયલોટ બની છું: નમો ડ્રોન દીદી”
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે દેશમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન આપતી મહિલાઓનું મહિમાગાનનો દિવસ. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આધુનિક કૃષિ ક્રાંતિ અને મહિલા સશક્તિકરણના નવા અધ્યાય માં જોડાયેલ મહિલા ડ્રોન દીદી વિશે વાત કરવી ઘટે.
દેશની મહિલાઓને ઊભા રહેવા માટે નક્કર આધાર, લક્ષ્ય સુધી પહોંચવા માટે સહકાર અને આભને ચૂમવા માટે પાંખો આપવાનું કામ સુપેરે થઈ રહ્યું છે. ત્યારે વડોદરા જિલ્લાની મહિલાઓ નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન દીદી બનતા તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
આર્થિક અને સામાજિક પરિસ્થિતીના કારણે મારા જીવનમાં મેં ક્યારેય સાયકલ ચલાવી નથી, આજે સરકારની નમો ડ્રોન દીદી યોજના થકી આજે ડ્રોન પાયલોટ બની છું. આ લાગણી કોઈ વડોદરા જિલ્લાની માત્ર એક મહિલાની નહીં પરંતુ સ્ત્રી સશક્તિકરણની પહેલરૂપ દેશની અનેક ડ્રોન દીદીની ભાવનાઓને વ્યક્ત કરી રહી છે.
વાત છે આજે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિઆગામ ગામના સોનલબેન વનરાજસિંહ પઢિયારની. રોજીંદા ઘરકામ સાથે ઈતર પ્રવૃતિના ભાગરૂપે તેઓ વર્ષ 2014 માં સખી મંડળમાં જોડાયા હતા. ફક્ત ધોરણ 12 ભણેલા સોનલબેને ટૂંક સમયમાં 110 જેટલા મંડળ બનાવીને શ્રેષ્ઠ કામગીરી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત તેમની ડ્રોન દીદી તરીકે પસંદગી કરવામાં આવી છે.
ડ્રોન દીદી બન્યા બાદ નેનો યુરિયાના છંટકાવ માટે સોનલબેન પઢિયારને 18 થી 20 જેટલા ઓર્ડર મળ્યા. આજ દિવસ સુધી સોનલબેને આત્મનિર્ભરતા સાથે ડ્રોનના રિમોટ કંટ્રોલ થકી 70 વિઘા જેટલી જમીનમાં નેનો યુરિયાનો છંટકાવ કરીને 8 થી 9 માસમાં 40 હજાર જેટલી કમાણી કરીને સમૃદ્ધિનો પથ અપનાવી લીધો છે.
સોનલબેન જણાવે છે કે, તેમણે ક્યારેય ઘરમાંથી રૂ.500 ની પણ લેવડદેવડ કરવાની જવાબદારી ન હતી. આજે ડ્રોન દીદી બન્યા અને સખી મંડળમાં જોડાયા બાદ લાખો રૂપિયામાં નાણાંકીય વ્યવહારો કરતા થયા છે. ફક્ત ઘરકામ કરીને પરિવાર સાથે સમય વિતાવતા સોનલબેન આજે સેંકડો લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરતા થયા છે.
બીજી તરફ વાઘોડિયા તાલુકાના વેસણીયા ગામના મહાલક્ષ્મી પરમારની પણ વાત એવીજ છે. તેમનો પરિવાર સંપૂર્ણ રીતે ખેત મજૂરી અને પશુપાલન પર આધારિત છે. ઘરકામ અને પશુપાલન કામમાં જ પોતાનો આખો દિવસ પૂરો કરી દેતા. પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે મહાલક્ષ્મીબેન વર્ષ – 2017 તેઓ સખી મંડળમાં જોડાયા.
નમો ડ્રોન દીદી મહાલક્ષ્મી જણાવે છે કે, આજે કોઈની પત્ની કે કોઈની માતા નહીં લોકો મને ડ્રોન દીદી તરીકે ઓળખતા થયા છે. આજે મારા ઘરમાં આર્થિક રીતે પગભર બનતા પરિવારના સદસ્યો પણ પ્રોત્સાહન આપી રહ્યા છે અને ગામની બીજી મહિલાઓ પણ ઘરની બહાર નીકળીને વિવિધ પ્રવૃતિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત થઈ રહી છે.
સોનલબેન અને મહાલક્ષ્મીબેન સહિત દેશની અનેક મહિલાઓ ખરા અર્થમાં સશક્તબની છે. આજે ડ્રોન દીદી તરીકે આગવી ઓળખ મેળવતા આ બહેનોને આત્મવિશ્વાસુ બનીને પોતાની ઘરની બહાર નીકળતી થઈ છે. પરિવારને આર્થિક મદદ કરીને નોંધપાત્ર યોગદાન આપી રહી છે.
અત્રે નોંધનીય છે કે, સામાન્ય રીતે ડ્રોન ટેક્નોલોજીમાં સિંગલ રોટર, મલ્ટી રોટર, ફિક્સ વિંગ અને હાઇબ્રિડ VTOL એમ ચાર પ્રકારના ડ્રોન વહેંચવામાં આવ્યા છે. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત મલ્ટી રોટર ડ્રોન ચલાવવા માટે ડ્રોન દીદીઓને ડ્રોન પાયલોટ બનવા માટેની યોગ્ય તાલીમ, માર્ગદર્શન, અને લાઇસન્સ પણ આપવામાં આવે છે. આ સાથે ખેડૂતોને ડ્રોન દીદીનો સંપર્ક કરવા માટે સ્પોન્સર કંપનીઓ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાનિર્દેશ હેઠળ મહિલા સશક્તિકરણ, કૃષિની અસરકારકતાના વિસ્તરણ, કૌશલ્યવર્ધન અને જ્ઞાનવૃદ્ધિ તથા સમુદાય અને નેટવર્કિંગ તકોના નિર્માણમાં નમો ડ્રોન દીદી યોજના ખુબજ ફળદાયી નીવડી છે. આ સાથે ડ્રોન દીદીઓ ઇનોવેશન, યોગ્યતા અને આત્મનિર્ભરતાની ચેમ્પિયન બની છે.
આજે મહિલા દિવસે ” નમો ડ્રોન દીદી” એ મહિલા સશક્તિકરણનું એક જીવંત ઉદાહરણ બની રહી છે. આ પહેલ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા સાથે તેમને ટેક્નોલોજીના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે નવી દિશાઓ ખોલવામાં પણ મદદ કરી રહી છે.