Abtak Media Google News

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર ગ્રેગ ચેપલનું માનવું છે કે ભૂતપૂર્વ ભારતીય સુકાની રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયન મગજને વાંચીને ભારતમાં તેમના દેશથી વધારે સારા પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર કર્યા. ચેપલને જોકે તે વાતનો વસવસો છે કે ઓસ્ટ્રેલિયામાં હાલમાં આવી સિસ્ટમની અછત છે જ્યારે એક સમયે ઓસ્ટ્રેલિયા સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને તૈયાર કરતું હતું. ચેપલે કહ્યું છે કે યુવાન ખેલાડીઓ તૈયાર કરવામાં ભારત અને ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને પાછળ રાખી દીધું છે.

ચેપલે ઓસ્ટ્રેલિયાની એક ક્રિકેટ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભારતે સફળતા મેળવી છે અને આવું એટલા માટે થયું છે કે રાહુલ દ્રવિડે આપણામાંથી શીખ લીધી છે. તેણે જોયું કે આપણે શું કરી રહ્યા છીએ અને ભારતમાં તેનો અમલ કર્યો અને તેમની પાસે વધારે વિકલ્પો હતા.

ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ રાહુલ દ્રવિડ બેંગાલુરૂમાં આવેલી નેશનલ ક્રિકેટ એકેડેમીનો ડાયરેક્ટર છે. તે 2016થી 2019 દરમિયાન ભારત-એ અને અંડર-19 ટીમનો મુખ્ય કોચ રહ્યો. ચેપલે જણાવ્યું છે કે ડોમેસ્ટિક માળખાના કારણે પ્રતિભાશાળી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સને પોતાની કારકિર્દીમાં મુશ્કેલી નડી શકે છે.ચેપલે જણાવ્યું હતું કે, ઈતિહાસ જોવામાં આવે તો યુવાન ખેલાડીઓ તૈયાર કરવામાં ઓસ્ટ્રેલિયા સર્વશ્રેષ્ઠ હતું. જોકે મને લાગે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં ફેરફાર થયા છે. મેં યુવાન ખેલાડીઓ જોયા છે જેમનામાં પ્રતિભા તો ઘણી બધી છે પરંતુ તેમને તક મળી રહી નથી. આ ચલાવી લેવાય નહીં.

મને લાગે છે કે પ્રતિભા શોધી કાઢવામાં અમે અમારુ સર્વશ્રેષ્ઠ સ્થાન ગુમાવી ચૂક્યા છીએ. મારા મતે હવે ઈંગ્લેન્ડ અમારાથી વધારે સારું કરી રહ્યું છે અને ભારત પણ સારું કરી રહ્યું છે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ઘણા મુખ્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા તેમ છતાં ભારતની બીજા દરજ્જાની ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર પરાજય આપીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી. સુકાની વિરાટ કોહલીએ પણ ચારમાંથી ફક્ત એક ટેસ્ટ રમી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.