નિયમો સાથે …સ્કૂલ ચલે હમ:  સતર્કતા સાથે ધો.6 થી 8ના વર્ગોનો પ્રારંભ

અબતક, રાજકોટ

32 લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેતી રાજ્યભરની 30,000થી વધારે સરકારી અને ખાનગી સ્કૂલોમાં આજથી ધો.6 થી 8ના પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત થઈ છે. જો કે આજે પ્રથમ દિવસે 50 ટકા જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગત મહિને શાળા ફરી શરૂ કરવાની તારીખ જાહેર કરી હતી. કોરોનાથી સુરક્ષા મેળવવા કડક પગલાં અને ગાઈડલાઈન અંતર્ગત સ્કૂલો ખોલવામાં આવી છે. સરકારની ગાઈડલાઈન મુજબ, સ્કૂલ પરિસરમાં હાથ ધોવાની સુવિધા અને સેનિટાઈઝ કરવા માટેના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે.

જો કે, સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં જ આવ્યું છે. ધોરણ 6થી8ના વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરાશે. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય પાલન થાય તેમજ શિક્ષકો, સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી રાખવા આવશ્યક છે. જોકે, આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે પણ હજુ ઘણી શાળાઓ આજે બંધ જોવા મળી હતી અને સોમવારથી લગભગ તમામ સ્કૂલો શરૂ થઈ જાય તેવી સંભાવના છે.

તાજેતરમાં જ રાજ્ય સરકારે સ્કૂલો અને કોલેજોમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. કોરોના સંક્રમિત વ્યક્તિને શરૂઆતના તબક્કામાં જ ઓળખવા અને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ’નો વિકલ્પ પસંદ કર્યો છે. હાલ સ્કૂલના બાળકો માટે વેક્સીન ઉપલબ્ધ નથી ત્યારે સ્કૂલમાં તેમના સ્વાસ્થ્યને મોનિટર કરવું મોટો પ્રશ્ન છે.

તાવ-ઉધરસ-શરદીના લક્ષણો ધરાવતા બાળકોને નો એન્ટ્રી: અતુલ પંડિત

નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, આજથી ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓની સ્કૂલો શરૂ થઈ છે ત્યારે 15 સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડા અંતર્ગત સભ્યો દ્વારા દરેક શાળામાં સઘન ચેકિંગ હાથ ધરી જરૂરિયાત મુજબનું માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત શાળાઓમાં જે વિદ્યાર્થીઓને શરદી-તાવ કે ઉધરસના લક્ષણો હશે તેમને હાલ પૂરતો પ્રવેશ આપવામાં આવશે નહીં. આગામી દિવસોમાં બાળકોને કોઈપણ પ્રકારના તકલીફ ન પડે અને સરળતાથી, સલામત રીતે આધુનિક ઓફલાઇન શિક્ષણ પ્રાપ્ત થઈ શકે તેવા તમામ પ્રયત્ન કરવામાં આવશે.