- આજે સપ્તાહના પ્રથમ દિવસે જ મોટી રિકવરી: લાર્જ કેપ કંપનીઓમાં એક્સિસ બેંક, અદાણી પોર્ટ, બજાજ ફિન સર્વ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, ટાટા સ્ટીલ, રીલાયન્સ અને આઈસીઆઈસીઆઈ સહિતના શેરોમાં તેજી નોેંધાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ સિઝફાયર પણ હાલ થોભી ગયું હોય ઉપરાંત ટ્રેડ વોર પણ સમાપ્ત થતા આજે શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. 11:00 વાગ્યાની સ્થિતિએ સેન્સેક્સ લગભગ 2200 પોઈન્ટ વધીને 81,650 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 600 પોઈન્ટ (2.45%)ની તેજી છે. તે 24,600ના સ્તરે છે.સેન્સેક્સના 30 માંથી 29 શેરોમાં તેજી જોવા મળી રહી છે. અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક સહિત 17 શેરોમાં 4.5% સુધીનો ઉછાળો જોવા મળ્યો. જ્યારે એકલા સન ફાર્માના શેરમાં 5.5%નો ઘટાડો થયો છે.નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેરોમાં તેજી જોવા મળી રહી છે. સેક્ટોરલ ઈન્ડેક્સમાં, રિયલ્ટી 4.71%, મેટલ 3.40%, સરકારી બેંકો 2.88%, પ્રાઈવેટ બેંકો 2.84%, ઈંઝ 2.39% અને ઓટોમાં 2.33%ની તેજી છે.
યુદ્ધવિરામ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટ્યો છે. આ બાબતને લગતા તમામ ડેવલપમેન્ટ પર રોકાણકારોની નજર રહેશે.એપ્રિલ મહિનાના રિટેલ મોંઘવારીના આંકડા 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. એપ્રિલમાં ફુગાવો 3% થી નીચે રહેવાની ધારણા છે.ગયા અઠવાડિયે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ખરીદીનો દોર ચાલુ રાખ્યો અને આ સેગમેન્ટમાં લગભગ રૂ. 5,087 કરોડની ખરીદી કરી.ભારતીય બજારમાં વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી ચાલુ છે. 8 મેના રોજ, વિદેશી રોકાણકારોએ 2,007.96 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ દરમિયાન રૂ. 596.25 કરોડના શેર વેચ્યા હતા.એપ્રિલમાં વિદેશી રોકાણકારો દ્વારા નેટ ખરીદી રૂ. 2,735.02 કરોડ રહી હતી. સ્થાનિક રોકાણકારોએ પણ મહિના દરમિયાન રૂ. 28,228.45 કરોડની નેટ ખરીદી કરી હતી
એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈમાં સામાન્ય તેજી છે. તે 37,520ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. કોરિયાનો કોસ્પી 0.41% વધીને 2,588 પર બંધ રહ્યો હતો.હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 156 પોઈન્ટ (0.68%) વધીને 23,024 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેમજ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ થોડો ઘટાડો થયા પછી 3,355 પર બંધ થયો.9 મેના રોજ, યુએસ ડાઉ જોન્સ 119 પોઈન્ટ (0.29%) ઘટીને 41,250 પર બંધ થયો. નેસ્ડેક કમ્પોઝિટ 17,929 ના સ્તર પર નજીવો વધારો સાથે બંધ થયો. એસએન્ડપી 500 ઇન્ડેક્સ પણ નજીવો ઘટાડો થયો અને 5,660 પર બંધ થયો.
ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર, 9 મે ના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 880 પોઈન્ટ (1.10%) ઘટીને 79,454 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 266 પોઈન્ટ (1.10%) ઘટીને 24,008 પર બંધ થયો હતો.
અમેરિકા અને ચીને ટ્રેડવોરમાં સંધિ સાધી
- અમેરિકા ચીન ઉપર 145 ટકાની બદલે 80 ટકા જ ટેરીફ લગાવશે: સતાવાર જાહેરાતની જોવાતી રાહ
જીનીવામાં અમેરિકા અને ચીન વચ્ચે સૌથી મોટો વેપાર કરાર થયો છે. વ્હાઇટ હાઉસે પોતે આ માહિતી આપી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સોદો વિચારણા કરતાં વહેલો થઈ ગયો છે. આ અંગેની વિગતવાર માહિતી પછીથી જાહેર કરવામાં આવશે.આ ટ્રેડ ડીલ અંગે યુએસ વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે કહ્યું કે એ સમજવું મહત્વપૂર્ણ છે કે આપણે આ કરાર પર કેટલી ઝડપથી પહોંચી શક્યા, આ પોતે જ દર્શાવે છે કે તફાવતો એટલા મોટા નહોતા જેટલા આપણે વિચાર્યા હતા. પરંતુ તેમ છતાં અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે છેલ્લા બે દિવસમાં ઘણું કામ થયું છે, ઘણું ગ્રાઉન્ડ વર્ક થયું છે.
અમેરિકા અને ચીનના પ્રતિનિધિઓ પહેલી વાર સ્વિટ્ઝર્લેન્ડમાં મળ્યા હતા, કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે 145 ટકાનો ટેરિફ બોમ્બ ફેંક્યો હતો, ત્યારથી આ બેઠક વધુ મહત્વપૂર્ણ બની ગઈ હતી.જોકે, આ વેપાર સોદા પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું વલણ નરમ પડવાનું શરૂ થઈ ગયું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ ચીન પર 80 ટકા સુધી ટેરિફ લાદી શકે છે, પરંતુ એ અલગ વાત છે કે હજુ સુધી કોઈ પણ પક્ષે આ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. અહીં સમજવા જેવી બીજી વાત એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પારસ્પરિક ટેરિફની વ્યાખ્યા કંઈક અલગ લાગે છે.
શરૂઆતમાં ચર્ચા સમાન ટેરિફ લાદવાની હતી, પરંતુ ધીમે ધીમે તે વેપાર ખાધ ઘટાડવા તરફ વળી. આ કારણોસર એવું કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખરેખર કોઈપણ દેશ પર પારસ્પરિક ટેરિફ લાદ્યા ન હતા, તેમણે ફક્ત તે દેશો સાથે વેપાર ખાધને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
યુરોપ સાથેના મુક્ત વેપારનો આજે બીજો તબક્કો: નિકાસકારો માટે “અચ્છે દિન”
- યુરોપિયન ટીમ સાથેની આ વાટાઘાટનો રાઉન્ડ 16 મે સુધી ચાલુ રહેશે, મોટી જાહેરાતો થવાની સંભાવના
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આજથી પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોનો આગામી રાઉન્ડ શરૂ થયો છે. આ કવાયતનો ઉદ્દેશ્ય વિવિધ દેશો પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ વચ્ચે કરારના પ્રથમ તબક્કાને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાનો છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે અનિશ્ચિત વૈશ્વિક વેપાર વાતાવરણ, ખાસ કરીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પગલાંને કારણે બંને પક્ષો આ સોદો બે તબક્કામાં પૂર્ણ કરવા સંમત થયા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, યુરોપિયન ટીમ 11મા રાઉન્ડની વાટાઘાટો માટે અહીં રહેશે અને આ વાતચીત 16 મે સુધી ચાલુ રહેશે.
વાટાઘાટોના પાછલા (10મા) રાઉન્ડમાં માલ, સેવાઓ, રોકાણ અને સરકારી ખરીદીમાં બજાર પ્રવેશ દરખાસ્તો જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે ગયા મહિને કહ્યું હતું કે જો વેપાર વાટાઘાટો માટે કેટલાક મુદ્દાઓ ખૂબ મહત્વપૂર્ણ નથી અને તેમાં ઘણો સમય લાગી રહ્યો છે, તો તેના બદલે મુખ્ય વેપાર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે.
તાજેતરમાં, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બ્રસેલ્સમાં યુરોપિયન કમિશનર ફોર ટ્રેડ એન્ડ ઇકોનોમિક સિક્યુરિટી મારોસ સેફકોવિક સાથે કરારની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. જે બાદ તેમણે કહ્યું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પરની વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. બંને પક્ષો સંતુલિત અને પરસ્પર ફાયદાકારક કરાર તરફ મજબૂત પ્રગતિ કરી રહ્યા છે. તે જ સમયે, સેફકોવિચે કહ્યું હતું કે યુરોપિયન ભારત સાથેની તેની ભાગીદારીને ખૂબ મહત્વ આપે છે. યુરોપિયન એક વ્યાપારી રીતે અર્થપૂર્ણ કરાર દ્વારા આને એક નવા સ્તરે લઈ જવા માટે પ્રતિબદ્ધ છે જે માલ અને સેવાઓ માટે બજારો ખોલે છે.
સેફકોવિકે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાના આ સમયગાળામાં, બંને પ્રદેશોના વ્યવસાયો તક, સુલભતા અને નિશ્ચિતતા ઇચ્છે છે. અમે આ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ગોયલે કહ્યું હતું કે ભારતની ટીમો અને 27 દેશોના આ જૂથે કરાર પર વાટાઘાટો કરી હતી. અમે 2025 ના અંત સુધીમાં વાટાઘાટો પૂર્ણ કરવાની અમારી સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.