Abtak Media Google News

સેવાસેતુ’ કાર્યક્રમનો બહિષ્કાર થતાં કૃષિમંત્રીએ ધ્વની સંદેશો વહેતો કર્યો: માર્ગ મરામત માટે રૂા.39 લાખ મંજુર

અબતક, સંજય ડાંગર, ધ્રોલ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા, જાલીયા, દેવાણી, માનસર, હમાપર તેમજ ખીજડીયા ગામોને જોડતો 17 કિ.મી.નો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય આ બાબતે લગત વિભાગના અધિકારીઓને ગ્રામજનો દ્વારા અનેક વખત કરવામાં આવેલ રજૂઆતોનો કોઇ પ્રતિભાવ મળ્યો ન હતો. આખરે માર્ગ અને મકાન મંત્રીને પણ રજૂઆતો કરવામાં આવી હતી.

પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતા ગ્રામજનો દ્વારા સરકારના સેવાસેતુ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે ‘અબતક’ સાંધ્ય દૈનિકે કૃષિમંત્રી રાઘવજી પટેલના જ વિસ્તારમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમનો બહિષ્કાર, ‘ખળભળાટ’એ હેડીંગ હેઠળ ગ્રામજનોની વેદના અને વ્યથા રજૂ કરવામાં આવી હતી.

કૃષિમંત્રીના જ વિસ્તારમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમનો બહિષ્કારનો અહેવાલ ‘અબતક’માં પ્રસિધ્ધ થતા જ ધ્રોલ સહિત જામનગર જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું. જેના પડઘા છેક ગાંધીનગર પહોંચ્યા હતા અને ફોનની ઘંટડીઓ રણકવા લાગતા આખરે મંત્રી પણ મુંજવણમાં મુકાયા હોય તેમ તાત્કાલીક અસરથી ધ્રોલ પંથકના ગ્રામ્ય વિસ્તારના આ માર્ગો માટે રૂા.39 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જેથી ઘીના ડામમાં ઘી પડ્યું રહે તેવો સરકારનો ચોક્કસ પ્રયાસ આખરે સફળ રહ્યો અને આજે માનપર ખાતે ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજવા સમાધાન સધાયુ હોવાનું જાણવા મળ્યું છે.

જો કે, ધ્રોલ તાલુકા હેઠળ પી.એમ.જી.એસ.વાય. યોજના અંતર્ગત મંજૂર થયેલ રસ્તાની મરામત કરવા જામનગર કાર્યપાલક ઇજનેર દ્વારા અગાઉ પરિપત્ર કરાયો હતો. જેના ચાર વખત ટેન્ડર પ્રક્રિયા કરાઇ પરંતુ આ ટેન્ડર ભરવા કોઇ એજન્સી તૈયાર ન થતા આ કામ ખોરંભે ચડ્યું હતું.

ધ્રોલ પંથકમાં ગ્રામ્ય વિસ્તારના 17 કિ.મી.નો આ બિસ્માર માર્ગનો પ્રશ્ર્ન ફરી લટકતો રહેતા આખરે ગ્રામજનો દ્વારા સેવાસેતુ કાર્યક્રમનો બહિષ્કારના ‘અબતક’ દ્વારા કૃષિમંત્રી રાઘવજી પટેલના વિસ્તારમાં જ સેવાસેતુ કાર્યક્રમનો બહિષ્કાર હેડીંગ હેઠળ અહેવાલે પ્રસિધ્ધ થતા જ રાજકોટ માર્ગ અને મકાન વર્તુળ-1 (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર દ્વારા જામનગર કાર્યપાલક ઇજનેરને પરિપત્ર પાઠવી તેમાં જણાવ્યું છે કે ગ્રામજનોની રજૂઆત મુજબ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલના ધ્વની સંદેશ અન્વયે અત્રેની કચેરીએ સદર રસ્તો સત્વરે રીપેર કરવા રજૂઆત કરેલ છે અને સદર રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય ટ્રાફિકની અવર-જવરમાં મુશ્કેલી પડતી હોય રસ્તાને ટ્રાફિકેબલ કરવા રૂા.39,54,300ના નકશા અંદાજે મંજૂર કરવામાં આવેલ છે.

‘ચમત્કાર વગર નમસ્કાર ન હોય’ તે કહેવતને સાર્થક થતી હોય તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.  હાલ તો સરકાર દ્વારા માર્ગ મરામત માટે રૂા.39 લાખની રકમ મંજૂર થતા આખરે ઘી ના ડામમાં ઘી પડી રહ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.