Abtak Media Google News

એર કન્ડિશનર અને એલઈડી લાઈટ સહિતના વ્હાઈટ ગુડ્સમાં ઉત્પાદન આધારિત યોજના ‘આત્મનિર્ભર ભારત’ને બળ આપશે

આત્મનિર્ભર ભારતના વિઝનની દિશામાં વધુ એક મહત્વનું પગલું ભરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળે 6238 કરોડ રૂપિયાની બજેટ ફાળવણી સાથે ઘરેલુ સામાન (એર કન્ડિશનર્સ અને એલઇડી લાઇટ્સ) માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત આ યોજના બિન પરંપરાગત ક્ષેત્રે ભારતને વૈશ્ર્વિક હબ બનાવવા મહત્વની સાબીત થશે. કેબીનેટ દ્વારા ડોમેસ્ટીક સોલાર, પીવી મોડયુલના ઉત્પાદન માટે પણ ઉત્પાદન આધારે પ્રોત્સાહન યોજનાના લાભ આપવા તૈયારી કરી છે.

પીએલઆઇ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષેત્રીય અક્ષમતાઓને દૂર કરી, મોટા પાયાના અર્થતંત્રનું નિર્માણ કરી અને ચોકસાઇની ખાતરી કરીને ભારતમાં ઉત્પાદનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે. ભારતમાં સંપૂર્ણ ઘટકો સહિતના ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં આવે અને ભારતને વૈશ્વિક પુરવઠા શૃંખલાનો એક મહત્વનો ભાગ બની શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજના વૈશ્વિક રોકાણને આકર્ષશે, મોટા પાયે રોજગારીની તકોનું નિર્માણ કરશે અને નિકાસ સંતુલિતતાને વધારશે તેવી આશા રાખવામાં આવે છે.

ઘરેલુ સામાન માટેની પીએલઆઇ યોજના એર કન્ડિશનર્સ અને એલઇડી લાઇટ્સના ઉત્પાદનમાં સંકળાયેલ કંપનીઓ માટે પાંચ વર્ષના સમય ગાળા માટે ભારતમાં ઉત્પાદિત સામાનના વૃદ્ધિશીલ વેચાણ ઉપર 4% થી 6%નું પ્રોત્સાહન પૂરું પાડશે. ઇચ્છિત ક્ષેત્રોમાં ચોક્કસપણે વૈશ્વિક રોકાણને આકર્ષિત કરવા માટે જુદા જુદા પ્રકારના ઘટકો માટે અલગથી જુદા જુદા વિભાગો નક્કી કરવામાં આવ્યા છે. આ યોજના માટે કંપનીઓની પસંદગી ઘટકો અથવા પેટા એસેમ્બલીઝના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે કે જે વર્તમાન સમયમાં પૂરતી ક્ષમતા સાથે ભારતમાં નિર્મિત નથી. ફિનિશ્ડ ઉત્પાદનોની માત્ર એસેમ્બલીને પ્રોત્સાહકો નહિ આપવામાં આવે.

જુદા જુદા લક્ષ્યાંકિત વિભાગો માટે પૂર્વ નિર્ધારિત યોગ્યતા ધરાવતી કંપનીઓ આ યોજનામાં હિસ્સો લેવા માટે પાત્ર ગણાશે. બ્રાઉન ફિલ્ડ અથવા ગ્રીન ફિલ્ડ રોકાણ કરતી કંપનીઓ માટે પ્રોત્સાહકો મુક્ત રાખવામાં આવશે. પ્રોત્સાહકો મેળવવાનો દાવો કરવા માટે આધાર વર્ષ દરમિયાન સંચિત વૃદ્ધિશીલ રોકાણ અને ઉત્પાદિત સામાનના વૃદ્ધિશીલ વેચાણમાં સામંજસ્ય હોવું જોઈશે.

ભારત સરકારની અન્ય કોઈપણ પીએલઆઇ યોજના અંતર્ગત લાભ મેળવી રહેલ એકમ આ યોજના અંતર્ગત એ જ ઉત્પાદન માટે પાત્ર નહીં ગણાય પરંતુ જે તે એકમ ભારત સરકાર અથવા રાજ્ય સરકારની અન્ય લાગુ પડતી યોજનાઓ અંતર્ગત લાભ મેળવી શકે છે. આ યોજનાને સમગ્ર ભારતમાં લાગુ થનાર યોજના તરીકે શરૂ કરવામાં આવશે અને તે કોઈ એક સ્થળ, વિસ્તાર અથવા વસ્તીના ભાગ સુધી મર્યાદિત નહિ રહે. આ યોજના વડે મોટી સંખ્યામાં એમએસએમઇ સહિત વિશાળ સંખ્યામાં વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓને લાભ થવાની શક્યતા છે.

આ યોજના એસી અને એલઇડી ઉદ્યોગો માટે વર્તમાન સમયમાં રહેલા વૃદ્ધિ દર કરતાં અનેક ગણો વધુ વૃદ્ધિ દર નોંધવા માટેનું માધ્યમ બને, ભારતમાં સંપૂર્ણ ઘટકો ઉત્પાદન કરતું ઈકો સિસ્ટમ નિર્માણ પામે અને ભારતમાં ઉત્પાદનના વૈશ્વિક વિજેતાઓનું નિર્માણ કરે તેવી આશા રાખવામાં આવે છે. તેઓએ સ્થાનિક બજારોમાં વેચાણ માટે ફરજિયાત પણે બીઆઇએસ અને બીઇઇ ગુણવત્તા માનાંકો અને વૈશ્વિક બજારો માટે લાગુ થયેલા માનાંકોને પહોંચી વળવું પડશે. તે ઇનોવેશન અને સંશોધન તેમજ વિકાસ અને ટેકનોલોજીના આધુનિકરણમાં રોકાણ તરફ પણ દોરી જશે.

એવો અંદાજો આંકવામાં આવે છે કે પાંચ વર્ષના સમય ગાળા દરમિયાન આ પીએલઆઇ યોજના 7920 કરોડ રૂપિયાના વૃદ્ધિશીલ રોકાણ, 1,68,000 કરોડ રૂપિયાની કિંમતના વૃદ્ધિશીલ ઉત્પાદન, 64,400 કરોડ રૂપિયાની કિંમતની નિકાસ તરફ દોરી જશે અને 49,300 કરોડ રૂપિયાની કિંમતની પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ આવક કમાઈને લાવશે તેમજ વધારાની ચાર લાખ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારની તકોનું નિર્માણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.