રાજકોટમાં પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટવાના ડરથી મહિલાએ આજીડેમ પોલીસ મથકમાં કરી આત્મહત્યા

પ્રેમી પર થયેલા હુમલાના બનાવ અંગે પૂછપરછ અર્થે રાત્રે લાવવામાં આવેલી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

રાજકોટના આજી ડેમ પોલીસ મથકમાં ગઈકાલે પૂછતાછ માટે લાવેલી પરિણીતાએ પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટવાના ડરે વોશરૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ડીસીપી સહિતનો સ્ટાફ પોલીસ મથકે દોડી જઇ મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથધરી હતી.મહિલાના પ્રેમી પર થોડા દિવસ પૂર્વે હુમલો થયો હતો જે બાબતે પોલીસ સ્ટાફે મહિલાને પૂછતાછ માટે બોલાવી હતી પરંતુ મોડી રાત થઈ જતાં પોતાના પ્રેમનો ભાંડો ના ફૂટે તે માટે મહિલાએ ઘરે જવાની ના પાડી હતી ને ત્યાં પોલીસ સ્ટેશન માં જ સૂઈ ગઈ હતી બાદ સવારે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

બનાવની મળતી માહિતી મુજબ ઢાંઢણી ગામે રહેતી બે સંતાનના માતા નયનાબેન પ્રફુલભાઈ કુકડીયા (ઉ.વ.35) એ આજીડેમ પોલીસ મથકમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ સ્ટાફ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી ત્રંબા ગામમાં રહેતા મુકેશ માધવજીભાઈ અઘારા (ઉ.વ.43) ઉપર ગઈકાલે ત્રંબા ગામની સીમમાં હિચકારો હુમલો થયો હતો.જેને કારણે તેને સિવિલમાં ખસેડાયો હતો. આજી ડેમ પોલીસ તેની ફરિયાદ લેવા સિવિલ પહોંચી હતી. તે વખતે ગમે તે કારણસર તેણે હુમલોખોરો અંગે માહિતી છુપાવી હતી તેવી પોલીસને શંકા છે. ત્યારે તેણે હુમલાખોર તરીકે અણીયારાના રવિનું નામ આપ્યું હતું. જો કે પોલીસે તપાસ કરતા અણીયારામાં રવિ નામનો કોઈ શખ્સ નહી હોવાની માહિતી મળી હતી. પોલીસે વધુ તપાસ કરતા મુકેશને નયનાબેન સાથે પ્રેમસંબંધ હોવાની માહિતી મળી હતી.

જેથી પોલીસ ગઈકાલે રાત્રે નયનાબેનને પુછપરછ માટે લઈ આવી હતી. પુછપરછ કર્યા બાદ તેને ઘરે જવાનું કહેતા તેના પ્રેમ સંબંધની ભાડો ફૂટી જવા ના ડરે ઘરે જવાનો ઇન્કાર કર્યો હતો. ઘરે જવાથી પતિ સાથે ઝઘડો થશે તેવો ડર લાગતો હોવાથી પોલીસ મથકમાં જ રાત્રે રોકાઈ જવાનું જણાવતા પોલીસ માની ગઈ હતી. રાત્રે તે આજી ડેમ પોલીસ મથકના બારનીશી રૂમમાં સુઈ ગઈ હતી. તેની સાથે એક મહિલા કોન્સ્ટેબલ પણ સુઈ ગયા હતા. સવારે ઉઠયા બાદ નયનાબેને વોશરૂમ જવાનું કહેતા તેને લેડીઝ વોશરૂમમાં મોકલવામાં આવી હતી. જ્યા તેને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

આ અંગે જાણ થતા ઝોન-1ના ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી સહિતના અધિકારીઓ આજી ડેમ પોલીસ મથકે દોડી ગયા હતા. સ્થળ પર જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફોરેન્સીક નિષ્ણાંત તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યું હતું.જ્યારે મુકેશ પર થયેલા હુમલા અંગે ગુનો દાખલ કરી હુમલાખોરની શોધખોળ હાથ ધરી છે.