Abtak Media Google News

ગુંથેલા ડીઝાઈનર બ્લાઉઝ અને ડ્રેસીસ, પર્સ વગેરે જેવા આકર્ષક વસ્તુ બનાવી કરે છે વેચાણ

કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી લોકમેળાનું આયોજન થઈ શક્યું નહોતું. આ વર્ષે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત લોકમેળાને કારણે અનેક ધંધાદારીઓમાં આર્થિક ઉપાર્જન કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ત્યારે મહિલાઓ પણ લોકમેળાના માધ્યમ થકી આત્મનિર્ભર થઈ શકે તે માટે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા લોકમેળામાં શક્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના દ્વારા મહિલા કારીગરો અને ઉદ્યમીઓ વસ્તુઓનું વેચાણ કરીને આર્થિક ઉપાર્જન કરી શકે.

મહિલા આર્થિક વિકાસ નિગમ 1

પોતાની માતા પાસેથી ગુંથણ કલા શીખેલાં અને ગુંથણ કલાને આર્થિક ઉપાર્જનનું માધ્યમ બનાવીને આત્મનિર્ભર બનેલાં બંગાળી મુશ્તરીબેગમ અબ્દુલ સમતે જણાવ્યું હતું કે, હું હાલ અમદાવાદમાં રહું છું. મેં મારી માતા પાસેથી ગુંથણ અને સ્ટફિંગ કલાનું કામ શીખ્યું છે. પહેલાં તો અમે ઘરે જ આ કામ કરતાં હતા. પરંતુ અમારી આ કલા થકી અમે આર્થિક રીતે પગભર બની શકીએ તેની પ્રેરણા અમને એક સમાજસેવિકા બહેન દ્વારા મળી. સમાજ સેવિકા બહેને અમને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમનો પરિચય આપ્યો અને મહિલાલક્ષી તેમની કામગીરીથી અવગત કર્યા. બસ આ જાણકારી મળતાં જ અમે વિવિધ મેળાઓમાં ભાગ લઈએ છીએ અને આર્થિક ઉપાર્જન કરી છીએ.

મહિલા આર્થિક વિકાસ નિગમ 1

રાજકોટના લોકમેળામાં મહિલાઓના સ્ટોલનું આયોજન ખુબ સારી રીતે કરવામાં આવ્યું છે. મહિલા આર્થિક વિકાસ નિગમની કામગીરી પણ પ્રશંસાને પાત્ર છે. જેમાં મહિલાઓની સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમના આ સહયોગને કારણે અમને સરળતાથી સ્ટોલ મળી જાય છે

લોકમેળામાં છૂંદણાં 2

ગ્રાહકોનો સારો પ્રતિભાવ અમને વધુ પ્રોત્સાહન પૂરૂં પાડે છે. સ્ટોલમાં આવતાં મુલાકાતીઓ – ગ્રાહકો  કલાની કદર કરીને ગુંથેલાં ડીઝાઈનર બ્લાઉઝ અને ડ્રેસીસનાં ઓર્ડર પણ આપે છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમે પણ મને એવોર્ડ આપીને સન્માનિત કરી છે.

સ્ટફડ કી ચેઈન, સ્ટફડ રમકડા, વાઘા, ઢીંગલીઓ, અવનવા પર્સવગેરે અમે બનાવીએ છીએ અને વાજબી ભાવે વેચીએ છીએ તેમજ કાયમી ગ્રાહકો પણ બંધાય છે. સરકારશ્રી દ્વારા યોજાતા આવા મેળામાંથી અમે રૂપિયા 20-30 હજાર સરળતાથી કમાઈ લઈએ છીએ. આવા મેળાના માધ્યમ થકી આત્મનિર્ભર બની શકી છું

અન્ય મહિલાઓને પ્રેરણાં આપતાં મુશ્તરીબેગમ કહ્યું હતું કે,  આજના સમયની માંગ છે કે દરેક મહિલાઓએ આર્થિક રીતે સક્ષમ બનવું જોઈએ. જે મહિલા મારી આ ગુંથણ કલાને શીખવા માંગે છે હું તેમને પણ આ કલા શીખવવા તૈયાર છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.