Women’s Day:’નારી’ જેનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસે વિકસિત અને વિકાસશીલ દેશોમાં મહિલા સશક્તિકરણની જોરશોરથી ચર્ચા કરવામાં આવે છે. ભારતમાં પણ આ દિવસ ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આમાં વિવિધ ક્ષેત્રની ઉત્કૃષ્ટ મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે. મહિલાઓના ઉત્થાન વિશે વાતો થઈ રહી છે, તેઓને તેમના હકથી વાકેફ કરવામાં આવે છે. ઉપરાંત, ઘણા મહિલા ગ્રુપ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે.

આપણાં સમાજ અને આપણાં ઘરનું અભિન્ન અંગ એટલે નારી જેના વગર આપણે એક શ્રેષ્ઠ સમાજની કલ્પના પણ ન કરી શકીએ. નાનપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી પોતાની શ્રેષ્ઠ ભૂમિકા ભજવનાર એકમાત્ર વ્યક્તિ એટલે કે, મહિલા દીકરી થઈને એક ઘરને રળિયામણું બનાવે તો એક વહુ બનીને બીજાના ઘરને શોભા આપે છે. એક મહિલા પત્ની બનીને પોતાના પતિને પોતાનું સર્વસ્વ પ્રદાન કરનારી અને એક માતા બનીને પોતાના બાળકો માટે જીવે એ છે નારી. સાસુ બનીને આખા ઘરને સાચવનારી તો દાદી અને નાની બનીને ઘરની છત પૂરી પાડનાર એ છે એક નારી. એક જ રૂપના અનેક સ્વરૂપ એ છે નારી.

મહિલા જેને સમાજનું ઘરેણું માનવામાં આવે છે. જેનો સમાજ, શિક્ષણ કે સંસ્કૃતિ એમ તમામ ક્ષેત્રે અનન્ય ફાળો રહેલો છે. એક સ્ત્રીની જીવનગાથા કોઈ સંઘર્ષથી કમ નથી હોતી. જેનાથી સૌ કોઈ જાણીતા જ હશે. એક મહિલા કોઈની પુત્રી, કોઈની પુત્ર વધુ, કોઈની બહેન તો કોઈની પત્ની અને ખાસ એક “માં”ની ભૂમિકા ભજવી પૃથ્વી પરના આ સમાજને પૂર્ણતા બક્ષે છે. આ મહિલાઓ માટેનો દિવસ એટલે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ 8મી માર્ચના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

આપણા જીવનમાં દરેક વ્યક્તિનું પોત-પોતાનું વિશેષ સ્થાન હોય છે, પરંતુ સ્ત્રીઓ આપણા જીવનમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. ક્યારેક માતા તરીકે, તો ક્યારેક બહેન તરીકે, તો ક્યારેક પત્ની તરીકે. આ દિવસે, મહિલાઓના જીવનમાં સુધારો લાવવા, તેમની જાગૃતિ વધારવા જેવા ઘણા વિષયો પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે? આ પાછળનું કારણ શું છે, તો ચાલો આપણે આ વિશે જાણીએ.

1908માં મહિલા મજૂર આંદોલનને કારણે, મહિલા દિવસની ઉજવણી કરવાની પરંપરા શરૂ થઈ. આ દિવસે 15,000 મહિલાઓએ નોકરીના સમય ઘટાડવા, વધુ પગાર અને કેટલાક અન્ય અધિકારોની માંગને લઈને ન્યૂયોર્ક સિટીમાં નિદર્શન કર્યું હતું. એક વર્ષ બાદ અમેરિકાની સોશ્યલિસ્ટ પાર્ટીએ આ દિવસને પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જાહેર કર્યો હતો.

આ રીતે મહિલા દિવસની ઉજવણીનો વિચાર આવ્યો

1910માં કોપેનહેગનમાં કામ કરતી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી, જેમાં આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવા સૂચવવામાં આવ્યું હતું અને ધીરે-ધીરે તે દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે લોકપ્રિય બન્યો. આ દિવસને 1975 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ તેને થીમ સાથે ઉજવવાનું શરૂ કર્યું હતું.