સાયન્સની કમાલ : હવે તો બસ મુરદામાં ફરી પ્રાણ ફૂંકવાનું જ બાકી રહ્યું છે!!!

સાયન્સની ખરેખર કમાલ છે. આજનું વિજ્ઞાન કયાનું ક્યાં પહોંચી ગયું છે. એક પથારીવશ વ્યક્તિને આજની આધુનિક સારવાર ઉભી કરી શકે છે. હદય તેમજ શરીરના પાર્ટ ફેરબદલ કરી શકે છે. આવું તો ઘણું થઈ શકે છે. હવે તો માત્ર મુરદામાં ફરી પ્રાણ ફૂંકવાનું કામ જ સાયન્સ કરી શકતું નથી. એ જ હવે બાકી રહ્યું છે.

અમેરિકામાં સર્જન ડોક્ટરોએ જિનેટિકલી મોડિફાઈડ ભૂંડનું હૃદય 57 વર્ષીય વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ઓપરેશન શુક્રવારે કરવામાં આવ્યું હતું. ડેવિડ બેનેટ નામના દર્દીની તબિયત ખરાબ હતી અને હવે ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મેરીલેન્ડના આ દર્દીએ સર્જરી પહેલા કહ્યું, મારી પાસે માત્ર બે જ વિકલ્પ હતા, કાં તો મૃત્યુ અથવા આ ટ્રાન્સપ્લાન્ટ. હું જીવવા માંગુ છું. મને ખબર છે કે આ અંધારામાં તીર મારવા જેવી વાત છે, પણ આ મારી અંતિમ ઈચ્છા છે. હકીકતમાં, છેલ્લા ઘણા મહિનાઓથી, ડેવિડ પથારીવશ છે, અને હાર્ટ-લંગ બાયપાસ મશીનની મદદથી જીવી રહયા છે. હવે ભૂંડનું હદય તેમના શરીરમાં ફિટ કરવામાં આવ્યું છે અને તે જીવી ગયા છે. ખરેખર આ એક સિદ્ધિ છે.

જો કે બધી જ જગ્યાએ સાયન્સનો ઉપયોગ સારા માટે જ થાય છે એવુ નથી. અમુક જગ્યાએ તો વિચિત્ર હરકતો પણ થાય છે. ચીની વૈજ્ઞાનિકોએ તો તેમાં હદ કરી નાખી છે. તેઓએ વાંદરા અને ભૂંડનાં જિન્સને ભેગા કરીને એક નવી પ્રજાતિ બનાવી હતી. વૈજ્ઞાનિકોએ આ પ્રજાતિનું નામ ’બંદર-સૂવર પ્રજાતિ’ રાખ્યું હતું.  આ બંને બાળકોનો જન્મ સ્ટેટ સેલ અને સ્ટેટ લેબોરેટરીમાં રિપ્રોડક્ટિવ બાયોલોજીમાં થયો હતો, પરંતુ એક અઠવાડિયા પછી તેમનું મૃત્યુ થયું. જો કે, હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે વાંદરા-ભૂંડ બંનેની મોત કેવી રીતે થઇ ગયા. વૈજ્ઞાનિકો કહે છે કે તેનું મોત આઈવીએફ પ્રક્રિયામાં કોઈ સમસ્યાને કારણે થયું હોઇ શકે છે. ન્યુ સાયન્ટિસ્ટનાં એક રિપોર્ટ અનુસાર, ચીની વૈજ્ઞાનિકોએ ભૂંડનાં ભ્રૂણમાં વાંદરાનાં કોષોને ઇન્જેક્ટ કરીને ’કાઇમેરા’ પિગલેટ્સ (આઈવીએફ તકનીકથી બનાવેલા બેબી પિગ) નું ઉત્પાદન કરીને આ સફળતા હાંસલ કરી હતી. વિજ્ઞાનની ભાષામાં, આવા પ્રાણીને કાઇમેરા કહેવામાં આવે છે, જેના શરીરમાં એક કરતા વધુ જાતિનાં જીવંત કોષો હાજર હોય છે.