- મોરબીને નવીન હવાઈપટ્ટી ઉપલબ્ધ કરાવવાની કામગીરી પ્રગતિમાં : નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂત
- હવાઈપટ્ટીના નિર્માણથી રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે
- હવાઈપટ્ટી પર પ્રથમ તબકકામાં 90 અને 70 બેઠક ધરાવતા વિમાનનું ઉતરાણ કરાશે
મોરબી એ સિરામિક ઉદ્યોગો અને અન્ય ઉત્પાદન ક્ષેત્રો માટેનું મુખ્ય કેન્દ્ર છે. આ હવાઈપટ્ટીના-એરપોર્ટના નિર્માણથી આર્થિક વિકાસને સરળ બનાવવા અને મોરબી ખાતે પ્રાદેશિક હવાઈ જોડાણ વધારવા તથા ભારત સરકારની ઉડાન યોજના સાથે સુસંગત કરીને આ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે.
ઉદ્યોગ નગરી તરીકે ઓળખાતા મોરબીને અન્ય શહેરો સાથે હવાઈ માર્ગે જોડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મોરબી ખાતે નવીન હવાઈપટ્ટી ઉપલબ્ધ કરવાની કામગીરી પ્રગતિમાં છે. 21મી સદી ભારતની સદી છે ત્યારે આગામી 10-15 વર્ષના આયોજનને ધ્યાને રાખીને મોરબીમાં આધુનિક હવાઈપટ્ટી નિર્માણ કરવામાં આવશે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી બલવંત સિંહ રાજપૂતે કહ્યું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રી રાજપૂતે પેટા પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું હતું કે, તા. 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ મોરબી ખાતે હવાઈપટ્ટી વિકસાવવા એરપોર્ટ ઓથોરેટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રિ-ફીઝીબીલિટી રીપોર્ટ મુજબ જમીન મેળવવા જમીન માપણીની કામગીરી ચાલી રહી છે જે જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે. પ્રી-ફીઝીબીલીટી સ્ટડી રીપોર્ટ મુજબ મોરબી ખાતે 1500 મીટરની લંબાઇ ધરાવતો રન-વે વિકસાવવા ઉપલબ્ધ જમીનને અડીને આવેલ વધારાની ખાનગી જમીન પણ સંપાદન કરવાનું આયોજન છે.
મોરબી હવાઇપટ્ટી ખાતે પ્રથમ તબક્કાની કામગીરીમાં રનવે, ટેક્ષી-વે, એપ્રન, જમીન સમતળ અને અન્ય સંલગ્ન કામગીરીનો સમાવેશ કરવામા આવશે. બીજા તબક્કાની કામગીરીમાં ટર્મીનલ બિલ્ડીંગ, એ.ટી.સી કંન્ટ્રોલ ટાવર, વહીવટી બિલ્ડીંગ, ફ્યુલ સ્ટેશન, એમ.આર.ઓ હેંગર તથા ઇલેક્ટીકલ રૂમ વિગેરે જરૂરી સુવિધાનો વિકસાવવા માટે આયોજન છે.જ્યારે ત્રીજા તબક્કામાં રનવે લાઇટ, એવિએશન ઇક્યુપમેન્ટ, ગાર્ડનીંગ, પાર્કીંગ વિગેરે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ સુવિધાના પરિણામે આ વિસ્તારમાં યુવાનો માટે રોજગારીની નવીન તકો ઉભી થશે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રી રાજપૂતે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ હવાઈપટ્ટી પર પ્રથમ તબકકામાં 90 અને 70 બેઠક ધરાવતું વિમાનનું ઉતરાણ કરવામાં આવશે. આ હવાઈ પટ્ટી શરૂ થવાથી પાયલોટ તાલીમ, ફ્લાઈંગ ઓપરેશન, વિમાન ઈજનેરી સહિત વ્યવસ્થા ઉભી કરાવવામાં આવશે તેમ,મંત્રીએ ઉમેર્યું હતું.