- માનવ જીવનના ઉત્થાન માટે કામ કરતી સંસ્થા – રેડક્રોસ
‘14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ’ તરીકે મનાવાય છે, ત્યારે રાજકોટમાં ‘રક્તદાતાઓ’ના મહામુલા રક્તને જરૂરિયાતમંદ દર્દીઓના સારવાર-સ્થળ સુધી પહોંચાડવા અનોખી ‘ડોર ટુ ડોર ઈમરજન્સી બ્લડ ડ્રાઈવ’ રાજકોટ રેડક્રોસ દ્વારા શરૂ કરવામાં આવી છે. કોઈ હોસ્પિટલમાંથી રક્તની માગ આવ્યા પછી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને 90 મિનિટમાં જ દર્દીના બેડ સુધી રક્ત પહોંચાડી દેવામાં આવે છે.
આ અંગે રાજકોટ રેડક્રોસના ચેરમેન ડો. દીપક નારોલાના જણાવ્યા પ્રમાણે, ‘દરેક જિંદગી જરૂરી છે’ની નેમ સાથે રાજકોટ રેડક્રોસ દ્વારા ‘ડોર ટુ ડોર ઈમરજન્સી બ્લડ ડ્રાઈવ’નો આરંભ કરાયો છે. જરૂરિયાતમંદ લોકોને રક્ત મેળવવા માટે મુશ્કેલી ના વેઠવી પડે અને તેમને સારવારના સ્થળે જ રક્ત મળી રહે, તેવો હેતુ આ ડ્રાઈવનો છે. ગત 8મી મેએ ‘રેડક્રોસ દિવસ’ નિમિત્તે આ ઉમદા વિચારને અમલી બનાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું અને 19મી મે, 2025ના રોજથી આ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે રાજકોટ જિલ્લા કલેક્ટર તથા રાજકોટ રેડક્રોસના પ્રમુખ પ્રભવ જોશી તથા જિલ્લા પંચાયતનો પૂરતો સહયોગ મળી રહ્યો છે.
કેવી રીતે થાય છે સમગ્ર કામગીરી? તે અંગે ડો. નારોલાએ કહ્યું હતું કે, આ ડ્રાઇવ માટે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ત્રણ ઈલેક્ટ્રીક સ્કૂટર વસાવવામાં આવ્યા છે તેમજ તાલીમબદ્ધ 10 લોકોનો સમર્પિત સ્ટાફ રાખવામાં આવ્યો છે. કોઈ હોસ્પિટલમાંથી કોઈ દર્દી માટે રક્તની માગ આવે એટલે ઈ-સ્કૂટર પર જઈને સૌથી પહેલા દર્દીના રક્તનું સેમ્પલ કલેક્ટ કરી આશરે 20 મિનિટની અંદર જ રેડક્રોસ લેબ ખાતે લવાય છે. લેબમાં તેને પ્રોસેસ કરવામાં આવે છે. 40થી 45 મિનિટમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે. એ પછી રક્તદાતાઓએ આપેલા રક્તના સ્ટોરેજમાંથી મેચિંગ બ્લડ કોમ્પોનન્ટ કે રક્ત લઈને આશરે 20 મિનિટની અંદર જરૂરિયાતમંદ દર્દી સુધી પહોંચાડવામાં આવે છે. સ્પેશિયલ બેગ્સ અને અલગ-અલગ ક્ષમતાના આઇસબોક્સમાં એક કે એકથી વધુ રક્ત યુનિટનું પરિવહન કરવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે, આ સેવા 24 કલાક ચાલુ છે અને તેના માધ્યમથી રોજ સરેરાશ 30 યુનિટ રક્ત પહોંચાડવામાં આવે છે. આ સેવાનો મોટો ફાયદો એ છે કે, તેનાથી દર્દીઓના સગાઓની રક્ત મેળવવા માટેની રઝળપાટ ઘણે અંશે ઘટી ગઈ છે. જો કોઈ દર્દીના સગા ના હોય તો પણ, તેને સારવારના સ્થળે જ રક્ત મળી જાય છે. આમ રક્તદાતાઓનું રક્ત દર્દીના ખાટલા સુધી પહોંચાડીને તેમનું જીવન બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, રેડક્રોસ બ્લડ બેન્કમાં હવે ક્લીયામેથડ ઈન્સ્ટોલ કરવામાં આવેલી છે. જેના કારણે સિંગલ યુનિટ બ્લડને પણ ઈમરજન્સીમાં પ્રોસેસ કરીને દર્દી સુધી પહોંચાડી શકીએ છીએ.
આ સેવાના વ્યાપ અંગે ડો. નારોલાએ કહ્યું હતું કે, રાજકોટની આશરે 125 જેટલી હોસ્પિટલોને આ સેવાના દાયરામાં આવરી લેવામાં આવી છે. ઈમરજન્સી એમ્બ્યુલન્સ જેવી સેવા આપતી આ બ્લડ ડ્રાઇવની કામગીરીમાં ટ્રાફિકની અડચણ ના થાય તે માટે શહેર પોલીસ કમિશનરનો સંપર્ક કરીને આ યોજના સમજાવવામાં આવી હતી. જેના કારણે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બ્લડ ડ્રાઇવના સ્કૂટરને ટ્રાફિકની અડચણ ના થાય તેનો ખ્યાલ રાખીને ઝડપથી પસાર થવા દેવામાં આવે છે. રેડક્રોસ બ્લડ બેન્કની નજીકની કોઈ હોસ્પિટલ હોય કે, શહેરના છેવાડે આવેલી હોસ્પિટલ, સરેરાશ 90 મિનિટમાં રક્ત પહોંચાડી દેવામાં આવે છે. બ્લડ ડ્રાઈવના ઈ-સ્કૂટર પર મોબાઈલ નંબર 99096 95100 તથા 88668 71717 લખવામાં આવ્યા છે. આ નંબર પર કોલ કરીને બ્લડ ડ્રાઈવની સેવા મેળવી શકાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ રેડક્રોસની ઈનડોર બ્લડ બેન્કની સેવા ચાલુ જ છે. કોઈપણ રક્તદાતા આ બ્લડબેન્કમાં આવીને રક્ત આપી શકે છે. આ ઉપરાંત વિવિધ રક્તદાન કેમ્પો પણ સમયાંતરે યોજવામાં આવે છે.
વિશ્ર્વ રક્તદાન દિવસે રક્તદાતાઓને અપીલ
રાજકોટ રેડક્રોસના ચેરમેન ડો. દીપક નારોલાએ વિશ્વ રક્તદાતા દિવસે અપીલ કરતા કહ્યું હતું કે, રક્તદાન એ લોકોની જિંદગી બચાવવાનું અને માનવતાનું કાર્ય છે. ઉનાળામાં સામાન્ય રીતે લોહીની અછત થતી હોય છે, ત્યારે લોકોને વિનંતી છે કે, વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કરીને અન્ય લોકોના જીવન બનાવવાના માનવતાના કાર્યમાં સહભાગી બને. તેમણે ઉમેર્યું હતું કે, ‘14મી જૂન રક્તદાતા દિવસ’ નિમિત્તે રાજકોટની રેડક્રોસ બ્લડબેન્ક ખાતે આવીને રક્તદાન કરી શકાય છે. ઉપરાંત વાર-તહેવાર, જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ પણ સ્વૈચ્છિકરીતે રક્તદાન કરીને અન્યોને જીવનદાન આપીને અનોખી ઉજવણી કરી શકાય છે.