વિશ્વ પુસ્તક દિવસ: પુસ્તક થકી જ માનવજાતમાં સંસ્કાર,સંસ્કૃતિ અને સમજણનો થયો વિકાસ

0
28

કરીએ જાગૃત વાંચનપ્રેમ, ભરીએ સંસ્કાર જનજનમાં, પુસ્તક વાંચનથી સમૃદ્ધ તન, મન, ધન બનીએ સમૃદ્ધ જીવનમાં: ડો.તેજસ શાહ

હોમઆઈસોલેશન સેન્ટરના આયોજકો દર્દીના ટાઈમપાસ માટે થોડા સારા ધાર્મિક, મોટીવેશનલ પુસ્તકો રાખે તેવું સુચન

તા.23 એપ્રિલ, એટલે વિશ્ર્વ પુસ્તક દિન. આ દિવસની શરૂઆત વર્ષ 1995માં વિશ્ર્વના મહાન લેખકો સેકસપીયર, ગારસીલાસો, સર્વાન્ટીસ જેવા મહાન લેખકોની મૃત્યતિથિ નિમિતે યુનેસ્કો દ્વારા વિશ્ર્વ પુસ્તક દિનની ઉજવણીની વાંચન પ્રત્યેની જાગૃતિ લાવવા માટે શરૂઆત થઈ. જે વાંચે છે તે ને નથી વાંચતો તેનાથી કંઈક વિશેષ જાણકારી મેળવે છે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક કોન્ફરન્સમાં કહેલું કે, પુસ્તકો એ જ્ઞાનનો ખજાનો છે, તે આપણને જીવન જીવવાની તાકાત આપે છે. (રેફરન્સ 26 એપ્રિલ-2015, ટાઈમ્સ ઓફ ઈન્ડીયા) પૂ.મોરારીબાપુએ કહ્યું છે કે, ગ્રંથનું વાંચન એ શ્રવણભકિત છે, તો રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે, ધનબળ, શકિતબળ, આયુષ્યબળ તે સૌ કરતા ગ્રંથબળનું મહત્વ અનેકગણું છે. આમ, આવા તો અનેક નામી-અનામી સંતો, મહાપુરૂષો, વિદ્વાનોએ વાંચન વિશે ખુબ જ કહ્યું છે. ટુંકમાં સદવાંચન જરૂરી છે. સાંપ્રત સમયની જરા વાત લઈએ તો અત્યારે ગુગલ વિશ્ર્વગુરૂ તરીકે બિરાજમાન છે ત્યારે સૌ કોઈને ઈન્સ્ટન્ટ માહિતી જોઈએ છીએ. ફાસ્ટફુડનો જમાનો છે તેમ ફાસ્ટબુકનો જમાનો આવી ગયો છે. જરૂરી ક્ધટેન્ટ/માહિતી મળી ગઈ એટલે વાત પુરી. પુસ્તક સ્પર્શનો આનંદ આજે રહ્યો નથી. મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર સ્પર્શથી બધુ આંગળીના ટેરવે સ્ક્રોલ કરો અને વાંચો, જે પુસ્તકનો સ્પર્શ, પાના ફેરવવા, મોરનું પીછુ બુકટેગ તરીકે રાખવું એ આહલાદક આનંદ હવે નથી રહ્યો. આજે આ ઈન્ટરનેટ, વોટસઅપ, ફેસબુકના યુગમાં જોઈએ તો દિવસેને દિવસે દરેક જગ્યાએ પુસ્તક પ્રેમીઓ શોધવા જવા પડે છે. હા, ચોકકસપણે ડિજિટલ બુકસ વાંચનાર વર્ગ કદાચ વઘ્યો હશે પરંતુ કયાં છે એ વાંચકો કે જેઓને દિવસમાં કોઈ એક સારુ પુસ્તક ન વાંચ્યું હોય તો ચેન ન પડતું, કયાં છે એ વાંચકો કે જેઓ રાત્રે સુતા પહેલા કોઈ સારા ગ્રંથનું વાંચન ન કરે તો તેઓને ઉંઘ ન આવતી ? કયાં છે એ પુસ્તકપ્રેમીઓ કે જેઓ ટ્રેનમાં મુસાફરી કરવા જાય ત્યારે હરકિશન મહેતા કે ઝવેરચંદ મેઘાણી કે આવા કોઈ મહાન લેખકોને વાંચ્યા વગર ન ચાલે. આજે કોરોનાએ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ડોકટર પોતે એવું કહે છે કે જીવનમાં સકારાત્મકતા દાખવવા માટે કોઈ સારુ પુસ્તક વાંચો, જેનાથી તન, મન અને જીવન સ્વસ્થ બનશે. આપણો દેશ તો ગ્રંથની પુજા કરતો દેશ છે, અહી પૂ.હેમચંદ્રાચાર્ય મહારાજે સિઘ્ધ હેમ ગ્રંથને હાથીની અંબાડી પર મુકી વિશ્ર્વભરમાં ગ્રંથપ્રેમનું ઉતમ ઉદાહરણ આપેલ હતું ત્યારે સાંપ્રત સમયે પુસ્તકવાંચન વૃતિ વધે તે દેશની સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતાને ધબકતી રાખવા ખુબ જરૂરી છે તેમ માનવું છે. વિશ્ર્વમાં અનેક લેખકો, સાહિત્યકારોની સોગાત આપણને મળી છે જેની વાત, વિચારો, જીવન, કવન પુસ્તક સ્વરૂપે ઉતરેલ છે એવું આપણે વાંચન થકી સદઉપયોગ કરીએ. આજે સામાન્ય રીતે આપણી સવાર મોબાઈલથી પડે છે, સવારે ઉઠીને ફોન ચાર્જ છે કે નહીં તે જોઈએ છીએ, પછી ગુડ મોર્નિંગ મેસેજથી શરૂ થઈ અનેક સુવિચારો/કુવિચારો આપણે મન-કમને લઈએ છીએ-ઠલવીએ છીએ. આપણા ફોનમાં અને મનમાં. એવો એક બંદો બતાવો કે જેણે મોબાઈલમાં કોઈ આખી બુક સરસ રીતે વાંચી હોય.

બસ આવું જ બધુ. પબજી, ટીકટોક, તીનપતી, વીડીયો મિકસીંગ, વીસીસ, મને કેટલાયે જોયો, કેટલાએ મને લાઈક કર્યું, કેટલાએ મારી નોંધ લીધી કે ન લીધી ?, કેટલાએ પ્રશંસા કરી ? અને આવું તો અઢળક. આજે ઈન્ટરનેટ, મોબાઈલ, વોટસઅપ, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુકે અનેક સામાજીક માનસિક વિકૃતિઓ પેદા કરી છે. પરિવારના સભ્યો-મિત્ર વર્તુળોમાં વેર ઝેર પેદા કર્યા છે. અવિશ્ર્વાસનું વાતાવરણ ઉભુ કર્યું છે. વિચાર અને વ્યવહારમાં નકારાત્મકતા વધારી દીધી છે. આજે યુવાનો ફ્રી સમયમાં મોબાઈલ હાથમાં લઈને ભગવાન જાણે કયાં-કયાં ખોવાઈ ગયા હોય છે જે અંતે ખુદને ખોઈ બેસતા હોય છે. પરિવાર સાથે બેસીને વાતો કરવાને બદલે પિકનીકમાં ગયા હોય ત્યાં પણ બધાના હાથમાં મોબાઈલ. માટે જ આજે પરિવારના સગા-સંબંધીઓમાં ખાઈ વધી છે.કોઈ અનુસંધાન હોય તો તે છે ફકત અને ફકત પુસ્તક. શું એવું નથી લાગતુુ ??? આવું એક સારું પુસ્તક અને તેમાનો એક સારો પેરેગ્રાફ એક સારી લીટી અરે અરે સારો શબ્દ પણ જો મનમાં વસી જાય તો જીવન આપણું ધન્ય બની જાય અને બુઘ્ધ, ગૌતમ, મહાવીર, કૃષ્ણ, રામ, રહિમ, કબીર, નરસિંહ મહેતા, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદજી કે ઝવેરચંદ મેઘાણી જેવા અનેક મહાપુરુષો ફરીથી આ દેશમાં જન્મી શકે છે. આથી સૌ કોઈ જો સુંદર પુસ્તકોને વાંચશે, હૃદયસ્થ કરશે તો વાંચે ગુજરાત, વાંચે ભારત, વાંચે વિશ્ર્વની કલ્પના ખરા અર્થમાં સાકાર થશે અને પુસ્તક જે કોઈ વાંચશે, તે પરમ વૈભવમાં રાચશે.

બસ, એક લાઈબ્રેરીયન તરીકે હું જણાવું છું કે, આજના આ વોટસએપ, ફેસબુક, ઈન્સ્ટા, સ્નેપચેટ અને કેટલુય, ટીવી સીરીયલો, મોબાઈલ ગેમ્સના યુગમાં ખરાઅર્થમાં પુસ્તક પ્રેમને સાર્થક કરવા સમાજજીવનના લોકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, બાળકો સૌ કોઈ માટે પુસ્તક પ્રત્યે, વાંચન પ્રત્યે જાગૃત થાય અને તે માટે આપણે માઉથ ટુ માઉથ આ વાતનો ફેલાવો કરીએ. જરૂર જણાય તો સમયાંતરે આધુનિક મીડિયાના માધ્યમથી પણ આ પુસ્તક વાંચનના મહિમાનો ફેલાવો કરીએ અને જેઓ જયાં કયાંય પણ હોય પુસ્તક વાંચનનો મહિમા જાણે અને જણાવે, વાંચે અને વંચાવે…અંતમાં નમ્ર અપીલ કે જેઓના પરિવારજનો આ કોરોના કાળમાં હોમ આઈસોલેશનમાં હોય અને ઘરે સમય પસાર કરવાની મુશ્કેલી હોય તેઓ માટે કોઈ સારુ પુસ્તક લાવીને તેમના પરિવારજનો વાંચવા આપે/મોકલાવે, આવા સેન્ટરો, સેવા સંસ્થાઓ પોતે એક નાની લાઈબ્રેરી રાખે જયાં પુસ્તકો, છાપાઓ, મેગેઝીનો હોય, દર્દીના બેડ સુધી પહોંચાડવાની વ્યવસ્થા હોય…તો આવા સદવાંચનથી તેમની તંદુરસ્તી ઝડપથી સારી થઈ જ જશે એવી અભ્યર્થના સહ આબાલ-વૃદ્ધ સૌ કોઈને ડો.તેજસ શાહ (લાઈબ્રેરીયન-વીવીપી એન્જી કોલેજ મો.75670 49301)ના વિશ્ર્વ પુસ્તક દિનની અને કોપીરાઈટ દિવસની શુભભાવનાઓ સહ, ઉજાળવો હોય જો જીવન પંથ, તો જરૂર વાંચજો કોઈ સુંદર ગ્રંથ. વંદે પુસ્તકમ્….

ડો.તેજસ શાહ મો.75670 49301

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here