આજે વિશ્વ ધરોહર દિવસ, જે સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહન આપે છે. આ દિવસ રિમાઈન્ડર છે, જે લોકોને યાદ અપાવે છે કે સાંસ્કૃતિક વારસો એ માત્ર ભૂતકાળની વસ્તુ નથી પરંતુ એવી મૂલ્યવાન ભેટ છે આજે પણ સુસંગત છે અને ભવિષ્યને આકાર આપવાનું ચાલું રાખશે. દર વર્ષે 18 એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવે છે. સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનું જતન કરવાના ઉદ્દેશ સાથે આ દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી એક ખાસ થીમ સાથે થતી હોય છે. આ વર્ષની થીમ “ડિસ્કવર એન્ડ એક્સપિરિયન્સ ડાયવર્સિટી (Discover and experience diversity)છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં ભારતના 42 સ્થળોને સ્થાન મળ્યુ છે. સૌપ્રથમ વખત 1983 આગ્રા ફોર્ટને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો મળ્યો હતો. છેલ્લે 2023માં પશ્ચિમ બંગાળના શાંતિનિકેતને આ યાદીમાં સ્થાન મળ્યુ છે. ગુજરાતમાં કુલ ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. જેમાં ચાંપાનેર, અમદાવાદ શહેર, ધોળાવીરા અને રાણકી વાવનો સમાવેશ થાય છે. વર્લ્ડ હેરિટેજ ડે પર આપણે ગુજરાતની આ ચાર વર્લ્ડ હેરિટેજ સાઈટ વિશે જાણીએ…
ભારતની આ પાંચ હેરિટેજ સાઇટ્સની અવશ્ય મુલાકાત લો
ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન, ગુજરાત
હજારો વષૅ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. જેમાંથી ફાટેલા જવાળામુખીમાંથી આ પાવાગઢનાં કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પવૅત જેટલો બહાર દેખાય છે તેનાં કરતાં ધરતીની અંદર તરફ વધારે છે.. એટલે કે તેનો પા જેટલો ભાગ દ્રષ્ટિ ગોચર થાય છે. તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો.હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા.આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્વર્યા અને આરાધના કરીને બહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્વ કર્યુ હતું. એવું પણ કહેવાય છે કે, શ્રી કાલિકા માતાજીએ આપેલ નર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગદ્જનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. પાવાગઢ પર્વતની છેલ્લી ટૂક પર એટલે કે દરિયાઈ સપાટીથી 2,730 ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતાં સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નુત્ય કરી , પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યાં હતા, જે અલગ અલગ ૫૧ શક્તિપીઠરૂપે પ્રસ્થાપિત થયેલ છે. તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશરૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા-અર્ચના થાય છે.
ધોળાવીરા
કચ્છના ભચાઉમાં આવેલું ધોળાવીરા પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતું નગર છે. તે સમયે લગભગ પચાસ હજાર લોકો આ નગરમાં રહેતા હોવાનુ અનુમાન છે. મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલુંછે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા કહે છે. કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે. નગરમાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના અને લોકોની જીવનશૈલીને આજે પણ આર્દશ માનવામાં આવે છે. શહેરના અવશેષો 100 હેક્ટરમાં ફેલાયેલા છે. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું એક સમૃદ્ધ કેન્દ્ર છે. યુનેસ્કો દ્વારા 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.
રાણકી વાવ/ રાણીની વાવ
પાટણમાં આવેલી રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક ઐતિહાસિક વાવ છે. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા વાવ બાંધવામાં આવી હતી. 11મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થાના હેતુ સાથે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. આ વાવ જયા પ્રકારની વાવ છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઇ.સ.1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી હતી. દિવાલો પર વિવિધ ધાર્મિક કલાકૃતિઓ અને શિલ્પની અદ્ભૂત કોતરણીઓ છે. તેમજ વાવમાં દેવીદેવતાઓની સાથે અપ્સરા અને નાગકન્યાઓની મૂર્તિઓ કંડારવામાં આવી છે. અહીંયા એક નાનો દરવાજો છે, જે સિદ્ધપુર જતા 30 કિમી એક બોગદામાં ખુલે છે. આરબીઆઈએ 2018માં બહાર પાડેલી જાંબલી રગંની 100 રૂપિયાની ચલણી નોટમાં પાછળના ભાગ પર રાણકી વાવ દર્શાવવામાં આવી છે.
અમદાવાદ શહેર
ઈ.સ 1411માં અહમદશાહે શહેરનો પાયો નાખ્યો હતો. તેણે પોતાના નામ પરથી અહમદાબાદ નામ રાખ્યું હતું, જે બાદમાં અમદાવાદ તરીકે ઓળખાયું. અમદાવાદ દેશનું પ્રથમ હેરિટેજ શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર પહેલા નાની પોળમાં જ સીમીત હતું જે હવે મોટુ મહાનગર બની ગયું છે. અત્યારના અમદાવાદમાં સાંસ્કૃતિક, ધાર્મિક અને આધુનિકતાનો સમન્વય જોવા મળે છે. હેરિટેજ મકાનો, પ્રાચીન ઈમારતો, તળાવ, કુવા, આશ્રમ, કિલ્લો અને ત્રણ દરવાજા તથા ઐતિહાસિક આર્કિટેક્ચરના નમૂના અમદાવાદમાં છે. આ ઉપરાંત પોળમાં હેરિટેજ વોક, રોબોટિક ગેલેરી, સાયન્સ સીટી, માણેક ચોકમાં ગુજરાતી ભોજનની મજા અને ફરવા લાયક સ્થળોનો આનંદ માણવા માટે દેશ વિદેશથી લોકો અહીં આવે છે. એંગ્રેજો માટે ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતં હતું. 2017માં અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.
કોચી, એર્નાકુલમમાં મટ્ટનચેરી પેલેસ
કેરળના મટ્ટનચેરી પેલેસને ડચ પેલેસ પણ કહેવામાં આવે છે. અહીંના ઘરો કેરળ અને યુરોપના આર્કિટેક્ચર પ્રમાણે બનાવવામાં આવ્યા છે. મટ્ટનચેરીના બજારમાં, તમને કારેલના અધિકૃત ખોરાકનો સ્વાદ માણવાની તક મળશે, જેમાંથી અપ્પમ અને માછલીની કરી સૌથી વધુ લોકપ્રિય છે.
શેખ મરચાની કબર, હરિયાણા
હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લામાં આવેલી શેઠ મરચાની આ કબર વર્લ્ડ હેરિટેજનો મહત્વનો ભાગ છે. આ મકબરો પારસી આર્કિટેક્ચર અનુસાર બનાવવામાં આવ્યો છે. અહીં દરેક ધર્મના લોકો પ્રાર્થના કરવા આવે છે. વર્લ્ડ હેરિટેજનો હિસ્સો હોવાથી આ મકબરાની ખાસ કાળજી રાખવામાં આવે છે. અહીંના સ્થાનિક બજારમાં તમને ઘરની સજાવટ માટે ઘણી વસ્તુઓ મળશે.
પટ્ટડકલ્લુ, કર્ણાટક
માલાપ્રભા નદીના કિનારે આવેલું આ વિશ્વ ધરોહર સ્થળ ચાલુક્ય સામ્રાજ્યનું છે. તેને રક્તપુરા પણ કહેવામાં આવે છે, તે કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં આવેલું છે. આ વિવિધ સ્મારકોનો સમૂહ છે જે તેમના પુરાતત્વીય મહત્વ માટે પ્રખ્યાત છે. અહીંના ઐતિહાસિક સ્મારકોમાં નવ હિન્દુ અને એક જૈન મંદિર છે.
કાકટિયા રુદ્રેશ્વર (રામપ્પા) મંદિર, તેલંગાણા
કાકટિયા રુદ્રેશ્વર (રામપ્પા) મંદિર તેલંગાણાની વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ એક પ્રાચીન મંદિર છે. આ મંદિર તારાના આકારમાં બનેલું ભવ્ય મંદિર છે. આ મંદિર 12મી સદીમાં કાકટીય રાજા રુદ્રદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં હજાર સ્તંભો છે, તેથી તેને હજાર સ્તંભવાળું મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે તેને બનાવવામાં જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે તે પાણીમાં ડૂબતો નથી.